November 20, 2024

રાજપીપલા નગરપાલીકા કચેરી ખાતે દાહોદના સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરનો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

Share to



“નોંધારા નો આધાર” પ્રોજેક્ટના લાભાર્થીઓ સહિત વિવિધ યોજનાના ૨૫ જેટલા લાભાર્થીઓને સાંસદશ્રીના હસ્તે યોજનાકીય પ્રમાણપત્રો એનાયત કરાયા


રાજપીપલા, શનિવાર :- કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત આજ રોજ તા.૦૪ થી જૂન,૨૦૨૨ ને શનિવારના રોજ રાજપીપલા નગરપાલીકા કચેરી ખાતે દાહોદના સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ તબક્કે રાજપીપલા નગરપાલીકા પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, ઉપપ્રમુખશ્રી હેમંતભાઇ માછી, શ્રીમતી સપનાબેન વસાવા સહિત નગરપાલીકાના અન્ય સદસ્યશ્રીઓ, નર્મદા જિલ્લાના અગ્રણીશ્રી નિલભાઇ રાવ, રાજપીપલાના નગરપાલીકાના ચીફ ઓફિસરશ્રી રાહુલભાઇ ઢોડીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

આજે શનિવારે બપોરે રાજપીપલા નગરપાલીકા કચેરી ખાતે યોજાયેલા ઉક્ત સંવાદ કાર્યક્રમમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે નર્મદા જિલ્લાના “નોંધારા નો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) સહિત વિવિધ યોજનાના કુલ-૨૫ જેટલા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. સરકારશ્રી દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓને પૂરી પાડવામાં આવતી યોજનાઓ અંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે ચર્ચા કરી હતી અને તેનો લાભ કઇ રીતે યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડી શકાય તેની પણ વિસ્તૃત છણાવટ કરી હતી. ત્યારબાદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે તમામ લાભાર્થીઓને યોજનાકીય લાભોના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તબક્કે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભ થકી તેમના જીવનમાં આવેલા બદલાવ અને પરિવારને થયેલા ફાયદા અંગે સાંસદશ્રી સમક્ષ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share to

You may have missed