October 15, 2024

કરજણ જળાશય સિંચાઈ નહેર સમારકામ માટે રોટેશન પદ્ધતિથી બંધ રાખવા કેબિનેટ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.

Share to

શેરડીના પાકમાં ડુક્કરના કારણે થતા ભયંકર નુકસાનના નિયંત્રણ માટે પાયલેટ પ્રોજેક્ટ બનાવી તેનો અમલ કરવા પણ કૃષિ અને પશુપાલન મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના વતની પુષ્પેન્દ્રસિંહ સુણવા જેઓ ગણેશ સુગર વટારીયાના કસ્ટોડિયન કમિટીના સભ્ય છે તેમના દ્વારા કરજણ જળાશય સિંચાઈ નહેર સમારકામ માટે રોટેશન દ્વારા બંધ રાખવામાં આવે તથા શેરડીના પાકમાં ડુક્કર (ભુંડ) દ્વારા થતા નુકસાન ના નિયંત્રણ બાબતે પ્રોજેક્ટ બનાવી તેનો અમલ કરવા કેબિનેટ મંત્રી કુવરજીભાઇ બાવળિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે સીઝન ૨૩-૨૪ દરમિયાન સરકાર દ્વારા કરજણ જળાશય સિંચાઈ યોજના નહેરનું સમારકામ અર્થે બંધ રાખવાનું જાણવા મળ્યું છે, કરજણ જળાશય સિંચાઈ નહેર ઉપર નર્મદા તથા ભરૂચ જિલ્લાની હજારો એકર જમીનમાં ખેતીવાડી પાકોનું વાવેતર થાય છે, જેમાં શેરડી તથા કેળનો પાક મુખ્ય છે. કરજણ સિંચાઈ નહેર સમારકામ કરવા માટે લાંબા સમય માટે બંધ રાખવામાં આવે તો નહેર દ્વારા સિંચાઈ કરતા ખેડૂતો પોતાની હજારો એકર જમીનમાં ખેતી પાકો બનાવશે નહીં, જમીન પિયત વગર ખાલી રહેશે, જેના કારણે ભરૂચ તથા નર્મદા જિલ્લા સ્થિત ગણેશકાંડ ઉદ્યોગ સહકારી મંડળી અને નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીને પીલાણ માટે મળનાર શેરડીના જથ્થામાં મોટો સમસ્યા ઊભી થશે, સરકાર ગંભીરતાથી વિચારણા કરી જો કરજણ જળાશય યોજનાનો સિંચાઈ નહેરો સમારકામ માટે બંધ રાખવા માંગતા હોય તો રોટેશન પદ્ધતિથી સિંચાઈ નહેરો બંધ રાખવી જોઈએ જેથી ખેડૂતોને પાણી સિંચાઈ માટે મળી રહે, સરકારે અગાઉના વર્ષોમાં જે રીતે ઉકાઈ જળાશય યોજના નહેર સમારકામ માટે રોટેશન પદ્ધતિથી બંધ રાખેલ તે મોડેલ અપનાવી કરજણ જળાશય સિંચાઈ નહેરોનું સમારકામ કરવું જોઈએ,

જેને લઇ ખેડૂતો લાંબા સમય પાકોના વાવેતરનું આયોજન કરી શકે તેવી રજૂઆત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં કરવામાં આવી છે, તદુપરાંત પુષ્પેન્દ્રસિંહ સુણવા દ્વારા શેરડીના પાકમાં ડુક્કરથી થતા નુકસાન બાબતે પણ રજૂઆત કરી જણાવ્યું છે કે દિન પ્રતિદિન ખેત ઉત્પાદિત પાકોમાં કુદરતી અને કુત્રિમ પરિબળોની અસરોના કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાય છે, જેના કારણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી થતી જાય છે, જેમાં મુખ્ય પરિબળ ડુક્કરના કારણે ખેતી પાકોમાં થતું મોટું નુકસાન છે, શેરડીનો પાક દક્ષિણ ગુજરાતમાં જીવાદોરી સમાન છે, દક્ષિણ ગુજરાતમાં મોટા વિસ્તારમાં ખેડૂતો દ્વારા શેરડીનું વાવેતર કરવામાં આવે છે જે થકી દક્ષિણ ગુજરાતમાં આવેલ સહકારી ખાંડ મંડળીઓને ક્ષમતા મુજબનો શેરડીનો જથ્થો પીલાણ માટે મળી રહે છે,

હાલની પરિસ્થિતિમાં શેરડીના પાકમાં ડુક્કરને કારણે થતા ભયંકર નુકસાનને દિવસેને દિવસે ખેડૂતો શેરડી પાક બનાવવાથી વિમુખ થતા જાય છે. આ પરિસ્થિતિને કારણે સહકારી ખાંડ મંડળીઓને પણ પીલાણ ક્ષમતા મુજબ મળનાર શેરડીનો જથ્થો ઓછો થવાની સંભાવના ભવિષ્યમાં ઊભી થશે. ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ગંભીરતાથી પગલા ભરી ડુક્કરના નિયંત્રણ માટે પાયલોટ પ્રોજેક્ટ બનાવી અમલ કરવો જોઈએ જેથી ખેડૂતો શેરડીના પાક બનાવાથી વિમુખ ન થાય અને સહકારી ખાંડ મંડળીઓને પીલાણ માટે ક્ષમતા મુજબ શેરડીનો જથ્થો મળી રહે, આ મુજબની રજૂઆત તેમના દ્વારા કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને કરવામાં આવી છે.


Share to

You may have missed