કોરોના કેસમાં ૪૬% નો થયો ઉછાળો, લોકોને સતર્ક રહેવા કેન્દ્ર અને રાજ્ય સરકારોની અપીલ

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૫
દેશમાં કોરોના વાયરસ ફરી માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કેસમાં ૪૬ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪૩૫ કેસ સામે આવ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયના આંકડા કહી રહ્યા છે. નવા કેસ બાદ હવે કુલ કેસની સંખ્યા ૪૪,૭૩૩,૭૧૯ જેટલી થઈ ગઈ છે. આંકડા પરથી જણાય છે કે, મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે. મહારાષ્ટ્રમાં ૧૮૬ ટકાનો ઉછાળો જાેવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં પણ કેસ વધ્યા છે. જેથી સરકારે લોકોને સાવધાન રહેવા અપીલ કરે છે. અગાઉના ૨૪ કલાકમાં ૩૦૩૮ કેસ નોંધાયા હતા. નવા આંકડા મુજબ રિકવર થયેલા કેસોની કુલ સંખ્યા ૪૪,૧૭૯,૭૧૨ છે, જે કુલ સંખ્યાના ૯૮.૭૬ ટકા છે. બીજી તરફ કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ૫૩૦,૯૧૬ (૧.૧૯%) લોકોએ જીવ ગુમાવ્યા છે. તો હાલ એક્ટિવ કેસની સંખ્યા ૨૩,૦૯૧ (૦.૦૫%) છે. દેશમાં રસીકરણ અભિયાન ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીએ શરૂ થયું હતું. ત્યારબાદ અત્યાર સુધીમાં કોવિડ રસીના ૨.૨ અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાશિના ૧૯૭૯ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના કેસમાં વધારો ચિંતાજનક છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં આગલા દિવસની તુલનામાં ૧૮૬% વધુ કેસ નોંધાયા છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. મહારાષ્ટ્રમાં ૭૧૦થી વધુ લોકો ચેપનો ભોગ બન્યા છે. દિલ્હીમાં પણ સ્થિતિ ગંભીર થઈ શકે છે. ત્યાં ૫૨૧ નવા કેસ નોંધાયા છે. પંજાબમાં પણ ફરી એકવાર કોરોનાની અસર દેખાવા લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં પંજાબના આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યું છે કે હોશિયારપુર અને જલંધરમાં કોરોનાને કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે ૩૮ નવા કેસ નોંધાયા છે. વધતા કેસના પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.


Share to