ફક્ત એક નાનકડી દીકરીએ શરૂ કરેલી સફરમાં આજે દક્ષિણ ગુજરાતના ૩૫થી વધુ ખેલાડીઓ આઈસ સ્ટોક સ્પોર્ટ્સની રમત સાથે સંકળાયા

Share to

સાફલ્ય ગાથા:

પ્રેરણા

ઇન્ટરનેશનલ પ્લેયર દ્રષ્ટિ વસાવા અને વિકાસ વર્માએ આઈસ સ્ટોક સ્પોર્ટ્સની સમગ્ર ટીમને ટ્રેનીંગ આપી ગુજરાતને ગૌરવ અપાવ્યું

મહારાષ્ટ્રના પૂણે ખાતે યોજાયેલ નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ૨૦૨૩ની ઈવેનન્ટમાં ૨૮ ખેલાડીઓએ મેડલ મેળવ્યા


मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर
लोग साथ आते गए और कारवाँ बनता गया
:मजरूह सुल्तानपुरी


ભરૂચ- શુક્રવાર- મજરૂહ સુલ્તાનપુરીની ઉક્ત શાયરીને સાચા અર્થમાં જ સાર્થક કરી છે આદિવાસી વિસ્તારની એક નાનકડી દિકરી કે જે હાલ આઈસ ગર્લના હુલામણા નામથી પ્રસિદ્ધી પામી છે.

દ્રષ્ટિ વસાવા નામની દિકરીએ ભરૂચના નેત્રંગ તાલુકાના નાનકડા થવા ગામમાંથી પોતાની જાતને એક સાચા અર્થમાં રમતવીર બનાવીને સમગ્ર ભારતને પણ આઈસ સ્ટોકમાં નામના અપાવી છે. આટલે થી જ આ દિકરી અટકવાનું નામ ન લેતા તેમને હવે આ રમત ક્ષેત્રે એક એવી ફોજ ઉભી કરી છે કે આઈસ સ્ટોકની રમતને પણ હવે સન્માનીય નજરથી નિહાળવા લોકોને મજબૂર કર્યા છે.

વાત ફલેશબેકમાં જઈ કરીએ તો ગુજરાતમાં આઈસ સ્ટોક ઈવેન્ટ ખાસ પ્રચલિત નહોતી. મિત્રની વાતથી બરફઆચ્છાદિત વિસ્તારોમાં રમાતી આ રમત માટે રસ જાગ્યો દ્રષ્ટિને, સુરત ખાતે કોલેજના અભ્યાસ સાથે બરફ પર રમાતી ઈવેન્ટને અહી આ પરિસ્થિતિમાં કેમ રમવું એ વિકટ એક પ્રશ્ન થઈ પડ્યો અને જુગાડું નિતી થકી સુરતના સિટીના રોડ પર આઈસ સ્ટોકની રમતની પ્રેક્ટીસ શરૂ કરી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલ નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં સતત ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવી અશક્યને શક્ય બનાવવાનું કૌવત બતાવ્યું. અને ત્યારથી શરૂ થઈ આઈસ ગર્લની સફર..

વિદેશની ધરતી પર થતી આઈસ સ્ટોકની રમત માટે કોઈ ગુજરાત તરફથી કોઈ ફેડરેશન નહોતું. આથી માટે ગુજરાતમાં ઓલ ઈન્ડીયા ફેડરેશની અંદર આઈસ સ્ટોક ફેડરેશનની રચના થઈ હતી. ફેડરેશનના સેક્રેટરી તરીકે શ્રીમતી રંજનબેન વસાવાએ જવાબદારી ઉપાડી હતી. આ ફેડરેશના નેજા હેઠળ ગુજરાતમાં આઈસ સ્ટોક ફેડરેશનના ગુજરાત અને ભારત વતી દાવેદારી નોંધાવી ઈટલી ખાતે વિન્ટર ચેમ્પિયનશિપમાં પોતાનું ધમખમ બતાવ્યું હતું.ત્યારબાદ ગુજરાતમાં આઈસ સ્ટોક ફેડરેશનના નેજા હેઠળ ખેલો ઈન્ડીયા અંર્તગત સમર અને વિન્ટર નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપ જેવી ઈવેન્ટોમાં દાવેદારી નોંધાતી ગઈ.

આમ, ફક્ત એક વ્યક્તિથી શરૂ થયેલી સફરમાં આજે દક્ષિણ ગુજરાતના ૩૫ થી વધુ ખેલાડીઓ આ રમત સાથે સંકળાયેલા છે. આ તમામ ખેલાડીઓને ગુજરાત આઈસ સ્ટોક ફેડરેશના નેજા હેઠળ હેડ કોચ વિકાસ વર્મા અને દ્રષ્ટિ વસાવા ટ્રેનિંગ આપી તૈયારીઓ કરાવી રહ્યા છે.

તેમની તૈયારીઓ ખરેખર રંગ લાવી અને તેનું ઉદાહરણ તાજેતરમા મહારાષ્ટ્ર રાજ્યના પુણેના બાલેવાડી સ્ટેડિયમ ખાતે યોજાયેલ નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ સમર ચેમ્પિયનશિપ ૨૦૨૩માં જોવા મળ્યું હતું.

આજે ૩૦ જેટલા યુવા ખેલાડીઓને તૈયાર કરીને મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાયેલ નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ૨૦૨૩માં ૨૮ જેટલા મેડલ મેળવ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્યના પુણે ખાતે યોજાયેલ નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ઈવેન્ટમા દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, ડાંગ, તેમજ મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના ૩૦ જેટલા યુવા ખેલાડીઓએ જુનિયર, સિનિયર કેટેગરીમાં ટીમ ગેમ, ટીમ ટાર્ગેટ, ટીમ ડિસ્ટન્સ, એન્ટિવિઝન ટાર્ગેટમા વગેરેમાં ગુજરાત રાજ્ય તરફથી ભાગ લીધો હતો. આ નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ૨૦૨૩ કુલ ૨૮ જેટલા મેડલ મેળવી જિલ્લા તથા રાજ્યનું નામ રોશન કર્યુ હતું. ત્યારે આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એશોસિયન ઑફ ગુજરાતનાં સેક્રેટરી રંજન વસાવાએ તમામ રમતવીરોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ સમર ચેમ્પિયનશિપ ૨૦૨૩માં ગુજરાત રાજ્યનો દેખાવ જોતાં અલગ – અલગ કેટેગરી પ્રમાણે ટીમ ગેમમા ૦૨ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ અને ૨ બ્રોન્ઝ મેડલ, ઈન્ડીવિડ્યુઅલ ટાર્ગેટમાં ૦૧ ગોલ્ડ, ૦૩ સિલ્વર, ૦૩ બ્રોન્ઝ મેળવ્યા, ટીમ ટાર્ગેટમાં ૩ ગોલ્ડ, ૦૨ બ્રોન્ઝ મેડલ, ઈન્ડીવ્યુઝયલ ડિસ્ટન્સમા ૨ ગોલ્ડ ૦૩ સિલ્વર, ૦૨ બ્રોન્ઝ અને ટીમ ડિસ્ટન્સમા ૨ ગોલ્ડ ૦૧ સિલ્વર, પ્રાપ્ત કર્યો હતા. આમ ગુજરાતના ૩૦ જેટલા યુવા ખેલાડીઓએ ૨૮ જેટલા ગોલ્ડ મેળવી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું.
આલેખન- વિશાલ કડીયા / યોગેશ વસાવા


Share to