October 18, 2024

રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માલસામોટ ગામે “હરિત વસુંધરા વન પ્રોજેક્ટ” અંતર્ગત ડ્રોન ટેકનોલોજીથી વન વિસ્તારમાં સીડ્સ અને સીડબોલનું વાવેતર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Share to



*ઘનિષ્ઠ વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મંત્રીશ્રી : આ રથમાં ૮થી ૧૦ પ્રકારની પ્રજાતિના ૧૦૦૦ રોપાનું ગામલોકોને વિતરણ કરવામાં આવશે*

ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે વનોના વિકાસ, રક્ષણ, સંવર્ધન અને જતન તથા વન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસ માટે “હરિત વસુંધરા વન પ્રોજેક્ટ” શરૂ કર્યો છે. જે અંતર્ગત નર્મદા જિલ્લા વન વિભાગ દ્વારા ગુજરાતના વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે દેડિયાપાડાના માલસામોટ ખાતે ૧૦ હેક્ટરના જંગલ વિસ્તારમાં સીડ્સ વાવેતર અને સીડબોલને જંગલમાં ડ્રોન દ્વારા વાવણીની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. ગામલોકો સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ૫૦૦થી વધુ લોકોએ વૃક્ષ ઉછેરમાં ભાગ લઈ એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર અને માવજત માટેની જવાબદારી ઉપાડી લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, સમગ્ર વિસ્તારમાં આ વર્ષે અત્યારસુધી ૬૦૦ હેક્ટરમાં વાવેતર થયેલું છે. નર્મદા જિલ્લામાં આપણો વન વિસ્તારો ખૂબ સારા છે પરંતુ તેને વધુ આચ્છાદિત કરવા માટે ગામે ગામથી તમામ લોકોએ વૃક્ષારોપણમાં આગળ આવી અભિયાનના રૂપમાં સ્વયં જોડાવું પડશે. માત્ર વૃક્ષારોપણ નહીં પણ તે છોડની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી તેની યોગ્ય ઉછેર કરીશું તો વન વિસ્તારોને ઘટાટોપ કરવામાં ચોક્કસ પરિણામ મેળવી શકીશું.

મંત્રીશ્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ હંમેશાં ઈકો ટુરિઝમના વિકાસ થકી સ્થાનિકોને રોજગારી પુરી પાડવા ઉપર વધુ ભાર મૂકે છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ મંત્ર સાથે પર્વતીય વિસ્તારોને હરિયાળા બનાવવા માટે આગળ વધી રહ્યા છે. અને પ્રવાસન થકી ગ્રામીણ ક્ષેત્રના યુવાનોને ઘર આંગણે જ સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થાય તેવા ફળાઉ વૃક્ષોના રોપાણ થકી પ્રયત્નો કરી રહ્યાં છે. આ વિચાર પૈકી જ માલસામોટ ગામની ખાસ પસંદગી કરવામાં આવી છે. અને તેથી જ કેન્દ્રિય વિદેશ મંત્રીશ્રી ડો.એસ.જય શંકર પણ ખાસ રસ લઈને માલસામોટ ગામની પ્રગતિ માટે કામગીરી કરી રહ્યા છે. કારણ કે, નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી- કેવડિયા જેવું પ્રવાસન સ્થળ આજે વિશ્વ કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત થયું છે ત્યારે માલસામોટ ઈકો પ્રવાસન-૨ વિકસિત થવાથી તેની આસપાસ નિનાઈ ધોધ, વિવિધ પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત વન આવેલું છે. અહીં પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો ઊભા કરી શહેરી વિસ્તારના લોકોને કુદરતના ખોળે પ્રકૃતિ તરફ આકર્ષી શકાય તેવી અપાર સંભાવનાઓ રહેલી છે. તેના માટેની માળખા કિય સુવિધાઓ પણ સરકારશ્રી દ્વારા ઊભી કરવા માટેના પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે જ આજે માલસામોટ ગામે અત્યાધુનિત ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી વિવિધ ઝાડના બિયારણો તેમજ સીડ્બોલને ઢોળાવ વાળા વિસ્તારોમાં પ્રસરાવવા માટે મક્કમતાથી કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે તમામ નાગરિકો પોતાના જન્મ દિવસે એક વૃક્ષ અચૂક વાવે તેવો નિર્ધાર કરવા પણ સૌને મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

માલસામોટ ગામે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત અંદાજિત 500 લોકોએ એક-એક છોડ રોપીને પોતાની ભાગીદારી નોંધાવી હતી. મંત્રીશ્રીએ ડ્રોન ઉડાવીને વન્ય પેદાશોના બીજ અને સીડબોલને વન વિસ્તારમાં પ્રસરાવ્યા હતા. સાથો સાથ વન વિભાગ દ્વારા માલસામોટ વિસ્તારમાં થઈ રહેલી કામગીરીને પણ બિરદાવી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો. જ્યારે ૭૪મા વન મહોત્સવને વેગવંતો બનાવવા વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ રથમાં ૮થી ૧૦ વિવિધ ફળાઉ પ્રજાતિના ૧૦૦૦ જેટલા રોપા ગામમાં લઈ જઈ લોકોને વિતરણ કરી વૃક્ષારોપણમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા વન વિભાગ દ્વારા ઢોળાવ અને કોતરો વાળા વન વિસ્તારો કે જ્યાં માણસો જઈ શકતા નથી તેવા વિસ્તારોને વધુ હરિયાળા બનાવવા માટે ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડ્સ અને સીડબોલનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા દેડીયાપાડા, સોરાપાડા અને સગાઈ રેન્જમાં ૫૦ હેક્ટર વન વિસ્તારમાં વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આજે માલસામોટ ખાતે હાથ ધરાયેલા સીડ્સ અને સીડબોલના વાવેતરમાં ૧૦ હેક્ટર વન વિસ્તારને આવરી લેવામાં આવશે.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રી મોતીલાલ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઈ વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી સોમભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી હિતેશભાઈ વસાવા, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર તથા સામાજીક વનિકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી મિતેશભાઈ પટેલ, સ્થાનિક અગ્રણી રણજીતભાઈ ટેલર સહિત સ્થાનિક પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યોશ્રીઓ, વન વિભાગના આર.એફ.ઓ. સર્વશ્રીઓ, બીટગાર્ડશ્રીઓ અને મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed