જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બેકરી તાલીમ શાળા એટલે સ્ટાર્ટઅપની પાઠશાળા૧૯૭૯ થી અત્યાર સુધીમાં બેકરી શાળામાં ૭૦૦૦ થી વધુ તાલીમાર્થીઓએ તાલીમ લીધી અને બેકરી શાળામાં તાલીમાર્થીઓને ૬૫ થી ૭૦ જેટલી બેકરીની વાનગીઓ શીખવવામાં આવે છે

Share to




જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં
બેકરી તાલીમ શાળામાં ૧૫ અઠવાડિયાનો અને અઠવાડિક અભ્યાસક્રમ યોજાઈ છે
અહીંથી તાલીમ મેળવી વિદેશમાં પણ વ્યવસાય કરી શકાય, વિદેશમાં આ કોર્સને માન્યતા સ્ટાર્ટઅપ કરવા ઘરેથી બિઝનેસ શરૂ કરવા માટે બેકરી ઉદ્યોગ છે બેસ્ટ વિકલ્પ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બેકરી તાલીમ શાળા કાર્યરત છે. વર્ષ ૧૯૭૯ થી અત્યાર સુધીમાં ૭૦૦૦ થી વધુ તાલીમાર્થીઓએ બેકરીની વિવિધ વાનગીઓની બનાવવાની તાલીમ મેળવી છે. તાલીમ શાળામાં બેકરીની વાનગીઓ બનાવવાથી માંડીને તાલીમાર્થીને વ્યવસાય શરૂ કરવા લોન સુવિધા સહિતની સમજ અને માર્ગદર્શન આપવામાં આવે છે.તેમજ વિદેશમાં કોઇ બેકરીનો વ્યવસાય કરવા માંગતા હોય તો આ કોર્સ વિદેશમાં પણ માન્યતા ધારાવે છે. અહીં તાલીમ મેળવી અનેક લોકો પગભર થયા છે અને સ્ટાર્ટઅપ માટે બેકરી ઉદ્યોગ બેસ્ટ વિકલ્પ છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બેકરી તાલીમ શાળામાં ૧૫ અઠવાડિયા અને બહેનો માટે પાંચ દિવસનો તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. જેમાં બેકરીની વિવિધ પ્રકારની વાનગીઓ ધંધાકીય ધોરણે અને વૈજ્ઞાનિક ઢબે બનાવી શકે તેવા કારીગરો તૈયાર કરવા એ મુખ્ય હેતુ છે. જેથી આ તાલીમ પામેલ વ્યક્તિ પોતાનું સ્વતંત્ર ધંધો શરૂ કરી શકે અથવા બેકરી ઉદ્યોગમાં નોકરી મેળવી શકે અને પોતાની આજીવિકા મેળવી શકે. આ ઉપરાંત બીજો હેતુ ગૃહિણીઓને તાલીમ આપવાનો છે કે જે પોતાના કુટુંબ માટે શુદ્ધ અને સાત્વિક બેકરી વાનગી બનાવી શકે.

