DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઑફ લૉ આયોજિત કૉન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

Share to


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાશક્તિને ન્યૂ એજ વોટર નહિ ન્યૂ એજ પાવર બનાવવાની ખેવના રાખી છે ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મૉડલ યુનાઇટેડ નેશન્સ ૨.૦ વિષય પર યોજાઈ બે દિવસીય કૉન્ફરન્સ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે,
◆ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે
◆ વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકા અને સ્થાન મજબૂત બન્યા છે
◆ આ કોન્ફરન્સ ઉન્નત ભારતના નિર્માણમાં ઉદ્દીપક બનશે
◆ યુવા પેઢીનો રાજકારણ તથા વૈશ્વિક પ્રવાહો પ્રત્યે જાેવાનો અભિગમ બદલાયો છે

(ડી.એન.એસ),તા.૦૪
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઑફ લૉ દ્વારા આયોજિત મોડલ યુનાઇટેડ નેશન્સ ૨.૦ કૉન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાશક્તિને ન્યૂ એજ વોટર નહિ ન્યૂ એજ પાવર બનાવવાની ખેવના રાખી છે. યુવાનોની પ્રતિભા વિકસાવવા માટેના મંચ પૂરા પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યુથ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મૉડલ યુનાઇટેડ નેશન્સ ૨.૦ વિષય પર યોજાઈ રહેલી બે દિવસીય કૉન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકા અને સ્થાન મજબૂત બન્યા છે. યુ.એન જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર વડાપ્રધાનશ્રીની પહેલથી વિશ્વ યોગ દિવસ મનાવવાનું શરૂ થયું અને ૨૦૨૩નું વર્ષ મિલેટ્‌સ યર તરીકે ઊજવાઈ રહ્યું છે. મહાસત્તાઓ માટે પણ ભારતનો દૃષ્ટિકોણ મહત્ત્વપૂર્ણ બન્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારત આજે જી-૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે. પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે નામના ધરાવતા આપણા રાજ્યને જી-૨૦ની ૧૫ જેટલી બેઠકોની યજમાની કરવાની તક મળી છે, એ ગૌરવની વાત છે.
છેલ્લાં ૯ વર્ષમાં યુવા પેઢીનો રાજકારણ તથા વૈશ્વિક પ્રવાહો પ્રત્યે જાેવાનો અભિગમ બદલાયો છે, એમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે યુવાનોને વિશ્વના પ્રવર્તમાન પ્રવાહોને સુસંગત અને વધુ સજ્જ બનાવવા આ કોન્ફરન્સ સક્ષમ પ્લેટફોર્મ બની રહેશે તથા આ કોન્ફરન્સ ઉન્નત ભારતના નિર્માણમાં ઉદ્દીપક બનશે એવી આશા છે.
ઉદઘાટન સમારંભમાં નિરમા યુનિવર્સિટીના મોભી કરશનભાઈ પટેલ, નિરમા યુનિવર્સિટીના ઉપપ્રમુખ કે. કે. પટેલ, ડિરેકટર જનરલ અનુપસિંહ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ લૉ ના વડા પ્રો. ડૉ. મધુરી પરીખ ઉપરાંત ફેકલ્ટી મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed