November 29, 2024

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર – જાનદાર ઉજવણી

Share to

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર: તા.૩૧મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસઃ

● વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ●
– એકતા દિવસની ઉજવણી મીની ભારતની ઝલક છે, જે આખા દેશને નવી ઉર્જા આપવાનું કાર્ય કરે છેઃ
¤ આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જયંતિમાં પ્રવેશતા “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પને સિધ્ધ કરશે
¤ છેલ્લા એક દાયકામાં સુશાસનને મોડેલ બનાવીને એકતાની દોરને વધુ મજબૂત કરવામાં આવી છે અને ભેદભાવની સમસ્યા દૂર કરવામાં આવી છે
¤ મહત્વપૂર્ણ યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા તમામને આપવાથી અસંતોષ ઠારવામાં સફળતા મળી છે

¤ સરદાર સાહેબની સાર્ધ શતાબ્દિ જન્મ જયંતિની બે વર્ષ સુધી ઉજવણી કરવામાં આવશે
***
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રજાજનોને શપથ લેવડાવ્યા

***
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૧૦૬ મીટર લાંબા રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિ સાથે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો
***
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ યોજાયેલ પરેડમાં અર્ધ લશ્કરી દળો સાથે દશ રાજ્યોના પોલીસ વિભાગ જોડાયા

*

***
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું શૌર્યતાના પ્રતિક સમા રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિ સમક્ષ પ્રેરક ઉદબોધન
**
એકતાનગરઃ ૩૧ ઓક્ટોમ્બરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, છેલ્લા એક દાયકામાં સુશાસનને મોડેલ બનાવીને એકતાની દોરને વધુ મજબૂત કરવામાં આવી છે અને ભેદભાવની સમસ્યા દૂર કરવામાં આવી છે. “સબ કા સાથ, સબ કા વિકાસ” ના મંત્રને ધ્યેય બનાવીને સરકાર દ્વારા કોઇ પણ ભેદભાવ રાખ્યા વિના પાત્રતા ધરાવતા તમામ લોકોને એક સમાન યોજનાકીય લાભો આપવામાં આવ્યા છે.

એકતાનગર ખાતે સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાના સાંનિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીમાં સહભાગી થયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને નીતિઓ થકી દેશની એકતાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

વન નેશન-વન રાશન, વન નેશન-વન આઇડેન્ટી, વન નેશન-વન ટેક્સ, વન નેશન-વન પાવર ગ્રિડ, વન નેશન-વન હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપરાંત હવે સરકાર વન નેશન-વન સેક્યુલર સિવિલ કોડ અને વન નેશન-વન ઇલેકશનની દિશામાં કામ કરી રહી છે.

કાયદાની સમાનતા સાથે યોજનાકીય બાબતોમાં પણ કોઇ ભેદવાદ રાખવામાં આવતો નથી, એમ કહેતા તેમણે જણાવ્યું કે, હર ઘર જલ, કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના, આયુષ્યમાન યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા તમામને આપવાથી અસંતોષ ઠારવામાં સફળતા મળી છે. પ્રો-પિપલ એપ્રોચને પરિણામે સમાજના લાખો લોકોને યોજનાકીય લાભો મળ્યા છે.

સરકારની નીતિઓ અને નિર્ણય થકી દેશને કેવી રીતે એકતાના તાંતણે બાંધવામાં આવ્યો છે ? તેની રૂપરેખા આપતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, રેલ્વે, હાઇવે, ઇન્ટરનેટ જેવી પાયાની સુવિધાઓ ગામેગામ સુધી પહોંચાડવા માં આવી છે. આંદામાન અને લક્ષદ્વિપ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ સુવિધા પહોંચાડવામાં આવી છે. તેના કારણે લોકોમાં સંતોષ સાથે સરકાર ઉપરના વિશ્વાસમાં વૃદ્ધિ થઇ છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારપૂર્વ એમ કહ્યું કે, અમારા વ્યવહારમાં યથાર્થવાદ, સંકલ્પમાં સત્યવાદ, કાર્યમાં માનવતા વાદ અને ધ્યેયમાં રાષ્ટ્રવાદ છે. અમારી તમામ યોજનાઓમાં નીતિ, નિયત એકતા જ પ્રાણશક્તિ છે. સશક્ત, સમાવેશી, સંવેદનશીલ, સતર્ક, વિનમ્ર અને વિકસિત રાહ ઉપર દેશ આગળ વધી રહ્યો છે.

દુનિયામાં અસ્થિરતા અને યુદ્ધ વચ્ચે ભારતે સમગ્ર વિશ્વને બુદ્ધનો શાંતિનો સંદેશ આપ્યો છે, એમ જણાવતા શ્રી મોદીએ કહ્યું કે, આટલી વૈશ્વિક સમસ્યાઓ છતાં, ભારત વિકાસના નવા માનકો સ્થાપી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, આજે એવું કોઈ લક્ષ્ય નથી કે જે ભારત હાંસલ કરી ન શકે, એવો કોઈ સંકલ્પ નથી કે જે ભારતીયો સિદ્ધ ન કરી શકે. છેલ્લા નવ વર્ષમાં ભારત દેશે જોયું છે કે જો પ્રત્યેક વ્યક્તિ પ્રયત્નો કરે તો કશું જ અશક્ય નથી. સરદાર સાહેબની પ્રેરણાથી આપણે તમામ ઇચ્છિત લક્ષ્યો પાર પાડીશુ.

