November 29, 2023

ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે રાજપીપલા ખાતે કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Share to*ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર ગુજરાતમાં ૭૫ વ્યાખ્યાન, કાવ્યપાઠનાં કાર્યક્રમોનું આયોજન સાહિત્ય સરવાણીનું રસપાન*

ગુજરાતી સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ઉંડુ ખેડાણ કરનાર ગાંધીયુગના મુખ્ય મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીને તેમના ઉમદા સાહિત્ય પ્રદાન માટે વર્ષ ૧૯૬૭ માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક ઉમાશંકર જોશીએ અનેકવિધ સર્જન કરીને ગુજરાતી સાહિત્યને વિશાળ અને રસાળ બનાવવાનું કાર્ય કર્યુ છે. મુખ્ય કૃતિ નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા), વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન જેવી કવિતા-પદ્યનાટકો, એકાંકી, વાર્તાસંગ્રહો, નિબંધ સંગ્રહ, “અખો” એક અધ્યયન અને પુરાણોમાં ગુજરાતી વિષય પર સંશોધન, વિવેચન, બાળગીત જેવા કૃતિઓનું સર્જન કરનાર ઉમાશંકર જોશી બુદ્ધિ પ્રકાશના તંત્રી રહી ચુક્યા છે.

વિશ્વશાંતિના કવિ જેવા ઉપનામોથી ઉપલબ્ધિઓની વાત કરીએ તો વર્ષ ૧૯૩૯ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, વર્ષ ૧૯૪૭ માં નર્મદ સુવર્ણ ચંદ્રક, વર્ષ ૧૯૬૩ માં ઉમા-સ્નેહરશ્મિ અને વર્ષ ૧૯૭૩ માં સોવિએત લેન્ડ નહેરુ એવોર્ડથી કવિ ઉમાશંકર જોશી સન્માનિત થઈ ચુક્યા છે. અનેક સ્થળોએ તેમના સ્મૃતિચિન્હ સ્વરૂપે માર્ગ-પુસ્તકાલય, સભાખંડ, રાજમાર્ગો સહિત સાહિત્ય સભાઓમાં તેમની કાયમી સ્મૃતિને જીવંત રાખવા કવિશ્રી ઉમાશંકર જોશીનું નામકરણ કરવામાં આવ્યું છે.

વર્ષ ૧૯૧૧ માં ૨૧ મી જુલાઈ ના રોજ કવિ ઉમાશંકર જોશીનો જન્મ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ખાતે અવતરણ આ દિવસ નિમિત્તે ગુજરાત સહિત્ય અકાદમી ગાંધીનગર તથા નર્મદા સાહિત્ય સંગમ અને શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે તેમના જીવન કવન, સાહિત્યિક ગોષ્ઠિ, વ્યાખ્યાનો યોજીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના માર્ગદર્શન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ ગાંધીયુગના મુખ્ય કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક ઉમાશંકર જોશીના જીવન કવન અને તેમના સાહિત્ય વિશે જાણે- સમજે તે માટે આ વ્યાખ્યાન માળાનુ આયોજન કરવામાં આવ્યું હતુ.

ઉમાશંકર જોશીની ૧૧૩ મી જયંતિ નિમિત્તે એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મુખ્ય મહેમાન તરીકે ટ્રસ્ટી રવિભાઈ વસાવા, પ્રિન્સિપાલ ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા તથા ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ પ્રા. એસ કે પટેલની ઉપસ્થિતિમાં આ વ્યાખ્યાનમાં વક્તા તરીકે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક ડૉ. બળદેવ મોરીએ ઉમાશંકરજીની કવિતાઓમાં ઉભરેલા ઉમાશંકરને એક સર્જક તરીકે વર્ણવી તેમના જાણીતા કાવ્યો વિશે મનનીય વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને સુંદર સાહિત્ય રસપાન કરાવી માર્ગદર્શન આપ્યું હતું.

