(ડી.એન.એસ)નડિયાદ,તા.૦૯
ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત આવેલ જિલ્લા જેલ ખાતે એક કેદીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હત્યાના ગુનામાં કોર્ટ કસ્ટડીની અંદર રહેલો કેદી છેલ્લા કેટલાય સમયથી માનસિક રોગથી પીડાઈ રહ્યો હતો જે માટેની સારવાર પણ ચાલુ હતી અને જેના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે પણ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. બૃહદ ખેડા જિલ્લાની નડિયાદ ખાતે આવેલ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં કોર્ટ કસ્ટડીમાં કાચા કામનો કેદી સંજય ઉર્ફે કલ્પેશ વિઠ્ઠલભાઈ પરમારે આત્મહત્યા કરી લીધી છે. તેણે બેરેક નંબર ૯મા શૌચાલયની અંદર ચાદરનો છેડો ફાડીને વેન્ટિલેશન બારીએ છેડો લટકાવી ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે જેલ ઇન્ચાર્જ જેલ અધિક્ષકને વાત ધ્યાને આવતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બાદ ઘટનાની જાણ નડિઆદ પ્રાંત અધિકારીને તથા નડિયાદ ગ્રામ્ય પોલીસને કરાતા તેઓ પણ બિલોદરા જીલ્લા જેલ દોડી આવ્યા હતા. જે? બાદ પોસ્ટમોર્ટમ કરાવી નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. ઉપરોક્ત કેદી સંજય ઉર્ફે કલ્પેશ વિઠ્ઠલભાઈ પરમાર કપડવંજ રૂરલના કામે ગુ. રજી. નં. ૫૮/૨૦, આઈપીસી ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭, ૩૨૩,૫૦૪, ૫૦૬(૨)ના કામે સજા ભોગવતો હતો અને કેદી માનસિક રોગથી પીડાઈ રહ્યો હતો. જે માટેની સારવાર પણ ચાલુ હોવાનું જણાવ્યું છે. જે? રોગથી અસ્વસ્થ હોવાને કારણે તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
![](https://durdarshinews.com/wp-content/uploads/2022/02/IMG-20220219-WA0070.jpg)