આ અંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડો. એન.બી. જાદવે જણાવ્યું હતું કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષ ૧૯૭૯ થી બેકરી શાળા કાર્યરત છે. અહીં બેકરીની વિવિધ પ્રકારની વાનગીઓ ધંધાકીય ધોરણે અને વૈજ્ઞાનિક ઢબે બનાવી શકે તેવા કારીગરો તૈયાર કરવાનો મુખ્ય હેતુ છે. તેમણે ઉમેર્યું હતું કે બેકરી શાળામાં તાલીમ મેળવી યુવાનો સ્ટાર્ટઅપ પોતાનો સ્વતંત્ર બિઝનેસ ઓછા રોકાણમાં શરૂ કરી શકે છે. આ સર્ટિફિકેટ કોર્સની માન્યતા વિદેશમાં પણ છે.તેમણે જણાવ્યું હતું કે, આ બેકરી તાલીમ શાળામાંથી તાલીમ લઈને અનેક તાલીમાર્થીઓએ પોતાનો બેકરી ઉદ્યોગ વિકસાવ્યો છે તેમજ વિવિધ બેકરી ઉદ્યોગમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે.
મદદનીશ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી શ્રીમતી ડો. દીપ્તિબેન ઠાકરે જણાવ્યું હતું કે, અહીંથી તાલીમ પ્રાપ્ત કરીને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં તાલીમાર્થીઓએ પોતાનો બેકરીનું સ્વતંત્ર ઉદ્યોગ વિકસાવ્યો છે. જ્યારે કેટલીક દીકરીઓ પણ ઘરેથી બેકરીની વાનગીઓનું વેચાણ કરીને સારી એવી કમાણી મેળવી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અહીં અહીં તાલીમાર્થીઓને ઘઉંથી બનાવવાથી માંડીને લોન લેવા સુધીની તમામ સમજ આપવામાં આવે છે. જેથી આ અભ્યાસ તાલીમ પૂર્ણ કર્યા બાદ બીજા દિવસ થી પણ તાલીમાર્થી બેકરી ઉદ્યોગ શરૂ કરવા થઈ શકે એટલું સક્ષમ બની જાય છે. અહિ ૬૫-૭૦ પ્રકારની વાનગીઓ શીખવવામાં આવે છે. જેમાં બ્રેડ, નાનખટાઈ, પફ પીઝા, સુરતી, ડેનિસ પેસ્ટ્રી, ડોનેટ વગેરે શીખવવામાં આવે છે.
આ તાલીમ વર્ગમાં કાચી સામગ્રીની ગુણવત્તા અને તેનું વૈજ્ઞાનિક જ્ઞાન, વાનગી બનાવવાની સુધારેલ પદ્ધતિ, આર્થિક જ્ઞાન, સાધનો અને મશીનરીનો વપરાશ પ્રોજેક્ટ, સરકારી નિયમો , લોન સુવિધાઓ, બેકરી ઉદ્યોગની સ્થાપના પ્લાનિંગ વાનગીનું વેચાણ, સહિતનું માર્ગદર્શન આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ કૃષિ યુનિ. ના કુલપતિ શ્રી ડો.વી.પી. ચોવટીયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી અંતર્ગત બેકરી તાલીમ શાળા કાર્યરત છે.

તાલીમાર્થીઓના પ્રતિભાવ
ભાવનગરની વતની ક્રિષ્ના ગોહિલે તેનું પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પહેલા મેં અઠવાડિક કોર્સ અહીંથી કર્યો હતો. અત્યારે ૧૫ અઠવાડિયાના કોર્સમાં એડમિશન લીધું છે અહીં બેકરીની દરેક પ્રોડક્ટ શીખવવામાં આવે છે.

જ્યારે જુનાગઢ ની જાગૃતિ જોગદીયા એ જણાવ્યું હતું કે મને નવી નવી વાનગીઓ બનાવવાનો અને શીખવાનો શોખ છે અહીંથી બેકરીની તાલીમ લઈ હું ઘરેથી બેકરી પ્રોડક્ટનું વેચાણ કરવા માંગું છું.


માત્ર રૂપિયા ૨૮૮ ની ફી માં વિદેશમાં માન્યતા પ્રાપ્ત કોર્સ કરવાની તક મળે છે

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ની બેકરી તાલીમ શાળામાં ૧૫ અઠવાડિયાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ કાર્યરત છે. આ ૧૫ અઠવાડિયાના પ્રમાણપત્ર કોર્સમાં એડમીશન માટે ધોરણ ૧૦ પાસ અથવા ૯ પાસ સાથે બેકરી ઉદ્યોગનો બે વર્ષનો અનુભવ જરૂરી છે.
૧૫ થી ૪૦ ની વય ધરાવતા યુવાનો ફક્ત પ્રવેશ ફી ૨૮૮ રૂપિયા ભરીને પ્રવેશ મેળવી શકે છે. સામાન્ય રીતે આ તાલીમ વર્ગ વર્ષમાં બે વખત જુલાઈ અને ડિસેમ્બર માસમાં શરૂ થાય છે.આ કોર્ષની સર્ટીફીકેટ માન્યતા વિદેશમાં પણ છે.

જ્યારે બહેનો માટે અઠવાડિક અભ્યાસક્રમ શરૂ છે. જેમાં ગૃહિણી પોતાના કુટુંબના સભ્યો માટે પોતાના ઘરે ઉપલબ્ધ સાધનો દ્વારા શુદ્ધ અને સાત્વિક બેકરી વાનગી બનાવી શકે તે માટે તાલીમ આપવામાં આવે છે. વધુમાં આ તાલીમ વર્ગની વિશેષતા એ છે કે ઘરે ભઠ્ઠી કે ઓવન સિવાય ગેસઓવન, સૂર્યકૂકર, પ્રેશરકુકર, માઈક્રોવેવ ઓવન અને અન્ય ઘરગથ્થુ રીતોથી વાનગીઓ પકવવાનું પણ અહીં શીખવવામાં આવે છે.આ તાલીમ વર્ગ વર્ષના એપ્રિલ મે જૂન મહિના દરમિયાન ચલાવવામાં આવે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to