-પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી
ગરૂડેશ્વર, કેવડીયા, નઘાતપોર અને ખડગદા ગામો માટે અંદાજે રૂા.૧.૮૮ કરોડ ખર્ચના ૫૫ જેટલા વિવિધ વિકાસ કામોના ખાતમૂહર્ત : ૭૭ જેટલા વિવિધ વિકાસ કામોના કરાયાં લોકાર્પણ
પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વરની પ્રાથમિક શાળા ખાતે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો કાર્યક્રમ યોજાયો : ગ્રામજનો તરફથી યાત્રાને આવકાર
રાજપીપલા,શુક્રવાર :- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ માટે તા.૧૮ મી નવેમ્બરથી તા.૨૦ મી નવેમ્બર સુધી યોજાયેલી રાજયવ્યાપી “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના ભાગરૂપે આજે બીજા દિવસે ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા ખાતે પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી રક્ષાબેન તડવી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી જશુબેન તડવી, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સચીનભાઇ શાહ, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એન.રાઠવા સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે તા.૧૮ મી નવેમ્બરથી તા. ૨૦ મી નવેમ્બર સુધી રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાઇ છે. આ અભિયાન થકી સરકારશ્રીની અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી લોકોને ઘર આંગણે જ મળી રહેશે. તેની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપીને આત્મનિર્ભર બને તે દિશાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, જેના થકી આપણો તાલુકો, જિલ્લો અને રાજ્યની સાથે દેશ પણ આત્મનિર્ભર બની રહેશે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા દ્વારા આજે ગરૂડેશ્વર તાલુકામાં પણ ૫૫ જેટલા કામોનું ખાતમૂહર્ત અને ૭૭ જેટલા કામોનું લોકાર્પણ કરવાની સાથે લોકોની જન સુખાકારીમાં પણ વધારો થયો હોવાનું શ્રી તડવીએ ઉમેર્યું હતુ. આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ પણ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજનાના ૧૭ લાભાર્થીઓને આવાસની ચાવી, ગરૂડેશ્વર તાલુકાના ૧૭ જેટલા વિવિધ સખી મંડળોને રૂ.૫.૭૦ લાખના RF ની સહાયના ચેક, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના ૮ લાભાર્થીઓને કલ્ટીવેટરના પૂર્વ મંજૂરી હુકમ, ૨ લાભાર્થીઓને ઘાસચારાની કિટ્સ, ૧૫ જેટલા બાગાયતકારોને છત્રી અને કિશાન પરિવહન યોજનાના ૧ લાભાર્થીને રૂા.૭૫ હજારની સહાયનો ચેક એનાયત કરાયો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી સહિત અન્ય પદાધિકારીશ્રીઓના હસ્તે ગરૂડેશ્વર તાલુકાના ગરૂડેશ્વર, કેવડીયા, નઘાતપોર અને ખડગદા ગામો માટે અંદાજે રૂા.૧.૮૮ કરોડ ખર્ચના ૫૫ જેટલા વિવિધ કામોના ખાતમૂહર્ત અને ૭૭ જેટલા વિવિધ કામોના લોકાર્પણ કરાયાં હતાં. કાર્યક્રમના પ્રારંભે પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી સહિતના અન્ય મહાનુભાવોએ “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના રથને આવકાર્યો હતો.
પ્રારંભમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સચિનભાઇ શાહે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એન.રાઠવાએ આભારદર્શન કર્યું હતું.
ગરૂડેશ્વર ખાતે ઉક્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ ગ્રામ યાત્રાને કેવડીયા જવા માટે પ્રસ્થાન કરાવાયું હતું. કેવડીયા, નઘાતપોર અને ખડગદા ગામોએ પણ આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાએ પરિભ્રમણ કર્યું હતું અને પ્રજા ઉત્કર્ષલક્ષી યોજનાઓની જાણકારી ગ્રામજનો સુધી પહોંચાડી યોજનાકીય લોકજાગૃતિ કેળવાઇ હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.