બેફિકર ખાખી: દારૂ પકડાવવા મામલે કાર માલિક પર કાર્યવાહી નહિ કરવા PSI પોલીસ મથકમાં જ રૂ. 20 હજાર લેતા ઝડપાયો

Share toબેફિકર ખાખી: દારૂ પકડાવવા મામલે કાર માલિક પર કાર્યવાહી નહિ કરવા PSI પોલીસ મથકમાં જ રૂ. 20 હજાર લેતા ઝડપાયો
રાજ્યમાં ખોખલી દારૂબંધીના કારણે અનેક પોલીસવાળાઓ માટે ખીસ્સુ ગરમ કરવા માટેનો મોકો સમજી બેઠા છે. આવા જ પોલીસ જવાનોની પૈસા લાલસા પર થોભ લગાવવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ સતત પ્રયત્નશીલ રહે છે. આજે વડોદરા પાસે સાવલી પોલીસ મથકમાં જ દારૂ પકડાવવા મામલે કાર માલિક પર કાર્યવાહી નહિ કરવા માટે પૈસા લેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રંગેહાથ ઝડપાયા છે. જેને કારણે હવે પોલીસ જવાનો જ્યાંથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભળી રહ્યા છે, ત્યાં જ પૈસા લઇને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની બેફિકરાઇ ખુલ્લી પડી છે.


સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદીના પતિ નામે જયેશભાઇ જયંતિભાઇ મિસ્ત્રી મીકેનીક છે. ફરીયાદીના પતિએ એક સેકન્ડહેન્ડ સિલ્વર કલરની કાર પરિજન ભાવિનકુમાર મણીભાઇ સુથારના નામે લીધી હતી. ગાડીનું સ્ટેમ્પપેપર ઉપર લખાણ કરી નોટરી કરી ફરીયાદીના પતિના નામે કરાવવામાં આવી હતી. વર્ષ-2019 માં આર્થિક જરૂરીયાત ઉભી થતા કાર પવનભાઇ પંડીત પાસે રૂ. 1.20 લાખમાં ગીરવે મુકી હતી. આ પવનભાઇને ફરીયાદીના પતિએ લીધેલ નાણા ન આપી શકતા, પવનભાઇએ ગાડી સંજયભાઇ (રહે. લોટીયા ભાગોળ, આણંદ) નામના ઇસમને ગીરવે આપી દીધી હતી. આ ગાડી સાવલી ખાતે દારૂમાં પકડાતા સાવલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી ગાડી જેના નામે છે તેવા ભાવીનકુમાર મણીભાઇ સુથારની સાવલી પોલીસ સ્ટેશને 5, ઓગસ્ટ, 2023 રોજ અટકાયત કરવામાં આવી હતી. જે બાદ ગૌરાંગગીરી ગોસ્વામી મારફતે કેસની પતાવટ માટે અનાર્મ પીએસઆઇ ડી.એમ.વાંસદિયા, (રહે- સી.પી.આઇ. ક્વાટર્સની બાજુમાં પો.સ.ઇ ક્વાટર્સ સાવલી) (મુળ રહે. સાવા, તા.માંગરોળ જીલ્લો સુરત) સાથે રૂ. 35 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરીયાદી પી.એસ.આઇ ડી.એમ. વાંસદિયાને લાંચની રકમ રૂ. 35 હજાર આપવા માંગતા ના હોવાથી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.
જેથી ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન સાવલી પોલીસ સ્ટેશનમાં ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સાવલી પોલીસ મથકના પીએસઆઇ ડી.એમ.વાંસદિયા, જયેશભાઇ જયંતિભાઇ મિસ્ત્રી ઉર્ફે રાજુ પાસે કોમ્પ્યુટરના છેલ્લા ડ્રોવરમાં રૂ. 20 હજાર ફરીયાદીના પતિ સાથે આવેલ રાહુલ રમેશભાઇ સુથારના ઉર્ફે દેવો પાસે રૂબરૂ મુકાવી હતી. એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં પીએસઆઇ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. એસીબીની ટીમે લાંચિયા પીએસઆઇની અટકાયત કરીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટ : સુરેન્દ્રસિંહ ડી ચૌહાણ


Share to

You may have missed