November 21, 2024

રાજપીપલા ખાતે નર્મદા જિલ્લામાં માનવતાવાદી અભિગમ અપનાવી સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર ૧૫ જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” ૨૦૨૧ થી સન્માનિત કરાયા

Share to


કેન્સરની સેવા માટે રાજ્ય કક્ષાના વિજેતા શ્રેષ્ઠ શિક્ષકો, રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય, સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કારની ઉત્તમ સેવા માટે નિર્ભયા સ્કવોર્ડ, ટાઇગર ગ્રૃપ સહીત વન વિભાગની કામગીરીને બિરદાવાઈ
સમાજની સાચી સેવા એજ માનવ ધર્મ-મુશ્કેલીમાં મુકાયેલા સમાજ માટે માનવતા- મદદનો હાથ લંબાવવાની જરૂર

રાજપીપલા, ગુરૂવાર :- છેલ્લા બે વર્ષથી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા આયોજિત “રેવાના મોતી” એવોર્ડ-૨૦૨૧ સમારંભ આ વર્ષે (સેવા સ્મૃતિ સન્માન ) તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડીવસાવા, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, જિલ્લાના અગ્રણીશ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ, શ્રી દિનેશભાઇ તડવી, નર્મદા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખશ્રી છગનભાઇ વણકરની ઉપસ્થિતિમા દ્વિતીય” રેવાના મોતી” એવોર્ડ- ૨૦૨૧ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય બાદ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન જગતાપ અને ટ્રસ્ટી રૂજુતા જગતાપે મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ મંત્રીશ્રી દીપકભાઈ જગતાપે સંસ્થાની રૂપરેખા આપી સંસ્થાનો પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે નર્મદા જિલ્લામાં નિઃસ્વાર્થ ભાવે માનવતાવાદી અભિગમ અપનાવી સમાજની સેવાકીય પ્રવૃત્તિ કરનાર ૧૫ જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ ૨૦૨૧ થી એવોર્ડ ટ્રોફી, પ્રમાણપત્ર, પુષ્પ ગુચ્છ આપી, શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પી.ડી.વસાવાએ નર્મદામાં નિસ્વાર્થ ભાવે સાચી સમાજ સેવા કરનાર સેવાભાવી વ્યક્તિ અને સંસ્થાને શોધીને તેમને બે વર્ષથી રેવાનાં મોતી એવોર્ડથી સન્માનિત કરવાના સેવાયજ્ઞ બદલ જનકલ્યાણ સેવા ટ્રસ્ટને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આવા મોતીને બિરદાવવાથી સમાજના અન્ય લોકોને સમાજ ઉપયોગી સેવા કરવાની પ્રેરણા મળે છે. તેમણે એવોર્ડ પ્રાપ્ત કરનાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીશ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ, શ્રી દિનેશભાઇ તડવી, નર્મદા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખશ્રી છગનભાઇ વણકરે પણ પ્રાસંગિક પ્રવચનમા જનકલ્યાણ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી જણાવ્યું હતું કે, સમાજની સાચી સેવા એજ મોટો માનવ ધર્મ છે. મુશ્કેલીમાં મૂકાયેલા સમાજ માટે માનવતા-મદદનો હાથ લાંબાવવાની આજે ખાસ જરૂર છે.
નર્મદા જિલ્લામાથી ખૂણે ખૂણેથી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરનાર સેવા ભાવિ લોકોને શોધીને તેમને રેવાનાં મોતી એવોર્ડથી બિરદાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.અને અન્યોને પણ સાચી સમાજ સેવા કરતા રહેવા અનુરોધ કર્યો હતો.
જેમાં માત્ર એક રૂપિયામા કેન્સરની સેવા માટે બે રાજ્ય કક્ષાના વિજેતા શ્રેષ્ઠ શિક્ષકો તથા રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તેમજ સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કારની સેવા પ્રવૃત્તિ ઉપરાંત, નિર્ભયા સ્કવોર્ડની મહિલાલક્ષી સેવા, ટાઇગર ગ્રૃપ-નર્મદાની માનવતાવાદી સેવા, સરપંચશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તારની સેવા ઉપરાંત એચ.આઈ.વી. પીડિતો અને સમલીંગીકો માટેની સેવા ઉપરાંત વન ક્ષેત્રની કામગીરી તથા ટ્રાફિક ક્ષેત્રની સેવા, જેલમાં કેદીઓને માટે માનવતાવાદી અભિગમ બદલની સેવાને બિરદાવી ૧૫ જણાને રેવાના મોતી” એવોર્ડ-૨૦૨૧ થી સન્માનિત કરાયાં હતા.
૦૦૦૦



Share to

You may have missed