November 21, 2024

નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરુ

Share to




(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૭
ગુજરાત ખેલ મહાકુંભ 2022નું અમદાવાદનું સમગ્ર આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ મામલે જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત અલગ-અલગ વિભાગના અધિકારીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. બે દિવસ પહેલા બંને ડેપ્યુટી કમિશનરોએ સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લઇ અને તેમાં કરવામાં આવતી તૈયારીઓ અને સમગ્ર આયોજન બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગત ગુરુવારે ગુજરાત ખેલ મહાકુંભને લઇ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી જેમાં આ સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખા ઘડી દેવામાં આવી હતી અને અલગ-અલગ અધિકારીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. 12મી માર્ચે અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવવાના છે.નવરંગપુરા સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં રંગરોગાન, લાઈટીંગ, રોડ બનાવવા, તૂટેલા પથ્થરોને બદલવા જેવી નાની મોટી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસ બાદ રાજય સરકારના અધિકારીઓ દ્વારા સ્ટેડિયમની મુલાકાત લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે. વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે આવવાના હોય કોઈપણ પ્રકારની ચૂક ના રહી જાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ખેલમહાકુંભના કાર્યક્રમને લઈને તમામ કોર્પોરેટરોને સંખ્યા ભેગી કરવા સૂચના આપવામાં આવી છે. દરેક વોર્ડમાંથી 500થી વધુ લોકોને લાવવા જણાવ્યું છે. દરેક વોર્ડમાં 10 બસોની ફાળવણી કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ શહેર ભાજપ સંગઠન દ્વારા તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને હોદ્દેદારો સાથે મીટીંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પબ્લિસિટી) સી.આર ખરસાણને સ્ટેડિયમના કાર્યક્રમ અંગે જવાબદારી સોપાઈ છે. બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઝોન અને વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સાથે તૈયારીઓ અંગે સમીક્ષા કરી સતત કામગીરી કરી રહ્યા છે.



Share to

You may have missed