November 21, 2024

ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇને શાંતિ સમિતિની બેઠક મળી…..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

આગામી ૧૯ મી તારીખે યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીને અનુલક્ષીને ઝઘડીયા તાલુકા સહિત સમગ્ર ભરુચ જિલ્લામાં ચુંટણીનો માહોલ છવાયો છે. લોકશાહીનું મહાપર્વ ગણાતી ચુંટણીમાં મતદારો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે ઝઘડીયા તાલુકામાં ચુંટણી પંચના માર્ગદર્શન હેઠળ ચુંટણીલક્ષી સ્ટાફ અને અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આજરોજ ભરુચ જિલ્લાના તાલુકા મથક ઝઘડીયા નગરમાં પોલીસ મથક ખાતે ચુંટણીને લઇને શાંતિ સમિતિની બેઠક મળી હતી. અત્રે આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા તેમજ ઝઘડીયા પોલીસ મથકની હદમાં આવતી ગ્રામ પંચાયતોના ઉમેદવારો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા પોલીસ મથકના વિસ્તારમાં આવેલ કુલ ૩૪ ગ્રામ પંચાયતો પૈકી ૩ પંચાયતો બિનહરિફ થઇ છે તેમજ ૨ પંચાયતોની મુદત હજી બાકી હોવાથી આગામી ૧૯ મી તારીખના રોજ ઝઘડીયા પોલીસના વિસ્તારની ૨૯ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે.

આ પંચાયતોની ચુંટણીને લઇને કુલ ૩૭ બિલ્ડીંગમાં ૫૪ મતદાન મથકો પર ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ મતદાન મથકો પૈકી ૧૦ અતિસંવેદનશીલ, ૧૯ સંવેદનશીલ તેમજ ૨૫ સામાન્ય મતદાન મથકો છે. પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત ઉમેદવારોને ચુંટણી તટસ્થ અને શાંતિમય માહોલ વચ્ચે યોજાય તેનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. ચુંટણી આડે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર કાર્ય આચારસંહિતાની મર્યાદામાં રહીને કરાય અને સમગ્ર ચુંટણી પ્રક્રિયા શાંતિમય અને ભાઇચારાના માહોલ વચ્ચે સંપન્ન થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવાયુ હતુ. અત્રે ઉપસ્થિત ઉમેદવારો અને અગ્રણીઓએ આ બાબતે સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી


Share to

You may have missed