November 21, 2024

કિર્તીદાન ગઢવીના યુએસના ડાયરામાં ગુજરાતીઓએ ડોલરો ઉડાવ્યા

Share to

(ડી.એન.એસ.) રાજકોટ, તા.૧૬
નવરાત્રિ પહેલાં અમેરિકાના શિકાગોમાં પ્રિ-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓએ મન મૂકીને રાસ-ગરબા કર્યા હતા, જેમાં કીર્તિદાનના ગરબાની રમઝટમાં ડોલર ઊડ્યા હતા. ત્યારબાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શેર કર્યા હતા. અમેરિકાના શિકાગોમાં પ્રિ-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કીર્તિદાનનો પહેલો કાર્યક્રમ અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યારબાદ ડલ્લાસ, હ્યુસ્ટન, ન્યૂજર્સી વગેરે જગ્યાએ લોકડાયરો યોજાયો હતો.ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી ૧૬ સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો. જેમાં કીર્તિદાને ‘લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતા જ કીર્તિદાન ગઢવી પર અમેરિકામાં વસતી ગુજરાતી મહિલાઓએ પણ ડોલરની થપ્પી ઉડાડી હતી. અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોના ગીતો ગાતા ગુજરાતી મહિલાઓ સહિત સૌ કોઈ ઝુમી ઉઠ્‌યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કીર્તિદાન ગઢવી અમેરિકામાં લોકડાયરાની રમઝટ બોલાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. જેમાં ગુજરાતીઓએ મન મુકીને ડોલરનો વરસાદ કર્યો હતો. જેમાં સ્ટેજ પર ડોલરની નોટો પથરાઇ ગઇ હતી. સૌરાષ્ટ્રમાં સંતવાણી કે લોકડાયરો હોય ત્યારે લાખો રૂપિયાની ઘોર થાય છે. ત્યારે આ પરંપરા અમેરિકામાં વસતા ગુજરાતીઓએ જાળવી રાખી છે. અમેરિકામાં રૂપિયા નહીં પણ ડોલરની ઘોર કરવામાં આવી રહી છે.


Share to

You may have missed