December 5, 2024

૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, નર્મદા જિલ્લો —— જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરિક્ષણ કર્યું

Share to

આપણો નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તરે – જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી

શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી : નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂપિયા ૨૫ લાખનો ચેક કલેક્ટરશ્રીના હસ્તે અર્પણ

વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા : એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું રાજપીપલા, ગુરૂવાર :- આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટની નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના હસ્તે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરિક્ષણ કર્યું હતું. રાજપીપલા ખાતે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના મેદાનમાં હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સંબોધતન કરતા જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી જિલ્લાની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે અને વિશ્વ ફલક પર જિલ્લાનું નામ રોશન થાય તેવું સૌ સાથે મળી પ્રયાસ કરીએ તેવી નેમ વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીએ જિલ્લાના નાગરિકોને જણાવ્યું કે, મા ભોમની રક્ષા કાજે દેશના અનેક ક્રાંતિકારી મહાનાયકો, વીર શહીદો, લડવૈયાઓ તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને નત મસ્તકે વંદન કરૂં છું. દેશની આઝાદીમાં શહીદી વહોરનારા વીરજવાનો, નામીઅનામી લડવૈયાઓ, મહાનાયકોએ આપેલા ત્યાગ અને બલિદાનને આજે આપણે સૌ નાગરિકો દિલથી યાદ કરીએ છે. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર સહિતના સ્વાતંત્ર્ય વીરો અને મહાપુરુષોએ દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે અથાગ સંઘર્ષ કર્યો હતો. તેના પરિણામે આજે આપણને આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે. આ તકે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને પણ હું શત્ શત્ નમન કરૂં છું. તેમણે આપેલા બંધારણને આપણે સૌ અનુસરીએ તેમ ઉમેર્યું હતું.

આપણા રાષ્ટ્રીય પર્વોની ઉજવણીને જન-જન સાથે જોડવાનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો. સાથે જ ગુજરાત સરકારે આ પર્વોને લોકોત્સવ તરીકે ઉજવવાની પહેલ કરી છે. જેમાં આજે આપણે સૌ સામેલ છીએ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાત શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, પ્રવાસન, રોજગાર, શાંતિ અને સલામતીના દરેક ક્ષેત્રે સિદ્ધિના શિખરે બિરાજે છે.

ભારતવાસીઓ માટે આવું એક મક્કમ કદમ એટલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” જેમાં ગુજરાત અગ્રેસર છે. ‘વિકસિત ગુજરાત’નો રાજ્ય સરકારનો સંકલ્પ છે. ‘’દેશની યુવા ઉર્જાને એક લક્ષ્ય તરફ દોરી જવી, તેમના વૈવિધ્યપૂર્ણ વિચારોને સ્ટાર્ટઅપના માધ્યમથી વિકસિત ભારતના નિર્માણની ધારા સાથે જોડવામાં આવે અને દેશની પ્રગતિમાં દરેક નાગરિક જોડાય અને સક્રિય ભાગીદારી નિભાવે તે ૨૦૪૭નું વિઝન અને મિશન છે.’

આપણી સરકાર બહેનો માટે કેટરિંગ, કેન્ટીન અને પ્રાકૃતિક ખેતી સાથે તેમને જોડવાના પ્રયાસો કરી રહી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી “નમો લક્ષ્મી” યોજના અમલમાં મૂકાઈ છે. આદિજાતિ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓના શિક્ષણની રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે વિકાસ અવિરત ચાલુ રહે તેવા ધ્યેય સાથે ગુજરાત સરકાર ‘સારું ભણો અને સારું જીવન જીવો’ના મંત્ર સાથે કાર્ય કરતી રહી છે. ચાલુ વર્ષના બજેટમાં આદિજાતિ વિધાર્થીઓ માટે ‘ગણવેશ સહાય’ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧૨૦ કરોડની જોગવાઈ કરવામા આવી છે.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ મોટા શહેરોમાં રહીને સંપૂર્ણ સુવિધા સહિતના કુલ ૨૦ સમરસ છાત્રાલયો રાજ્યમાં કાર્યરત છે. જેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી, રહેવા-જમવાની અદ્યતન સુવિધા તથા વોશિંગ મશીન, કોચીંગ ક્લાસ, કોમ્પ્યુટર રૂમ, લાઈબ્રેરી, ગેસ્ટ હાઉસ, કોમન રૂમ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોમાં નર્મદા જિલ્લાના ખેડૂતો પણ આ અભિયાનમાં સહયોગ કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે જિલ્લામાં અંદાજિત ૨૩ હજાર એકર વિસ્તારમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે.

ગુજરાતને વધુ હરીયાળું બનાવવાના લક્ષ્ય સાથે ‘એક પેડ માં કે નામ’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત વન વિભાગ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગિતા આવશ્યક છે.

આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ગુજરાતમાં અમલી વનબંધુ કલ્યાણ યોજના–૧ અને ૨ થકી આદિજાતિના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. તેના થકી ગુણાત્મક અને ટકાઉ રોજગાર, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આદિજાતિઓનો આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, સલામતી, પીવાનું પાણી, સિંચાઈ, યુનિવર્સલ ઇલેક્ટ્રિફિકેશન, ઓલ વેધર રોડ કનેક્ટિવિટી, શહેરી વિકાસ અને શિક્ષણ જેવી પાયાની જરૂરીયાત ઉપલબ્ધ કરાવીને તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે.

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે એક રાષ્ટ્ર બનાવ્યું તો બીજા પનોતા પુત્ર અને દેશના ત્રીજી વારના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણા દેશને “એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી નર્મદા જિલ્લાને પ્રવાસન થકી વિશ્વ ફલક સુધી લઈ જનારી ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની ભેટ મળી છે. અહીં પ્રવાસનને વેગ મળતા સ્થાનિક આદિવાસી યુવક-યુવતીઓ ઘર આંગણે રોજગારી મેળવી પગભર થયા છે.

એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ સરદાર સરોવર નર્મદા બંધ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક, આરોગ્ય વન, જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર, રિવર રાફ્ટિંગ, બોટિંગ, નર્મદા ઘાટ ખાતે આરતી, એકતા મોલ, મહિલા સંચાલિત પિંક ઈ-રિક્ષાની સવારી સહિત પ્રાકૃતિક સૌંદર્યથી આચ્છાદિત વન સંપદાનો નજારો પ્રવાસીઓને માણવાનો અનેરો લ્હાવો મળે છે.

સમાજના વિકાસ માટે શિક્ષણનો પાયો મજબૂત અને આરોગ્યની સુવિધાઓ સુદ્રઢ બને તે અતિઆવશ્યક છે. ત્યારે નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ જિલ્લા અંતર્ગત શિક્ષણ માટે પણ નાણાકીય જોગવાઈ કરી શાળાઓમાં ઈ-લર્નિંગ સ્માર્ટ ક્લાસ અને ઓરડા રીપેરીંગના કામો કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ, જરુરિયાતની માત્રામાં વિજળી, પીવાનું અને પિયત માટેનું પાણી, સ્વરોજગારીની યોજનાઓના લાભો, કૃષિવૈવિધ્યકરણની યોજનાઓ, રોડ-રસ્તાઓ વિગેરેની સુવિધાઓ સરળતાથી લોકોને ઉપલબ્ધ બની છે.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ, લઘુમતિ જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઉત્કર્ષ માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. નર્મદા જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન સમાજ કલ્યાણ વિભાગને રૂપિયા ૨૩૯ લાખની જોગવાઈ કરાતા રૂપિયા ૨૩૮ લાખનો ખર્ચ કરી ૯૯.૯૮ ટકા જેટલી સિધ્ધિ હાંસલ કરી છે.

આપ સૌને જણાવતા હું અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અત્રેના નર્મદા જિલ્લામાં ૨૦૨૪ ના વર્ષમાં અંદાજિત રૂપિયા ૨૨ કરોડના નાણાકીય ખર્ચ થકી ૩૮૭૩૨૪ લાભાર્થીને આવરી લેવામાં આવ્યા છે, જે પૈકી ૮૬૨૦ લાભાર્થીઓની સહાય હોસ્પિટલોને ચૂકવવામાં આવી છે.

જનની સુરક્ષા યોજના અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારો મળીને કુલ રૂપિયા ૪૧ લાખથી વધુના ખર્ચે ૮૨૬૪ થી વધુ બીપીએલ, એસસી, એસટી સગર્ભા બહેનોને પ્રસૂતી પહેલાં પૌષ્ટિક આહાર મળી રહે તે માટે રૂપિયા ૭૦૦ની સહાય ચૂકવવામાં આવે છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ૫૪૦ લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લામાં શિક્ષણ, પોષણ અને આરોગ્યની સુવિધાની સાથે અહીંના બાળકો રમતક્ષેત્રે પણ પોતાનામાં છુપાયેલીની પ્રતિભાને ઉજાગર કરે તે માટે સરકારશ્રી દ્વારા જિલ્લા રમત સંકુલ ખાતે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક અને ડોરમેટરી બિલ્ડિંગ ઉપલબ્ધ કરાવી છે. આ સગવડનો સદઉપયોગ કરીને બાળકો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.

આદિજાતિના વિદ્યાર્થીઓને ડૉકટર અને ઈજનેર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. આદિજાતિ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી- જી.એસ.ટી.ઈ.એસ હસ્તક ૨૬ ઈ.એમ.આર.એસ, ૯ જી.એલ.આર.એસ તેમજ ૯ મોડેલ એમ કુલ ૪૪ શાળાઓ કાર્યરત છે. ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા કુલ ૧૦૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ૧૦૫ શાળાઓ પૈકી ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ, ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ૧૨ મોડેલ શાળાઓ તથા ૦૨ સૈનિક શાળાઓ કાર્યરત છે. આ શાળાઓ ૧૫ આદિજાતિ જિલ્લાઓમાં ચાલે છે જેમાં નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થાય છે.