એમ.આર. કોમર્સ કોલેજ રાજપીપલાના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો.ડૉ. હિતેશ ગાંધીએ ઉમાશંકર જોશીના નાટ્ય સાહિત્ય ક્ષેત્રે ખેડાણ વિષય ઉપર વ્યાખ્યાન આપીને તેમના ઉત્તમ નાટક “સાપનાં ભારા” ઉપર ઉત્તમ વિવેચન કરી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાતી ભાષાને જીવંત રાખનાર કવિશ્રી ઉમાશંકર જોશી ‘‘વર્ગ એજ મારુ સ્વર્ગ છે’’ એવું ઉચ્ચારનાર આ સંસ્કારી પુરૂષે સાહિત્યના બધાંજ ક્ષેત્રે બખૂબી ખેડાણ કર્યુ હતું.

આ પ્રસંગે કવિ, જાણીતા વિજ્ઞાન લેખક તેમજ સાહિત્ય સંગમ નર્મદાના પ્રમુખ અને સંયોજક શ્રી દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી ઉમાશંકર જોશીના સાહિત્યનું અધ્યયન કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ગુજરાતી સાહિત્યનું વાંચન અને સર્જન જીવનમાં કરતા રહેવાની ટેક લેવા અપીલ કરી ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાયેલા પુસ્તકો સાથે વક્તાઓને ભેટ આપી પુષ્પગુચ્છથી તેમનું સન્માન કર્યું હતું.

શ્રી જગતાપે સાહિત્ય શીખવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આગામી દિવસોમાં વાર્તા લેખન અને કાવ્ય લેખન શિબિરો યોજવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. નર્મદા સાહિત્ય સંગમના સદસ્યોએ પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને ગુજરાતી સાહિત્યના ઉચ્ચ કોટીના ઉમાશંકર જોશીની સાહિત્યિક સફર, સર્જનયાત્રા અને પ્રતિષ્ઠિત કૃતિઓની પ્રસ્તુતી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી પોતે પણ આ અવસરને ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનવાની ઘડીની ધન્યતા વ્યક્ત કરી હતી.

આર.એમ. કોમર્સ કોલેજ રાજપીપલા ખાતે વક્તા તરીકે ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નેત્રંગના અધ્યક્ષ પ્રા.ડૉ. જશવંતસિંહ રાઠોડ અને રાજપીપલાના કવિશ્રી નગીનભાઈ વણકરે પણ ઉમાશંકર જોશીની અનેકવિધ કૃતિઓને અદભુત વાર્તાઓની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.નગીનભાઈ વણકરે ઉમાશંકર જોશીનાં જીવન કવન વિશે વ્યાખ્યાનઆપી તેમનો સુપેરે પરિચય કરાવ્યો હતો જયારે પ્રા.ડૉ. જશવંતસિંહ રાઠોડે ઉમાશંકરની વાર્તા સાહિત્ય વિશે રસપ્રદ વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્ય વિશે પ્રભાવિત કર્યા હતાં.

ગુજરાતી સાહિત્યના મહાન સાહિત્યકાર ઉમાશંકર જોશીના શૈક્ષણિક ક્ષેત્રનો ટૂંક પરિચય મેળવીએ તો ૨૧ જુલાઈ ૧૯૧૧ માં સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે જન્મેલા ઉમાશંકર જોશીએ બામણામાં પ્રાથમિક અને ઇડરમાં માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ વર્ષ ૧૯૨૮ માં અમદાવાદની ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યુ હતુ. વર્ષ ૧૯૩૬ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને વર્ષ ૧૯૩૮ માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી પ્રથમ વર્ગામાં એમ.એ. ઉત્તીર્ણ થયા હતા.

*ઉમાશંકર જોશીની પ્રખ્યાત પંક્તિમાંની એક ઝલક*

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે,
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

*-ઉમાશંકર જોશી*

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to