જૂનાગઢમાં રિસ્ટોરેશન પામેલા મહાબત મકબરા અને વઝીર બહાઉદ્દીન મકબરાને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

Share to




પ્રવાસીઓને પુનઃ માણવા મળશે શિલ્પ સ્થાપત્યનો બેનમૂન નમૂનો*
*ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂ. ૭.૧૨ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે નવિનીકરણ
જૂનાગઢમાં રૂ.૪૩૮ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત માટે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શિલ્પ સ્થાપત્યના બેનમુન નમૂના એવા મહાબત અને વઝીર બહાઉદ્દીન મકબરાને ખુલ્લો મુક્યો હતો તેમજ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.૭.૧૨ કરોડના ખર્ચે નવિનીકરણ પામેલા બન્ને મકબરાની મુલાકાત લઈ પુનઃસ્થાપનની કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પરિસરમાં મકબરાની સ્થાપત્યશૈલી સહિત નકશીકામ અને કોતરણી નિહાળી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ એલ.ઈ.ડી પર મહાબત મકબરાની સમગ્ર રિસ્ટોરેશન કામગીરીની ટૂંકી ફિલ્મ પણ નિહાળી હતી.

નોંધનીય છે કે, કલા અને સ્થાપત્યની દ્રષ્ટિએ જૂનાગઢના સ્થાપત્ય અનોખું સ્થાન ધરાવે છે ત્યારે મહાબત મકબરાની બાજુમાં જ આવેલો વઝીર બહાઉદ્દીન હુસૈનનો મકબરો પણ મનમોહક સ્થાપત્યશૈલી ધરાવે છે. આ મકબરાઓની સ્થાપત્યશૈલી અને કોતરણીઓ ઈસ્લામિક તેમજ હિન્દુકલાનું મિશ્રણ ધરાવે છે. જેમાં બારીક કોતરણીવાળી કમાનો, આરસ પથ્થરમાંથી બનાવેલી જાળીઓ, ટોચ પર ગોળાકાર ઘૂમ્મટ, અલગ અલગ પ્રકારની સુશોભિત ભાત તેમજ છત ઉપર ચારે ખૂણામાં નાના ઘુમ્મટ મકબરાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મકબરાના ચારે ખૂણાએ ઉપર ચઢવા માટે સર્પાકાર સીડી પણ છે.

આ મકબરાઓના રિનોવેશન માટે ગોળપાણી, મેથી, અડદ વગેરેને ઉકાળીને બાઈન્ડિંગ મટિરિયલ બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ તબક્કાવાર રિસ્ટોરેશન પ્રક્રિયામાં પ્રથમ બન્ને સ્થાપત્યોનો સર્વે કરી એકઠા થયેલા ડેટાનુ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને મકબરાઓમાં વપરાયેલા મટિરિયલ, બાંધકામ પદ્ધતિ વગેરે જાણકારી મેળવવામાં આવી હતી. જે પછી ક્ષતિગ્રસ્ત થયેલા ભાગોનું વિશેષ રાસાણિક પદાર્થ દ્વારા ક્લિનિંગ કરવામાં આવ્યું હતું. સૈકાઓ જૂના બાંધકામ આજે પણ એટલી જ મજબૂતાઈ સાથે અડીખમ ઉભા છે. આમ પ્રવાસીઓને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂ. ૭.૧૨ કરોડના ખર્ચે નવિનીકરણ પામેલા મહાબત અને વઝીર બહાઉદ્દીન મકબરાની નકશીકામ, કોતરણી સહિતની ભવ્યતા પુનઃ માણવા મળશે.

આ તકે જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, પૂર્વ કેબિનેટમંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, કૃષિબેંક ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, પ્રવાસન વિભાગના સચિવશ્રી હારિત શુકલા, પ્રવાસન કમિશનર શ્રી સૌરભ પારઘી સહિત પુરાતત્વ વિભાગ તેમજ હેરિટેજ વિભાગના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed