October 17, 2024

DCM શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર સાથે માતાઓ તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્ય માટે મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટની શરૂઆત કરવામાં આવી.

Share to

“”આ પ્રસંગે ફૂલવાડી ખાતે નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું.””

ભરૂચ જિલ્લા ના ઝગડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ફૂલવાડી ગામે નિર્મિત કોમ્યુનિટી હોલ તથા તાલુકામાં તમામ માતાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય માટે શરૂ કરવામાં આવેલ મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્યુનિટી હોલ અને મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટના લોકાર્પણ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એસ. દુલેરા, તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી.જે. મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, ડીસીએમ શ્રીરામ લિમિટેડ, ઝગડિયાના પ્રેસિડેન્ટ અને યુનિટ હેડ શ્રી બી.એમ. પટેલ, એચઆર હેડ શ્રી જયંતિ પરમાર, અધિકારીઓ, આસપાસના ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એસ. દુલેરા જણાવ્યું હતું કે, માતા અને બાળ મૃત્યુ દર એ દેશ તેમજ વૈશ્વિક સ્તરે એક ગંભીર સમસ્યા છે તથા તેના નિવારણ માટે વિવિધ યોજનાઓ બને છે, અન્ય માળખાઓ દ્વારા પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છતાં, હજી પણ માતા અને બાળ મૃત્યુ દર ઉંચો જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર સાથે મળી માતા-બાળકો અને કિશોરીઓના સ્વાસ્થ્ય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખુશાલી પહેલના ભાગ રૂપે આજ રોજ લોકાર્પિત થયેલ મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટ દ્વારા તાલુકાના તમામ ગામો માતા-બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃતિ, ચકાસણી, રેફરલ અને પરામર્શ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી.જે. મહેતા દ્વારા તાલુકા સ્તરે આરોગ્યની સ્થિતિને અનુસંધાને મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટની અગત્યતા વિષે માહિતી આપવામાં આવી હતી. ડીસીએમ શ્રીરામ લિમિટેડ, ઝગડિયાના પ્રેસિડેન્ટ અને યુનિટ હેડ બી.એમ. પટેલે જણાવ્યું હતું કે ગામમાં સમુદાયના સામાજિક-આર્થિક વિકાસ કેન્દ્રિત પ્રવૃત્તિઓ માટે ગ્રામ પંચાયતના સહયોગથી ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવેલ છે. આવનાર સમયમાં ગામના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને યુવાધન માટે વિવિધ તાલીમો, શિબિરો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન જેવી વિકાસકીય પ્રવૃત્તિઓથી આ કેન્દ્ર હંમેશા ધબકતું રહેશે. એચઆર હેડ શ્રી જયંતિ પરમારે જણાવ્યું હતું કે સામાજિક જવાબદારીના ભાગરૂપે સમુદાયના સર્વાંગી વિકાસ માટે ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમો અમલી કરવામાં આવેલ છે. જે અંતર્ગત શરુ કરવામાં આવેલ મોબાઈલ આરોગ્ય પરામર્શ યુનિટ દ્વારા સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે ગ્રામ્ય સ્તરે આરોગ્ય વિષયક સેવાઓ, માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ, ચકાસણી, જરૂરી દવાઓ, પરામર્શ અને અન્ય સંદર્ભ સેવાઓ પુરી પાડવામાં આવશે.


Share to

You may have missed