September 6, 2024

પ્રધાનમંત્રીશ્રીએ ભાવપૂર્વક કરી નર્મદા માતાની વંદના…*નર્મદા ઘાટ પર સંધ્યા આરતીમાં જોડાયા…*આરતી પ્રસ્તુત કરનારા સ્થાનિક કલાકારોને હૃદયથી બિરદાવ્યા…

Share to


**
રાજપીપલા,રવિવાર :-સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડિયા સ્થિત એકતા નગર ખાતે યોજાનાર એકતા પરેડના કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નર્મદા ઘાટ પર ઉપસ્થિત રહી નર્મદા મૈયાની આરતી ઉતારી હતી.

પ્રધાનમંત્રીશ્રી શુલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા નર્મદા ઘાટની સંધ્યા આરતીમાં જોડાયા હતા અને ભાવપૂર્વક જીવનદાયીની નર્મદા માતાની ભાવવંદના કરી હતી.

તેમણે સંધ્યા આરતી પ્રસ્તુત કરનારા સ્થાનિક કલાકારોની કલા કુશળતા ને હૃદયપૂર્વક બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કોઈ તાલીમ વગર આટલી ઉચ્ચ કલા કુશળતા સિદ્ધ કરવા માટે અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે અમર કંટક થી સરદાર સરોવર સુધીનો માં નર્મદાની યાત્રાના ગૌરવ પડાવો રજૂ કરતો એકવા લાઇટ એન્ડ શો તેમણે નિહાળ્યો હતો. નર્મદા જળ પર ચિત્રાંકિત થતા આ શો માં નર્મદાની યશગાથા પ્રસ્તુત કરે છે.

આ સ્થળે આવી પહોંચેલા વડાપ્રધાનનું રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને નર્મદા નિગમના વહીવટી સંચાલક શ્રી જે.પી.ગુપ્તાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત દેશને એક તાંતણે જોડનાર લોખંડી પુરૂષ ભારતરત્ન સરદાર વલ્લ્ભભાઇ પટેલને શ્રધ્ધાંજલિ આપવા તેમજ આવનારી પેઢી તેમનાં કાર્યો થકી સતત પ્રેરણા મેળવે તે ઉદ્દેશ્યથી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકતા નગર ખાતે સ્થાપીત કરવામાં આવી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓને ધાર્મિક પ્રવાસનનો પણ લાભ મળે તે ઉદ્દેશથી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ નર્મદા ઘાટ ખાતે પૂરા વિધિ-વિધાન અને ધાર્મિક પ્રક્રિયાઓને અનુસરીને ૭ પૂજારીશ્રીઓ દ્વારા આરતી કરવામાં આવે છે.

નોંધનીય છે કે, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક ગોરા ખાતે આવેલ શૂલપાણેશ્વર નર્મદા ઘાટની લંબાઇ ૧૩૧ મીટર અને પહોળાઇ ૪૭ મીટર છે. આ નર્મદા ઘાટ ખાતે ૯.૫ મીટર પહોળા મંચનું નિર્માણ કરવામાં આવેલ છે. આ ઘાટ ખાતે કુલ ૫ મંચ બનાવવામાં આવેલ છે, મંચોની વચ્ચે ૪ પગથિયાનું નિર્માણ કરવામાં આવેલ છે જેની પહોળાઈ ૨૬ મીટર રાખવામાં આવેલ છે. આ નર્મદા ઘાટ ખાતે નદીનાં પાણીનાં સ્તર આધારે મહત્તમ ૬,૦૦૦ શ્રધ્ધાળુઓ એકસાથે બેસીને આરતીનો લાભ લઇ શકે છે.

પ્રધાનમંત્રીશ્રીએ નર્મદા ડેમ ટોપની મુલાકાત લીધી હતી અને શિલાલેખ નિહાળ્યો હતો.

સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત અધ્યક્ષ પર્યુશાબેન, પૂર્વ મંત્રીઓ સર્વશ્રી શબ્દશરણ તડવી, મોતીલાલ વસાવા, અગ્રણીઓ, વડાપ્રધાનના અગ્ર સચિવ શ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to