September 4, 2024

પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઇમ મોનિટરીંગ

Share to

કુપોષણ મુકત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારનો મકકમ નિર્ધાર

¤બાળકોને પૂરતું પોષણ પૂરું પાડવા મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના (MMY) યોજના કાર્યરત: જેમાં રો-રાશન સાથે વધારાનું પ્રોટીન અપાય છે
¤ પૂર્ણા યોજના અંતર્ગત ૧૫-૧૮ વર્ષની વયની કિશોરીઓની આરોગ્ય તપાસ અને વ્યાવસાયિક તાલીમનું આયોજન
¤ પોષણલક્ષી તમામ કાર્યક્રમોની અસરકારકતા વધારી છેવાડાના વર્ગો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારનું સઘન આયોજન
¤ પોષણ સ્તરમાં સુધાર માટે નાગરીકોની ખાન-પાનની ટેવો સુધારે તે આજની તાતી જરૂરીયાત
****
ભરૂચ- બુધવાર – કુપોષણ એ સતત બદલાતી પરિસ્થિતિ છે ત્યારે નાગરિકોમાં જનજગૃતિ માટે રાજ્ય સરકારે મકકમ નિર્ધાર કરીને કુપોષણ મુકત ગુજરાતના નિર્માણનું લક્ષ્ય સેવ્યું છે. પોષણ સ્તરમાં સુધાર માટે નાગરીકોની ખાન-પાનની ટેવો સુધારે તે આજની તાતી જરૂરીયાત છે. દરેક વ્યક્તિએ પોતાના આરોગ્ય અને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં પ્રતિવર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે જેમાં વિવિધ પોષણલક્ષી કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યાં છે. તાજેતરમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ પોષણ માહ ૨૦૨૪નો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.
રાજ્યના મહિલા બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણને નાથવા માટે નોંધપાત્ર પ્રયાસો અને પહેલો હાથ ધરવામાં આવી છે. રાજય સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવા અને કુપોષણ ઘટાડવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથ ધરી છે. ભરૂચ મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામુદાયિક ભાગીદારીતા એમ બહુવિઘ આયામો દ્વારા કુપોષણ નિવારવા માટે સરકારશ્રી દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ૨૦૨૧ માં શરૂ કરાયેલ પોષણ ટ્રેકર એપ્લિકેશન આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે, જેનાથી વૃદ્ધિની દેખરેખ અને પૂરક પોષણ વિતરણનું નિરીક્ષણ કરવામાં આવે છે. પોષણ અભિયાન અંતર્ગત પોષણ સંબંધિત સૂચકાંકો પર ડેટા જનરેટ કરવા માટે કેન્દ્રીય પ્લેટફોર્મ પોષણ ટ્રેકરનો ઉપયોગ કરે છે. જેમાં ઓછું વજન, દૂબળાપણું અને ઠીંગણાપણું, પૂરક પોષણનું વિતરણ, ગૃહ મુલાકાતો અને સમુદાય આધારિત કાર્યક્રમોની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયમિતપણે સમીક્ષા કરવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાયેલી પહેલો
૧) મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભૂખમરાને નામશેષ કરવાની પહેલ
સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS) યોજના હેઠળ છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને રેફરલ સેવાઓ પૂરી પાડે છે. ૬ મહિનાથી ૩ વર્ષના બાળકોને ટેક-હોમ રાશન અને ૩-૬ વર્ષના ગરમ રાંધેલું ભોજન પૂરક પોષણ તરીકે આપવામાં આવે છે.