ભારત સરકારશ્રીની સો ટકા કેન્દ્ર પુરકૃત યોજના હેઠળ વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર -વાવડી ખાતે બનાવાયું છે. જ્યાં દર વર્ષે ૧૦૦ આદિજાતિનાં ઉમેદવાર ભાઈ-બહેનોને એક વર્ષ માટે કોમ્પ્યુટર તાલીમ, ઈલેકટ્રીશ્યન, ઓટોરીપેરીંગ, ટી.વી. એન્ડ મોબાઈલ રીપેરીંગ અને બહેનો માટે સિવણ તાલીમ ટ્રેડ જેવી તાલીમો આપવામાં આવે છે.

નર્મદા જીલ્લાનાં રાજપીપલા ખાતે રાષ્ટ્રીય કક્ષાની એકમાત્ર “બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સીટી” અંદાજીત રૂપિયા ૪૩૧ કરોડનાં ખર્ચે નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે. આદિજાતિ સમુદાય માટે ગર્વ લેવા તેમજ પ્રેરિત થવા જેવી બાબત કે નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું “ટ્રાયબલ મ્યુઝિયમ” અંદાજીત રૂ. ૧૩૭ કરોડનાં ખર્ચે બનાવવાનું કાર્ય હાલમાં પ્રગતિ હેઠળ છે.
નર્મદા જીલ્લાની ટ્રાયબલ સબ પ્લાન, પ્રાયોજના વહીવટદારની કચેરીને વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારશ્રી તરફથી ટી.એ.એસ.પી.ના વિવિધ પ્રોજેકટસ માટે અંદાજીત રૂપિયા ૫૬ કરોડની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં આદિવાસી ખેડુત સશકિતકરણની યોજનાઓ અંતર્ગત આદિજાતિને સરકારશ્રી દ્વારા જમીનમાં કન્ટુર બન્ડીંગ, ટેરેસ ફાર્મીંગ, જમીન પાણીના સ્ત્રોત અંતર્ગત સામુહિક ટ્યુબવેલ, ડ્રીપ ઈરીગેશન જેવા કામો માટે રૂપિયા ૩૯૦ લાખના ખર્ચે અંદાજીત ૨૧૦ લાભાર્થીઓને આવરી લેવાયા છે. તેવી જ રીતે વન અધિકાર (માન્યતા) ધારો-૨૦૦૬ અને અધિનિયમ-૨૦૦૮ હેઠળ આશરે હે. ૧૭૦૧૫-૮૧-૩૦ આરે. ચો.મી. જમીનના ક્ષેત્રફળ સાથે કુલ ૧૨૪૨૩ લાભાર્થીઓને જંગલ જમીનના આદેશ પત્રોનું અપાયા છે.

PM-JANMAN અંતર્ગત જિલ્લાના ગ્રામિણ વિસ્તારમાં કાચા આવાસ ધરાવતા ૯૪૩ કુટુંબોને ३પિયા ૧૮૮ કરોડના ખર્ચે પાકા આવાસનો લાભ આપવાનું આયોજન છે. જે પૈકી કુલ-૧૯ આવાસો પૂર્ણ થયા છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત જિલ્લામાં ૧૧૦૫૬૧ જોબકાર્ડ ઇસ્યુ કરી ગ્રામિણ વિસ્તારોમાં ૨,૩૭૭ કામો હાથ ધરાયા છે. જેમાં રૂપિયા ૪૭૨૯ લાખના ખર્ચે કુલ ૧૪ લાખ ઉપરાંતના માનવ દિન ઉત્પન્ન કરવામાં આવ્યા છે. જેના થકી ૫૬૮૯૮ કુટુંબોને રોજગારી પુરી પાડવામાં આવી છે.
ગુજરાતના ખૂણે ખૂણાને સુરક્ષિત રાખવા માટે ટેકનોલોજી આધારિત ‘વિશ્વાસ’, ‘સાયબર આશ્વસ્ત’ પ્રોજેકટનો નવતર અભિગમે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના સિઝ કરાયેલા રૂપિયા ૨૯ લાખ પૈકી રૂપિયા ૨૦ લાખી રકમ નાગરિકોને પરત અપાવ્યા છે.
આ ઉજવણી પ્રસંગે નાંદોદ તાલુકાની છ શાળાના બાળકોએ દેશભક્તિને અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમે આવનારને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તેમજ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. પોલીસ વિભાગની ટીમ દ્વારા વોલી ફાયરિંગ હર્ષ ધ્વનિ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું.

નાંદોદ તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે રૂપિયા ૨૫ લાખનો ચેક મામલતદારશ્રીને અર્પણ કરાયો હતો. કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના આઈકોનિક સ્થળ અને તાલુકા કક્ષાએ, સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળા-કોલેજોમાં પણ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લાકક્ષાની આ ઉજવણી પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, રાજપીપલા રાજવી પરિવારના શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ તથા પરિવારના સભ્યો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર, નાયબ વન સંરક્ષક સર્વશ્રી નિરજકુમાર અને શ્રી મિતેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો. કિશનદાન ગઢવી, નાયબ કલેકટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સભ્યો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.


Share to

You may have missed