જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના

Share to



*ભરૂચ જિલ્લાના ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૨ ડીસેમ્બર ૨૦૨૩થી ૩૦ દિવસ સુધી ખુલ્લું રહેશે*

ભરૂચ- ગુરુવાર- ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. જિલ્લાના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તા. ૧૨/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યેથી ૩૦ દિવસ સુધી ખુલ્લું મુકવામાં આવશે.
ખેડૂતોએ લેવાની કાળજી વિશે વાત કરીએ તો, કલસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ ૧૦ દિવસમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને સાધનીક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે.

આ માટે ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, બેન્ક પાસબુકની નકલ/ રદ કરેલો ચેક, આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કશન વાળો નકશો સાથે રાખવો અનિવાર્ય છે.

પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી ૧૨૦ દિવસમાં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેમ જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સીંગ અને કરવાની સહાય મળવાપાત્ર છે. જેની તમામ ખેડૂતોને કાળજી લેવા તેમજ વધુ માહિતી માટે ક્ષેત્રીય ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા પંચાયત કચેરીએ સંપર્ક સાધવા ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે


Share to