ઝઘડિયા તાલુકાના સગીરા બળાત્કાર પ્રકરણમાં નવો વળાંક-સગીરાની બહેનની પણ આરોપી વિરુધ્ધ ફરિયાદ…

Share to

પરણેલો હોવા છતાં કુંવારો હોવાનું જણાવી સગીરાની મોટી બહેન સાથે પ્રેમ સંબંધ બાંધી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની સગીર વયની યુવતીને ઇકો ગાડીમાં શાળાએ મુકવા જતા તેણીના કહેવાતા બનેવીએ રસ્તામાં આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવા બાબતની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આ બળાત્કાર ઘટનામાં હાલ નવો વળાંક જોવા મળ્યો હતો. સગીરાની મોટી બહેને પણ આ સગીરા બળાત્કાર ઘટનાના કથિત આરોપી નેત્રંગ તાલુકાના સતિષ રાજુ વસાવા વિરુધ્ધ અવારનવાર બળાત્કાર કરી છ મહિનાની ગર્ભવતી બનાવી હોવા બાબતની પોલીસ ફરિયાદ લખાવી હતી. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાની સગીરા બળાત્કાર ઘટનાના કથિત આરોપી સતિષ વસાવાએ આજથી લગભગ એકાદ વર્ષ અગાઉ આ સગીરાની મોટી બહેનને તે પરણેલો અને એક સંતાનનો પિતા હોવા છતાં પોતે કુંવારો છે એમ જણાવીને સદર યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો, તેમજ છેલ્લા સાતેક મહિનાથી ઉપરોક્ત ઇસમે યુવતીના ઘરે રહીને તેના પર અવારનવાર બળાત્કાર ગુજારીને યુવતીને છ માસની ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ હાલમાં થોડા દિવસો પહેલા આ યુવતીની સગીર વયની નાની બહેન પર તેણીને શાળાએ મુકવા જતા રસ્તામાં બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આ સગીરાની તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. દરમિયાન આ ઘટના બાદ સગીરાની માતાએ ગત તા.૨૭ મી જુલાઇના રોજ નજીકના પોલીસ મથકે સતિષ રાજુ વસાવા વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી. આ ઘટના બાદ હાલમાં સગીરાની મોટી બહેને પણ સદર ઇસમ વિરુધ્ધ પોલીસ ફરિયાદ લખાવતા ચકચાર મચી જવા પામી હતી. એકજ પરિવારની બે સગી બહેનોને હવશનો શિકાર બનાવતા આ ઘટનાના આરોપીને સગીરાની માતાની ફરિયાદ બાદ થોડા દિવસ અગાઉ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધો હતો. આજે સ્ત્રીઓ પુરુષ સમોસડી બનીને દરેક ક્ષેત્રોમાં સફળ કામગીરી કરીને અગ્રેસર બની રહી છે, ત્યારે નારીને સન્માન આપવાની જગ્યાએ તેના પર આવા અત્યાચાર થાય તે બાબત સાચેજ શરમજનક ગણાય.


Share to