December 1, 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રારંભાયેલી બાઈક રેલી યાહા મોગીમાતા દેવમોગરા માતાના મંદીરે પ્રકૃતિ અને વનરાજીના સાનિધ્યમાં સંપન્ન થઈ

Share to

નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ સ્વીપ પ્લાન અર્થે બાઈક રેલી યોજાઈ

ગુજરાત સ્થાપના દિને એકતાનગરથી મતદાન જાગૃતિ માટે ૩૦૦ થી વધુ શિક્ષણ-આરોગ્ય વિભાગના કર્મીઓ મોટરસાયકલ રેલીમાં જોડાયા

   રાજપીપલા, બુધવાર :- લોકશાહી પ્રક્રિયામાં મતદાર એ રાજા ગણાય છે. ચૂંટણી સમયમાં ગ્રામીણ મતદારોમાં મતદાન માટે જાગૃત્તિ લાવવાના ઉમદા આશય સાથે આજે તા.૧લી મે, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતેથી બાઈક રેલી યોજાઈ હતી. જેમાં 300 જેટલા શિક્ષણ અને આરોગ્ય કર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને મતદાન કરીને આપણે લોકશાહીના અવસરમાં સહભાગી બની અમૂલ્ય અને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરીએ. અને જાગૃત નાગરિક તરીકે અન્યને પણ જાગૃત કરી તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

   આ પ્રસંગે સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિશાંત દવેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના મહાપર્વમાં જિલ્લાના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત આજે બાઈક રેલી દ્વારા મતદારોમાં મતદાન પ્રત્યે સભાનતા કેળવવાનો નમ્ર પ્રયાસ કરાયો છે. વધુમાં શ્રી દવેએ ગ્રામીણ ક્ષેત્રમાં નાગરિકો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે સૌને અનુરોધ કર્યો હતો.

   મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. જનકકુમાર માઢકે જણાવ્યું કે, લોકતંત્રના આ પ્રસંગમાં પ્રત્યેક નાગરિકોની સહભાગીદારી મહત્વપૂર્ણ છે, નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના ભાગરૂપે અમે બાઈક રેલી દ્વારા મતદારોને જાગૃત કરવાનો ખાસ પ્રયાસ કર્યો હતો.

   ૧ લી મે, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વિશ્વ પ્રવાસન સ્થળ વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા પરેડ ગ્રાઉન્ડ એકતાનગરથી પ્રારંભાયેલી બાઈક રેલી ગોરા બ્રીજ, ભાણદ્રા ચોકડી, વાવડી, જકાતનાકા, ગાંધીચોક, હરસિદ્ધી માતાના મંદીર, સફેદ ટાવર, સંતોષ ચાર રસ્તા, કાળીયાભૂત થઈને રાજપીપલા નગરમાં ફરી હતી. શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને અવશ્ય મતદાન કરવા જાગૃત સંદેશ કરતી આ રેલી ખામર, ખુટાઆંબા, મોવી ચોકડી, દેડિયાપાડા ગામમાંથી પસાર થઈ ત્યારે ત્યાંથી પણ સ્થાનિક યુવાનો અને કર્મયોગીઓ બાઈક રેલીનું સ્વાગત કર્યુ હતુ. સ્થાનિક યુવાનો-કર્મીઓએ આ બાઈક રેલીમાં સહભાગી થઈને ઉત્સાહવર્ધક વાતાવરણ ઉભું કર્યુ હતુ. ત્યાંથી આદિવાસીની કૂળદેવી યાહામોગી માતા દેવમોગરા માતાના મંદીરે પ્રાકૃતિક અને વનરાજીના સાનિધ્યમાં પહોંચી અને ત્યાં સૌએ દર્શન કરી અચૂક મતદાનનો સંકલ્પ કર્યો હતો.


Share to

You may have missed