November 21, 2024

ઝગડીયા તાલુકાના રાજપારડી માધવપુરા ફાટકથી જીએમડીસી ને જોડતો રોડ બિસ્માર બનતા હાલાકી…

Share to

એકજ વર્ષમાં રોડ ના ગાબડા નીકળી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી બાબતે સવાલો ઉઠ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. રાજપારડી નજીક મુખ્ય ધોરીમાર્ગ પર માધવપુરા ફાટકથી જીએમડીસી કોલોની અને માઇન્સ તરફનો રોડ જાય છે. રાજપારડી જીએમડીસી ના આ માર્ગનું ગયા વર્ષે જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ માર્ગ તે સમયે બિસ્માર બની ગયો હતો અને માર્ગ વર્ષો બાદ નવો બનાવાયો હતો, પરંતું ત્યારબાદ હજુ એક વર્ષ જેટલોજ સમય વિત્યો હોવા છતાં માર્ગ બિસ્માર બની જતા લોકો અને વાહનચાલકો ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ નવો બનાવ્યા બાદ આટલા ટુંકા સમયમાં ગાબડા ઉખડી જતા હોય ત્યારે માર્ગ બનાવવાની કામગીરી સમયે કેવું અને કેટલું મટીરીયલ વપરાયું હશે એ બાબતે જનતામાં સવાલો ઉઠવા પામ્યા છે.

ઉલ્લેખનીય છેકે આ માર્ગ પર જીએમડીસી કોલોની થી થોડે દુર રાજપારડીનું નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ બનાવીને શરુ કરવામાં આવ્યું છે, ત્યારે વાહનચાલકો ઉપરાંત દવાખાને જતા દર્દીઓ માટે પણ દિવસેદિવસે બિસ્માર બનતો જતો આ માર્ગ હાલાકિનું કારણ બની રહ્યો છે. રાજપારડી માધવપુરા ફાટકથી જીએમડીસી એડમિન ઓફિસ સુધીનો આ ચાર કિલોમીટર જેટલો માર્ગ બિસ્માર બનતા સ્થાનિક ગ્રામજનો અને વાહનચલકોની મુશ્કેલી વધતા તેઓમાં રોષની લાગણી ફેલાવા પામી છે. હાલતો ચોમાસું શરુ થઇ ગયું છે ત્યારે માર્ગ પર પડેલ ગાબડા તાકીદે દુરસ્ત કરીને ચોમાસામાં પેદા થનાર સંભવિત સમસ્યાઓનું નિવારણ કરવા તંત્ર આગળ આવે તે ઇચ્છનીય છે. કોઇપણ સ્થળના વિકાસ અને સવલતો માટે રસ્તાઓનું મોટું મહત્વ હોય છે ત્યારે રસ્તા નવા બનાવાય ત્યારે જેતે કોન્ટ્રાક્ટરને રોડની ક્ષમતા અને ટકાઉપણું યોગ્ય સમય સુધી જળવાઇ રહે તેવી તાકીદ સાથેજ કોન્ટ્રાક્ટ અપાય તોજ આવી સમસ્યાઓ સર્જાતી અટકાવી શકાય.


Share to

You may have missed