November 21, 2024

ઝઘડિયાના ખાલક ગામે પ્રેમ સંબંધમાં પત્ની તરીકે સાથે રહેતી મહિલાની પતિ દ્વારા હત્યા

Share to

આડા સંબંધના વહેમમાં પતિ દ્વારા ધારદાર હથિયારથી માર મારતા મહિલાનું મોત થયું હોવાની ફરિયાદ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખાલક ગામે પ્રેમ સંબંધમાં પ્રેમી સાથે પત્ની તરીકે રહેતી ૫૨ વર્ષીય મહિલાની તેના પતિએ આડા સંબંધના વહેમમાં ધારદાર હથિયારથી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાની ફરિયાદ ઉમલ્લા પોલીસમાં લખાવા પામી છે. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ખાલક કંપની ગામની મંજુલાબેન વસાવા નામની આ મહિલાના પહેલા લગ્ન મહેસાણાના ભીખાભાઇ પટેલ નામના ઇસમ સાથે થયા હતા.

આ લગ્નજીવન દરમિયાન મંજુલા પાંચ સંતાનોની માતા બની હતી. દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી મંજુલા તેના પતિથી અલગ થઇને ખાલક ગામે રહેતા સુરેશભાઇ સરાધભાઇ વસાવા સાથે પ્રેમ સંબંધમાં પત્ની તરીકે તેની સાથે રહેતી હતી. ગત તા.૨૦ મીના રોજ સવારના આઠ વાગ્યે મંજુલા તેના ભાઇના ઘરે આવી હતી, અને ભાઇઓને જણાવ્યું હતુંકે તેનો પતિ સુરેશ તેના પર આડા સંબંધનો વહેમ રાખીને મારઝુડ કરે છે. તેને લઇને તે પિયર આવતી રહી હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ તા.૨૧ મીએ સાંજના છ વાગ્યાના અરસામાં મંજુલાનો પતિ સુરેશ ત્યાં આવીને મંજુલાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને તેની સાથે તેના ઘેર લઇ ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે મંજુલાના ભાઇઓને જાણ થઇ હતી કે સુરેશ મંજુલાને મારઝુડ કરીને ઉમલ્લા તરફ નાશી ગયો છે. મંજુલાના ભાઇઓ સોમાભાઇ વસાવા અને બાબુભાઇ વસાવા બન્ને મંજુલાના ઘેર ગયા હતા.

ત્યાં જતા જોવા મળ્યું હતુકે મંજુલાને ખાટલામાં સુવડાવેલી હતી, અને ઘરમાં લોહીના ધબ્બા પડેલા હતા. મંજુલાને શરીરના વિવિધ ભાગો પર કોઇ ધારદાર હથિયારથી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને મંજુલા સ્થળ પરજ મરણ પામેલ હતી. ઘટના સંદર્ભે મંજુલાના ભાઇ બાબુભાઇ મુસાભાઇ વસાવા રહે.ખાલક કંપની તા.ઝઘડિયાનાએ મંજુલાના પતિ સુરેશભાઇ સરાધભાઇ વસાવા રહે.ગામ ખાલક તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.


Share to

You may have missed