રાજપીપલાના ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે શ્રી અન્ન (મિલ્ટ્સ) વાનગી સ્પર્ધા અને મિલેટ્સ મેળાની ઉજવણી કરાઈ

Share to*ભારત દેશે હંમેશા વિશ્વને એક આદર્શ જીવન જીવવાનો સંદેશો પાઠવ્યો છે જેનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે લોકોને પરંપરાગત આહાર ‘શ્રી અન્ન’ તરફ પ્રોત્સાહિત કરવાની હાંકલ :- જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા*

*પ્રાકૃતિક ખેતી અને પરંપરાગત ખેત પેદાશોને પ્રોત્સાહિત કરતુ જિલ્લા ખેતીવાડી વિભાગ અને દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સ્ટોલ્સ*

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સહિત નર્મદા જિલ્લો લોકોને પ્રાકૃતિક ખેતી, ભારતની પરંપરાગત ખેત પેદાશો શ્રી અન્ન (મિલેટ્સ)ની ખેતીને અને રોજીંદા આહાર તરીકે પોષણયુક્ત ધાન્ય મિલેટ્સના ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવાની સરાહનીય કામગીરી કરી રહ્યું છે.

નર્મદા જિલ્લાના ડો. બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપલા ખાતે આજે આઈ.સી.ડી.એસ. અને જિલ્લા ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શ્રી અન્ન (મિલ્ટ્સ) વાનગી સ્પર્ધા અને મિલેટ્સ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, ભારત દેશે હંમેશા વિશ્વને એક આદર્શ જીવન જીવવાનો સંદેશો પાઠવ્યો છે. આપણે સૌએ આવનારી પેઢીને તંદુરસ્ત બનાવવા જુવાર, બાજરી, નાગલી જેવા પોષણયુક્ત ધાન્યનો આહાર તરીકે ઉપયોગ કરવો જોઈએ. વધુમાં શ્રીમતી વસાવાએ આઈ.સી.ડી.એસ. અને આંગણવાડીની બહેનોની કામગીરીને બિરદાવીને જિલ્લામાં કુપોષણના પ્રશ્નને હલ કરીને વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવાના આ સહિયારા પ્રયાસો સાથે લોકોને જાગૃત કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પણ પ્રસંન્નતાના ભાવ સાથે જણાવ્યું કે, દેશના ભવિષ્યને સુરક્ષિત રાખવાનું કામ મારી આંગણવાડીની બહેનો કરી કરી છે. બાળકોના શારીરિક શૌષ્ઠવ માટે પરંપરાગત મિલેટ્સમાંથી તૈયાર કરેલી વસ્તુઓ બાળકો અને માતા તથા પોતાના પરિવારને ખવડાવી તંદુરસ્ત જીવન જીવવા અપીલ કરી હતી. ધારાસભ્યશ્રી ડો. દેશમુખે સભાખંડમાં ઉપસ્થિત સૌને મિલેટ્સનો પોતે ઉપયોગ કરી લોકોને જાગૃત કરવા અંગે સંકલ્પબદ્ધ કર્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે આઈ.સી.ડી.એસ. વિભાગના પોષણક્ષમ વાનગીઓના સ્ટોલ-પ્રદર્શનએ મુખ્ય મહેમાનો સહિત ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું, વિવિધ સ્ટોલ્સએ સૌનું ખેંચ્યુ હતુ. જ્યાં મહેમાનોએ સ્ટોલમાં તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ અને પોષણક્ષમ વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. ઉપરાંત દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેતીવાડી વિભાગ દ્વારા પણ પ્રાકૃતિક કૃષિ તથા પરંપરાગત ખેતપેદાશોને પ્રોત્સાહિત કરવા તથા મિલેટ્સ ધાન્યને પ્રદર્શનીના માધ્યમથી નિદર્શન ગોઠવી સૌને જાગૃત કર્યા હતા. અદાણી ફાઉન્ડેશન દ્વારા પણ પરંપરાગત મિલેટ્સમાંથી તૈયાર કરેલ વાનગીનો સ્ટોલ ઉભો કરાયો હતો.

કાર્યક્રમ દરમિયાન મંચ પર આંગણવાડી બહેનોની સરાહનીય કામગીરીને બિરદાવવા સહિત મિલેટ્સમાંથી તૈયાર કરાયેલી અવનવી વાનગીઓ તૈયાર કરનાર વિજેતા બહેનોને પોષણયુક્ત અનાજની કીટ, પ્રશસ્તિ પત્ર અને શાલ ઓઢાડી આદર સત્કાર સાથે સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત પ્રાકૃતિક ખેતી તથા મિલેટ્સમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લાભાર્થી ખેડૂત મિત્રોને ક્ષેત્રિય નિદર્શન મિલેટ્સ કીટમાં જુવાર બિયારણની કીટ તથા બહેનો પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં પ્રારંભે ભૂલકાઓએ બાલ ગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ. વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા મહેમાનોએ ભૂલકાઓને કંપાસ બોક્સ બક્ષિસ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. અત્રે ઉલ્લખનીય છે કે, પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ એકબીજાના પૂરક છે. જો ખોરાક ખામીયુક્ત હશે તો દવાની અસર થશે નહીં. અને પોષણયુક્ત હશે તો દવાની ઓછી જરૂર પડશે. આવા કાર્યક્રમોમાં ખેડૂત મિત્રોને પણ આમંત્રિત કરવાથી તેમનામાં મિલેટ્સ ધાન્યના ઉત્પાદન અંગે જાગૃતતા વધશે જેનાથી તંદુરસ્ત ભાવિપેઢીના નિર્માણમાં સફળતા મળશે.

કાર્યક્રમના પ્રારંભે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા જિલ્લાના પદાધિકારીશ્રીઓ સહિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષા શ્રીમતી મમતાબેન તડવી, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના ચેરમેન શ્રીમતી શ્રદ્ધાબેન બારીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, અદાણી ફાઉન્ડેશનના સુપોષણના પ્રોજેક્ટ મેનેજરશ્રી વિવેક યાદવ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદ પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી જે.આર.દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.કે.શિનોરા, દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી ડો. વર્મા અને વૈજ્ઞાનિક ડો. મિનાક્ષીબેન સહિત આઈ.સી.ડી.એસ.ના તાલુકાકક્ષાના અધિકારીશ્રીઓ, કાર્યકર બહેનો, ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to