November 22, 2024

આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે-: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા0 0 0 0 0 0ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાનેવિશ્વ આદિવાસી દિવસની થયેલી ઉજવણી

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
વાલીયા તાલુકાના ૧૬૨ લાભાર્થીઓને રૂ.૮૯.૫૧ લાખના વિવિધ સાધન સહાયના ચેક તથા મંજૂરીપત્રોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ, રમતવીર, પ્રગતિશીલ ખેડૂત, સમાજ સેવક, પ્રગતિશીલ પશુપાલક જેવા આદિવાસી ભાઈઓને સન્માનિત કરાયા
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ સોમવાર :- સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘ ધ્‍વારા દર વર્ષે ૯ મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત અનુસંધાને આદિજાતિ વિકાસ ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભરૂચ જિલ્લાના વાલીયાની શ્રી રંગનવચેતન વિદ્યામંદિર ખાતે પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ આદિવાસી સાંસ્‍કૃત્તિક કલામંડળો, વિદ્યાર્થીઓએ પરંપરાગત આદિવાસી નૃત્‍યો, વેશભૂષા અને ઢોલ નગારાની સંગીતમય સૂરાવલીઓ સાથે મંત્રીશ્રી તથા મહાનુભાવોનું ઉમળકાભેર સ્‍વાગત કર્યું હતું.
પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્‍યું હતું કે, આદિકાળથી આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક રહ્યો છે. જળ, જમીન અને જંગલોની જાળવણી કરનાર આ સમાજની સંસ્‍કૃતિ, વિરાસત, પરંપરાગત વારસાની જાળવણી માટે રાજય સરકાર પણ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણીમાં જોડાય છે. આઝાદીની લડતમાં આદિવાસી સમાજનું પણ અનેરૂ યોગદાન રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, દરેક સમાજ સાથે આદિવાસી સમાજ પણ ખભેખભા મિલાવીને ચાલી શકે તે માટે અનેકવિધ યોજનાઓ દ્વારા સર્વાંગીણ વિકાસ અર્થે રાજય સરકાર કાર્ય કરી રહી છે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવતાં મંત્રીશ્રીએ દેશની આઝાદી અપાવવામાં આદિવાસી બિરસા મુંડા જેવા મહાનુભાવોનો અમૂલ્ય યોગદાન ભુલી શકાય તેમ નથી, તેનો ઉલ્લેખ કરીને આદિવાસી સમાજના ભવ્‍ય ઈતિહાસની ગૌરવગાથા વર્ણવી હતી.
મંત્રીશ્રીએ વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓ માટે બહુમૂલ્ય વનબંધુ યોજના જ્યારે રાજ્યની સરકારે પૈસા એક્ટ, જંગલની જમીન વિગેરે જેવા અધિકારો આપ્યા છે. ઉપરાંત સિંચાઈની, પાણી પુરવઠા અને નલ સે જલ જેવી યોજનાઓ આપી છે ઉપરાંત ભૂતકાળમાં કોઈને વિચાર ના આવ્યો હોય તેવા આદિવાસી સમાજના યુવાનો માટે રાજપીપલા ખાતે ટ્રાયબલ યુનિવર્સિંટીનું નિર્માણ કરવામાં આવ્યું જેનુ આજરોજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. તેમણે સુશાસનના પાંચ વર્ષમાં રાજ્ય સરકારે આદિજાતિ વિસ્‍તાર માટે કરેલા વિકાસકાર્યોની ઝાંખી કરાવી હતી. આદિવાસી વિસ્તારોમાં સધન વિજળીકરણ, આરોગ્યલક્ષી સુવિધાઓ, પુરક પોષણક્ષેત્રની વિવિધ યોજનાના અસરકારક અમલીકરણને પગલે દરેક આદિવાસીઓના ઘરોમાં ઉજવળ ભવિષ્યનું અજવાળું છવાયું છે તેમ પણ જણાવ્યું હતું.
તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સેવંતુભાઈ વસાવાએ સરકારશ્રીના પાંચ વર્ષના સુશાસનની ઉજવણી અંતર્ગત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતા આદિવાસી સમાજના ભવ્ય ઈતિહાસને વાગોળ્યો હતો. તેમણે આજના અવસરે વાલીયા તાલુકામાં મળનારી વિવિધ સાધન સહાયની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયાએ આદિવાસીઓના ઉત્થાન માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી રાજ્યમાં સુશાસનના પાંચ વર્ષની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો.
જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવતા સ્વાગત પ્રવચનમાં આદિવાસી સમાજ સ્વમાનભેર જીવી શકે તે માટે આદિવાસીઓના ઉત્થાન માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલાં લીધા હોવાનું જણાવ્યું હતું. તેમણે ભરૂચ જિલ્લામાં આદિવાસી પ્રજાજનો માટે કરવામાં આવતી કામગીરીની પણ ઝાંખી આપી હતી.
આ અવસરે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા મહાનુભાવોના હસ્તે ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને રમતવીર, પ્રગતિશીલ ખેડૂત, સમાજ સેવક, પ્રગતિશીલ પશુપાલક જેવા આદિવાસી ભાઈઓને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત કુંવરબાઈ મામેરૂં યોજનાની સહાય, માનવ ગરીમા હેઠળ ઈલેક્ટ્રોનિકસ સાધનોની કીટ, હળપતિ આવાસ, મકાન સહાયના, આંબાની કલમ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના, ઈન્દિરાગાંધી રાષ્ટ્રીયવૃધ્ધ પેન્શન યોજના વિગેરેના વાલીયા તાલુકાના ૧૬૨ લાભાર્થીઓને રૂ.૮૯.૫૧ લાખના લાભોના ચેક તથા મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. વાલીયા તાલુકામાં વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ.૧૮૬ લાખના ૭૪ કામોનું લોકાર્પણ પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના રાજપીપલા ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
અંતમાં આભારવિધિ પ્રાયોજના વહીવટદારશ્રી જે.પી.અસારીએ કરી હતી. અંતમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી પ્રણવભાઈ વિઠ્ઠાણી, જિલ્લા આગેવાનશ્રી ફતેસિંહ ગોહિલ, બળવંતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ વસાવા, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, આગેવાન-પદાધિકારીશ્રીઓ, આદિવાસી વિવિધ સંસ્થાના હોદ્દેદારો તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Share to