કુપોષણની સમસ્યાનો સામનો કરવા અને ભાવિ પેઢીઓને બચાવવા માટે બાળકોને પૂરતું પોષણ પૂરું પાડવા માટે રાજ્યએ મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના (MMY) જેવી વિવિધ પોષણલક્ષી યોજનાઓ કાર્યરત છે. જેનો ઉદ્દેશ્ય રો-રાશન સાથે વધારાનું પ્રોટીન આપવાનું છે. આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને ૨ વર્ષ સુધીના બાળકોની સ્તનપાન કરાવતી માતાઓને રો-રાશન કે જેમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર ફોર્ટિફાઇડ તેલ આપવામાં આવે છે. આ ઉપરાંત આદિવાસી તાલુકાઓમાં સગર્ભાઓને અને ૬ માસ સુઘીના બાળકોને સ્તનપાન કરાવતી માતાઓને ૧ વખતનું સંપૂર્ણ ભોજન આપવાના ઉદ્દેશ્ય સાથે પોષણ સુધા યોજના (PSY) અમલ કરવામાં આવી છે. દૂધ સંજીવની યોજના (DSY) અંતર્ગત ૬ મહિનાથી ૬ વર્ષ સુધીના બાળકોને ૧૦૦ મિલી ફોર્ટિફાઇડ દૂધ, અઠવાડિયામાં ૫ દિવસ અને સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને ૨૦૦ મિલી દૂધ આપવામાં આવે છે.
૨) પૂર્ણા યોજના
રાજ્યની ૧૫-૧૮ વર્ષની કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા અને વહેલા લગ્નને ઘટાડવાના આશયથી માટે પૂર્ણા-પ્રિવેન્શન ઓફ ન્યુટ્રીશન એન્ડ રીડક્શન ઓફ ન્યુટ્રીશનલ એનિમિયા યોજના કાર્યરત છે. જેમાં પૂરક પોષણ, આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ, આરોગ્ય તપાસ અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. સમુદાયની સહભાગિતા સુનિશ્ચિત કરવા આને પોષણ અંગે જાગૃતા લાવવા પોષણ માહ અને પોષણ પખાવડિયા થકી વિવિધ કાર્યક્રમો કરી જન આંદોલનને વેગ આપવામાં આવે છે.
૩) વિલેજ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન ડેઝ (VHNDs- મમતા દિવસ)
આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવા માટે નિયમિત VHND નું આયોજન કરવામાં આવે છે, જેમાં વૃદ્ધિની દેખરેખ, રસીકરણ અને નવજાત શિશુ અને બાળકોને ખોરાક આપવાની પદ્ધતિઓ પર કાઉન્સેલિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોષણ સેવાઓની અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા આંગણવાડી કાર્યકરો અને અન્ય ફ્રન્ટલાઈન કાર્યકરોની તાલીમ અને ક્ષમતા નિર્માણ કરવા માટે ક્ષમતા વર્ઘન યોજના ચલાવવમાં આવે છે.
અલ્પ-પોષણ માટે અનેક કારણો જવાબદાર છે એમાં જન્મ સમયની સ્થિતી, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજિક-આર્થિક સ્થિતી, રહેણી –કરણી ખાન-પાનની ટેવો, કોઇ ચેપ, કૃમિ, વ્યસન વગેરે જેવી અનેક પરિસ્થિતી અસર કરે છે. આમ અનેક કારણો કુપોષણ માટે જવાબદાર છે. આજે શું ખાવુ અને શુ નખાવુ તે માહિતીના અભાવે લોકો પોષણથી વંચિત રહી જાય છે. આ કારણોને ઘ્યાને લેતાં ફકત 1/3 પૂરક પોષણ દ્વારા કુપોષણને માત આપવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સાથે સામુદાયિક ભાગીદારીતા થકી કુપોષણ નિવારવા માટે સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કુપોષણના વિષચક્રને તોડવા માટે આપણને તમામ સ્તરે પ્રયત્નો કરવા પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે- સાથે તમામ નાગરિકોને પણ આ નેમમાં જોડાઈ આ વિષચક્રને જડમૂળથી ખત્મ કરવાનું છે. પોષણલક્ષી તમામ કાર્યક્રમોની અસરકારકતા વધારી છેવાડાના વર્ગો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્ય કટિબદ્ધ છે.


Share to

You may have missed