——–
આદિવાસી દિવસ નિમિત્તે સમાજ અગ્રણીઓ દ્વારા માનદરવાજા સ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા
———-
પ્રકૃતિના જતન અને સંવર્ધનના પ્રેરક સંદેશ સાથે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ
સુરતઃસોમવારઃ- અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે સમસ્ત આદિવાસી સમાજ-સુરત શહેર દ્વારા ૯મી ઓગષ્ટ ‘ વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. આ અવસરે માનદરવાજા રિંગ રોડ સ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર રિટાયર્ડ કલેકટરશ્રી આર.જે.પટેલ તથા સમાજના આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં કોરોનાકાળમાં પ્રકૃતિમાં વિલય થયેલા સમાજ બંધુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રકૃતિના પૂજક એવા આદિવાસીઓ દ્વારા આદિવાસી પહેરવેશ પહેરી પરંપરાગત નૃત્ય અને ઢોલ, તારપા, તૂર જેવા વાદ્યો સાથે પૂજા અર્ચના કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ‘ચાલો ચાલીએ અને ગૌરવશાળી સમાજના માથે સ્વાભિમાનનું નવું ફાળીયું બાંધીએ”, ‘પ્રકૃતિ એ જ જીવન છે એનું જતન કરીએ, પર્યાવરણ બચાવીએ’ એવા પ્રેરક સંદેશ સાથે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટથી માહોલ ગૌરવાન્વિત થયો હતો.
આ પ્રસંગે એસટી વેલ્ફેર સંસ્થાના અધ્યક્ષશ્રી રોહિતભાઇ ચૌધરીએ આદિવાસી સમાજની સંસ્કૃતિ, ભાષા, બોલી અને રીતરિવાજોની આવનારી પેઢીને બતાવવામાં આવે તો સમાજને સંગઠિત કરી સમાજને વધુ મજબુત કરી કરી શકાય છે. અને શહેરમાં વસતા આદિવાસીઓને પર્યાવરણ વિશે જળ, જંગલ, જમીનની સાચવણી અને પર્યાવરણના જતન અંગે સચોટ માર્ગદશર્ન પુરૂં પાડ્યું હતું.
નિવૃત્ત આઈ.એ.એસ. શ્રી આર.જે.પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી પ્રજા આઝાદીની સ્વર્ણિમ ઈતિહાસમાં સ્થાન ધરાવે છે. આદિવાસી બહુલ પંચમહાલ, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરજ બજાવીને જાહેર સેવા સાથે આદિવસી જનતાની પણ સેવા કરવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. યુનો દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સૌને શુભકામનાઓ આપતા શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ છે, જે આપણા સમાજ માટે સરાહનીય અને ઉત્સાહવર્ધક વાત છે.
તેમણે વધુમાં કહ્યું કે, આદિજાતિ પ્રજાના ઈતિહાસમાં યશકલગી કહી શકાય એવું કાર્ય કરતાં રાજ્ય સરકારે રૂ.૧૦૦ કરોડના ખર્ચે આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણની તક પૂરી પાડવા રાજપીપળા ખાતે રૂ.૩૪૧ કરોડના ખર્ચે ૩૯ એકરમાં ‘બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી’ની સ્થાપના કરી છે, જેનું આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત થયુ છે. આ યુનિવર્સિટી આદિજાતિ વિદ્યાર્થીઓના ભવિષ્યને નવો વળાંક આપશે, તેમજ સમાજમાં ઉઘડેલી શિક્ષણભૂખ સંતોષવામાં નિમિત્ત બનશે. આદિવાસી સમાજે વખતોવખત સરકારને કરેલી અસરકારક રજૂઆતોના કારણે આદિવાસી અસ્મિતાને ઉજાગર કરતું આદિવાસી મ્યુઝિયમ પણ નર્મદા જિલ્લામાં સાકાર થશે. જમીન સાથે જોડાયેલા તેમજ પ્રકૃતિના પૂજક તરીકેની આગવી ઓળખ ધરાવનાર વનબંધુ આદિજાતિ સમાજના દરેક પરિવારો એકબીજાને સહાયરૂપ બની સમાજના ઉત્થાન માટે આગળ આવે તેવું શ્રી આર.જે.પટેલે ભારપૂર્વક કહ્યું હતું. તેમણે વિશ્વ આદિવાસી દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી એક અને નેક બની સમાજને પ્રગતિના પંથે લઈ જવાનું આહવાન કર્યું હતું.
અધિક પોલીસ કમિશનરશ્રી (સેકટર-૧) પ્રવિણસિંહ માલએ પ્રેરક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ તમામ સમસ્યાઓનો એકમાત્ર અને અમોઘ ઉપાય છે. આદિવાસી સંસ્કૃતિની જાળવણી અને સાચવણી કરવી એ દરેક આદિવાસી ભાઈબહેનોનું પ્રથમ કર્તવ્ય છે એમ જણાવતા તેમણે દરેક યુવાનોને શિક્ષણના શસ્ત્રથી સુસજ્જ થઈને આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં પ્રવિણસિંહ માલએ જણાવ્યું કે, સંગઠિત સમાજ વિકાસ અને ઉન્નતિની ઊંચાઈઓ સર કરે છે, એટલે જ સંગઠન શક્તિનો ઉપયોગ કરી સમાજને વધુ મજબૂત કરવા અને સંગઠન શક્તિનો ઉપયોગ પોતાના ઘર પરિવારથી કરવાની શીખ આપી હતી. આદિવાસી સમાજના એક અદના સભ્ય તરીકે સમાજ બંધુઓની કોઈ પણ મદદ માટે હરહંમેશ તત્પર હોવાનું તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું હતું.
આદિલોક મેગેઝિનનો સ્ટોલ ઉભો કરી પુસ્તિકાના વિતરણ દ્વારા આદિવાસી જન જાગૃતિ માટેશ્રી કુંદનભાઇ વસાવાએ સરહાનીય યોગદાન આપ્યું હતું.આ વેળાએ આદિવાસી સમાજની પરંપરાગત પ્રકૃતિ ઘડિયાળનું વેચાણ નજીવા દરે કરવામાં આવ્યું હતું ઉપરાંત આદિવાસી વ્યંજનો માટે ખાનાખજાના સ્ટોલમાં ચોખાના રોટલા, બાફેલાવાલ અને ચણા નો આસ્વાદ ઉપસ્થિત સૌએ માણ્યો હતો.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ,ઉપસ્થિત રહયા હતા.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.