દેશવાસીઓને ચેતવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, દેશની અંદરના અને બહારના કેટલાક લોકો આપણી વચ્ચેની એકતા તોડી અરાજક્તા ફેલાવવાના હીન પ્રયાસો કરી રહ્યા છે. દેશના આર્થિક હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. દેશની સેનાને લક્ષ્ય બનાવી દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દેશની શાંતિને જાતપાતના નામ ઉપર ડહોળી વિભાજન કરી રહ્યા છે. આવા વિઘટનકારી તત્વો ભારતીય સમાજ કમજોર બને અને રાષ્ટ્રીય એકતા તૂટે એવી મુરાદ ધરાવે છે અને દેશ સામે કુપ્રચાર કરે છે. આવા તત્વોની વૃત્તિ – પ્રવૃત્તિથી સાવધ રહેવાની જરૂર છે.

વિકાસની મુખ્યધારામાંથી વંચિત રહેલા આદિવાસી સમાજને ભોળવી નકસલવાદને પોષવાનું કામ થતું હતું. આદિવાસી સમાજને યોજનાકીય લાભો આપી દેશ સાથે જોડવામાં આવતા જંગલ વિસ્તારનો નક્સલવાદ અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. ત્યારે હવે અર્બન નકસલીઓ સક્રીય થયા છે. તેઓ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

સંવિધાન અને લોકતંત્રની દુહાઇ દઇ પોતાનો સ્વાર્થ સાધતા તત્વો ઉપર આકરા પ્રહારો કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સરકારના તમામ કાર્યમાં રાષ્ટ્રભક્તિના દર્શન થાય છે. નીતિ અને નિર્ણયોને કારણે દેશની એકતા વધુ મજબૂત બનાવવામાં આવી છે. પૂર્વોત્તર રાજ્યોની સમસ્યાઓ શોધી તેનું સમાધાન લાવવામાં આવ્યું છે. જેના પરિણામે આ રાજ્યો પણ વિકાસની મુખ્ય ધારામાં સામેલ થયા છે.

એ જ રીતે દેશની આગવી ઓળખ સમાન ભાષાની વિવિધતાને પણ પ્રોત્સાહન આપી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. મરાઠી, બાંગ્લા, અસમિયા, પાલી અને પ્રાકૃત ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જાનું ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું છે.

સરદાર પટેલના વિચારો અમને પ્રેરણારૂપ છે. ભેદભાવ દૂર કરીને દેશની એકતાને મજબૂત કરવામાં તેઓનું માર્ગદર્શન કામ આવે છે. આઝાદીના સાત દશક પછી આખા દેશમાં “વન નેશન, વન કોન્સ્ટીટ્યુશન” નો સંકલ્પ પણ પૂર્ણ થયો છે. દેશના બંધારણના મૂળ સિદ્ધાંતોને બાબાસાહેબ આંબેડકરે સ્થાપિત કર્યા હતા, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 દેશ માટે એક દિવાર બની ગયું હતું. આ ધારાને હંમેશા માટે સમાપ્ત કરીને કાશ્મીરને ભારતના બંધારણના સંકલન સાથે જોડવામાં આવ્યું છે.

એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિકસાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ થકી એક ભારત, શ્રેષ્ઠ ભારતના દર્શન કરાવવા આવે છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની આ ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી શાનદાર રીતે કરવામાં આવશે. આગામી બે વર્ષ સુધી સરદાર સાહેબની સાર્ધ શતાબ્દિની ઉજવણી કરી સંકલ્પો સિદ્ધ કરી સરદાર સાહેબને સાચી કાર્યાજંલિ અર્પિત કરવામાં આવશે.

એકતા દિવસની ઉજવણીમાં એક નાના ભારતનું દર્શન થાય છે. સમગ્ર દેશમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. આ વખતે એકતા દિન અને દીપાવલીનો સંયોગ થયો છે. વળી, હવે સમગ્ર વિશ્વમાં આ પર્વને ઉમંગ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે એમ શ્રી મોદીએ કહ્યું હતું.

આ પ્રસંગે શ્રી મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને પ્રેરણાનો સ્ત્રોત ગણાવી રાયગઢની કિલ્લો વીરતાની સાથે સામાજિક ન્યાય, દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રથમનું પ્રતીક છે, એમ પણ કહ્યું હતું.

સરદાર પટેલ જયંતી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રજાજનોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ પણ લેવડાવી હતી.

સરદાર સાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની અભૂતપૂર્વ પરેડ નિહાળી હતી.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ડીજીપી શ્રી વિકાસ સહાય સહિત સાંસદો, ધારાસભ્યો, કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed