સુરત શહેરમાં ટેરેસ ગાર્ડનનો વધતો જતો ક્રેઝ
——-
સુરત શહેરમાં ૧૨૦૦થી વધુ લોકો ટેરેસ ગાર્ડન ખેતીથી
શુદ્ધ અને સાત્વિક શાકભાજી મેળવી રહ્યા છે
——-
ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃત્તિ સાથે પ્રેમ કરતાં શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો છેઃ
અનુપમાબહેન દેસાઈ
——–
સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમયાંતરે ટેરેસ ગાર્ડનની તાલીમ આપે છેઃ
—— (અહેવાલઃ- મહેન્દ્ર વેકરીયા)
સુરતઃગુરૂવાર: કોરોના કાળને લીધે લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. જીવનશૈલીમાં બદલાવની સાથે પર્યાવરણની દ્રષ્ટિએ લોકો જાગૃત થઈ રહ્યા છે. ત્યારે સુરતવાસીઓ હવે પોતાના ટેરેસ પર વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડીને આરોગ્યપ્રદ આહાર પણ મેળવી રહ્યા છે.
ઘરની અંદર હર્યોભર્યો ગાર્ડન પરિવારને તંદુરસ્તીની સાથે ઓર્ગેનિક આહાર પ્રદાન કરે છે. બજારમાં મળતા શાકભાજી મોટેભાગે રસાયણયુકત ખાતરોથી અને જંતુનાશક દવાઓના વપરાશથી ઉત્પાદિત કરવામાં આવે છે. ઘરઆંગણે ઉગાડવામાં આવેલા શાકભાજીનો સ્વાદ કંઈક અલગ પ્રકારનો હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ટેરેસ પર શાકભાજીની ખેતી કરતા ભટાર વિસ્તારના અનુપમાબહેન કહે છે કે, કિચન ગાર્ડન એટલે એક એવો બગીચો જે અન્ય બગીચા કરતાં ખૂબ અલગ હોય છે. તમે ઘરની અગાસી પર ઉગાડેલા શાકભાજીને ઘરના કિચનમાં ઉપયોગમાં લઈ શકો છો. મારા ઘરની આગાસી પર કારેલા, કંટોલા, મેથીની ભાજી, ફૂદીનો, તુલસી, સક્કરટેટી, સીતાફળ, શેતુર, ટામેટા, લાલ ભીંડા, શક્કરીયા, નાગરવેલ જેવા છોડ ઉછેરીને ત્રણ ટાઇમનું શાકભાજી મેળવી આરોગ્યપ્રદ ભોજન બાબતે મેં મારા પરિવારને આત્મનિર્ભર બનાવ્યું છે.
તેઓ કહે છે કે, નવસારી કૃષિ યુનિ.ના સુરતના પનાસ ખાતે કાર્યરત કે.વી.કે. દ્વારા બહેનોને કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ લીધા બાદ મને ખ્યાલ આવ્યો કે, કઈ સિઝનમાં કયા છોડને કેવી રીતે ઉગાડી શકાય. દવાથી લઈને ઉછેર સુધીની તમામ માહિતી આ તાલીમ દ્વારા મળી છે. તાલીમ પહેલા હું મારા ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ તથા ગુલાબ, મોગરો જેવા છોડથી ગાર્ડનિંગ કરતી હતી. તાલીમ બાદ ઘરની અગાસી પર અનેક પ્રકારના શાકભાજી, ફળાઉ વૃક્ષોનું વાવેતર કરતી થઈ છું. તેઓ કહે છે કે, મારા માટે ટેરેસ ગાર્ડનિંગ કુદરત સાથે તાદાત્મ્ય સાધવાનું માધ્યમ બન્યું છે. પ્રકૃત્તિ સાથે ઓતપ્રોત થઈ જવાની મને ખુબ ખુશી છે. બાળકો પ્રકૃત્તિના વિવિધ તત્વોથી પરિચિત થાય છે. આજના બાળકો મોબાઈલની કાલ્પનિક દુનિયામાં ખોવાયા છે. હાલ શહેરી બાળકો શાકભાજી કે ફૂલછોડને ઓળખી શકતાં નથી. તેઓ તુલસી, હળદર, મીઠા અને કડવા લીમડાની ઉપયોગિતા શું છે એ વિષે પણ માહિતગાર હોતા નથી. ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃત્તિ સાથે પ્રેમ કરતાં શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. આવનારી પેઢીને સ્વચ્છ અને શુદ્ધ હવા, પાણી અને ખોરાક આપવાની આપણી જવાબદારી છે. ટેરેસ ગાર્ડનનો એક મોટો ફાયદો એ છે કે તમને કીટાણુંમુક્ત, પ્રદૂષણમુક્ત સ્વાસ્થ્યવર્ધક શાકભાજી ઘરઆંગણે મળી રહે છે એમ તેઓ ઉમેરે છે.
અનુપમાબહેન કહે છે કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન અમે અગાસી પર ઉછેરેલા તુલસી, ગળો, બેઝિલ, હળદર અને નાગરવેલના પાનમાંથી બનાવેલો ઉકાળો નિયમિત રીતે પીતા હતાં. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધી હોવાનો અહેસાસ થાય છે. આ ઉકાળો નિર્દોષ અને સ્વાસ્થ્યવર્ધક છે, જે કોઈ પણ ઋતુમાં પી શકાય છે.
આધુનિક યુગમાં ખેતીવાડીમાં ઉછેરવામાં આવતાં શાકભાજી રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગના કારણે પ્રદુષિત હોય છે, બજારમાં મળતા આ પ્રકારના શાકભાજી હવે આપણા આરોગ્યને હાનિકર્તા બને છે, એટલે જ ઘરમાં કિચન ગાર્ડનિંગનો પ્રોજેકટ ખૂબ ઓછા ખર્ચમાં થતો હોવાથી મેં કિચન ગાર્ડનિંગને શોખરૂપે અપનાવ્યો છે એમ હોવાનું તેમણે કહ્યું હતું.
સુરત કૃષિ વિજ્ઞાના કેન્દ્રના વડા અને વરિષ્ઠશ્રી જનક રાઠોડે જણાવ્યું હતું કે, અમારા કેન્દ્ર દ્વારા સમયાંતરે ટેરેસ ગાર્ડનની તાલીમ રાખવામાં આવે છે. હાલ સુરત શહેરમાં ૧૨૦૦થી વધુ લોકો ટેરેસ ગાર્ડનની ખેતી કરીને શુદ્ધ અને સાત્વિક શાકભાજી મેળવી રહ્યા છે.
-૦૦૦-
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો