November 21, 2024

નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં કંરાઠા ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉજવણી કરાઈ

Share to



*નર્મદા જિલ્લાની દીકરીઓ નિર્ભિક, શિક્ષિત અને સશક્ત બનીને દેશના વિકાસમાં સિંહફાળો આપવા સક્ષમ :- ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ*

નર્મદા જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની સાપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસે નાંદોદ તાલુકાના પ્રાથમિક શાળા કંરાઠા ખાતે નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મહિલા સન્માન, સુરક્ષા, સલામતીને કેન્દ્રસ્થાને લઈને અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમ, ઝુંબેશો થકી મહિલા સશક્તિકરણની દિશામાં ખુબ સરાહનીય કામગીરી કરી છે.

સમાજની પ્રત્યેક મહિલાઓ પુરુષો સાથે ખભેખભા મેલાવીને સમાજ, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં સિંહફાળો આપવા સક્ષમ બની છે. નર્મદા જિલ્લાની દીકરીઓ પણ નિર્ભિક, શિક્ષિત અને સશક્ત બનીને દેશના વિકાસમાં સિંહફાળો આપે તેવી શુભેચ્છા પાઠવી દીકરીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ડો. દેશમુખના હસ્તે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જે.બી.પરમાર સહિત વિષય નિષ્ણાંતો દ્વારા ઘરેલું હિંસા, દહેજ પ્રતિબંધક કાયદો, ૧૮૧ અભયમની કામગીરી, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સુરક્ષા અંતર્ગત ગુડ ટચ બેડ ટચ સહિત સેલ્ફ ડિફેન્સ અંગે માહિતગાર કરીને મહિલા સુરક્ષા વિશેની વિસ્તૃત માહિતી આપીને ગ્રામજનો, મહિલાઓ-દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત આનંદ ઉલ્લાસભેર વાજતે ગાજતે થઈ હતી જ્યાં નાટક ટીમે મહિલાઓની સુરક્ષા અને સલામતી સહિત સ્થાનિક પ્રશાસન દ્વારા મળતી સેવાઓ અંગે નાટક થકી ગ્રામજનોને જાગૃત કર્યા હતા.

રાજ્ય સરકારે ‘નારી વંદન ઉત્સવ’ થકી સમાજની મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને પોષણમાં સકારાત્મક બદલાવ લાવવા, સુરક્ષા પ્રદાન કરીને તેમના સર્વાંગી થકી દેશના વિકાસમાં સહભાગીદારી સુનિશ્ચિત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે.

આ કાયદાકીય લોકજાગૃતિ સેમિનાર પ્રસંગે કરાંઠા ગામના સરપંચશ્રી સપનાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના સભ્યશ્રી જયાબેન વસાવા, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હરેશભાઈ પટેલ, શી ટીમના એએસઆઈ શ્રી સોનિકાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસના કર્મચારીઓ ઉપરાંત ૧૮૧ અભયમ ટીમ, વન સ્ટોપ સેન્ટરની ટીમ, મહિલાઓ-દીકરીઓ, બાળકો સહિત ગ્રામજનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed