શિક્ષણના પ્રથમ પગથિયા સમાન આંગણવાડી ખાતે ભારતીય વૈદિક પરંપરા યોગથી પરિચિત થતા ભૂલકાઓ

Share to

નર્મદા : આંગણવાડીના બાળકોને યોગ પ્રત્યે પ્રેરિત કરાયા

નાંદોદ તાલુકાની આંગણવાડીઓમાં ભૂલકાઓએ રંગેચંગે યોગાભ્યાસ કર્યા

આંગણવાડી કેન્દ્ર ખાતે ભુલકાઓમાં યોગ અંગે જાગૃતતા કેળવવાની સરાહનીય કામગીરી કરાવતી આંગણવાડી કાર્યકર બહેનો
—–
રાજપીપલા, શુક્રવાર :- વિશ્વના સમૃદ્ધ દેશોમાં ભારત દેશનું સ્થાન હરહંમેશ અગ્રહરોળમાં રહ્યું છે. આપણો દેશ વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વારસો ધરાવે છે. જેમાં પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી અમૂલ્ય ભેટ યોગનો પણ સમાવેશ થાય છે. આરોગ્યની ગુરૂચાવી યોગનો મંત્ર સમગ્ર વિશ્વને ભારતે ભેટ સ્વરૂપે આપ્યો છે.
રાજ્ય-રાષ્ટ્ર સહિત નર્મદા જિલ્લામાં પણ યોગ પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે તથા જનસમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ નર્મદ જિલ્લા વહીવટી તંત્ર સરાહનીય કામગીરી કરી રહ્યું છે.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત સુપોષિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે સંપૂર્ણ સપ્ટેમ્બર માસની ઉજવણી પોષણ માહ તરીકે થઈ રહી છે, ત્યારે આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલની રાહબરી હેઠળ નાંદોદના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મૌસમબેન પટેલના નેતૃત્વ હેઠળ નાંદોદ તાલુકાના આંગણવાડી કેન્દ્રો ખાતે કાર્યકર બહેનોએ નાના ભૂલકાઓને યોગનું મહત્વ સમજાવી યોગાભ્યાસ કરાવ્યું હતું.
યોગ શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને આત્માને પરમાત્મા સાથે જોડવાનું પણ માધ્યમ છે. મનને શાંત કરવાનું શ્રેષ્ઠ અને સમર્થ માધ્યમ છે, યોગવિદ્યા ભારત દેશને મળેલ અમૂલ્ય ભેટ છે જેના વિશે આંગણવાડી બહેનોએ બાળકોને સમજ પુરી પાડી યોગ કરવાના લાભો, યોગનું મહત્વ અને તેનાથી શારીરિક અને માનસિકતા પર થતી સકારાત્મક અસરોથી બાળકોને સહજ અને સરળ ભાષામાં સમજ પુરી પાડી હતી.
યોગ અભ્યાસુઓના મતે બાળકોના હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, માટે બાળકોને બાળપણથી જ યોગ માટેની તાલીમ આપવામાં આવે તો બાળકોની માનસિક અને શારીરિક શક્તિમાં વધારો થાય છે. તેમનાં હાડકાં મજબૂત બને છે, સ્નાયુઓ સુડોળ બને છે. યોગના અભ્યાસથી બાળકોના સ્વભાવમાં પણ સકારાત્મક પરિવર્તન આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ તાલુકાના આંગણવાડી કેન્દ્ર ખાતે યોગાભ્યાસની પ્રવૃત્તિ થકી બાળકોને યોગ સાથે કેવી રીતે વાતચીત, વર્તન, સ્વચ્છતા અને આરોગ્યની કાળજી સહિત પોષણયુકત આહારની સમજ પુરી પાડી હતી.
યોગાભ્યાસથી બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે ભૂલકાઓને યોગ શીખવવામાં આવી રહ્યો છે. ઉપરાંત, કાર્યકર બહેનોએ બાળકને યોગ તરફ પ્રેરિત કરી યોગને આદત બનવવા સમજ પુરી પાડી હતી. કાર્યકર બહેનોએ બાળકના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થવા માટે યોગાભ્યાસ થકી બાળકોને યોગ તરફ રસપૂર્વક વાળવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.
બાળકોના શિક્ષણનું પ્રથમ પગથિયું એટલે આંગણવાડી. જ્યાં બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત, અવનવી પ્રવૃતિઓ સાથે સમજ કેળવવામાં આવે છે. આંગણવાડી શિક્ષણનું પ્રથમ પગથિયું છે, ત્યારે આંગણવાડી કેન્દ્ર ખાતે ભુલકાઓમાં યોગ અંગે જાગૃતતા કેળવવા, યોગાભ્યાસ કરાવવાની કામગીરી ખૂબ સરાહનીય છે. ‘ટેણિયા’ઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.
આજના યુગના બાળકો ઘરમાં રહીને મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર વગેરે જેવા ગેઝેટનો ઉપયોગ કરીને બેઠાડુ જીવન જીવી રહ્યા છે, જેનાથી તેમના સર્વાંગી વિકાસ અવરોધાય છે. બાળકોને એક બહેતર જીવનશૈલી પ્રદાન કરવા તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ પોષણ માસ – ૨૦૨૩ અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ૧૮૪ કેન્દ્રોમાં ૩-૬ વર્ષના બાળકોને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને યોગ કરાવી યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
નાંદોદ તાલુકાના ૩ થી ૬ વર્ષના કુલ મળીને લગભગ ૧૫૦૦ જેટલા આંગણવાડીના બાળકોએ યોગાભ્યાસમાં રસપૂર્વક ભાગ લઈને ઉત્સાહપૂર્વક યોગ કર્યો હતો. વધુમાં, આયુર્વેદ વિભાગ નર્મદાના સહયોગથી સર્ટિફાઇડ યોગા ઇન્સ્ટ્રકટર દ્વારા વાવડી તેમજ રૂંઢ ગામ ખાતે પણ બાળકોને યોગ તાલીમ આપવામાં આવી હતી. આયુષ મંત્રાલય અને અમૂલ ડેરીના સહયોગથી પોષકતત્વોથી ભરપૂર એવા માતૃશક્તિ+ અને બાલ શક્તિ+ ટેક હોમ રાશન (THR) માંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન રાખી બાળકોને પોષણયુક્ત આહાર વિશે સમજ કેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી ભારતની આ વૈદિક પરંપરા યોગને વૈશ્વિક માન્યતા મળી છે, એ દેશના પ્રત્યેક નાગરિક માટે ગૌરવ લેવા જેવી બાબત છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં પણ યોગના મહાત્મ્યનું વર્ણન છે. ત્યારે આપણી યોગવિદ્યાની મહાન પરંપરાથી રાજ્ય-રાષ્ટ્ર સહિત નર્મદા જિલ્લાના નાગરિકો, યુવાનો, મહિલા-બાળકો પણ પરિચિત થાય તેવા ઉમદા આશય સાથે નર્મદા જિલ્લામાં સમયાંતરે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે.


Share to

You may have missed