ભાજપના ૪૩માં સ્થાપના દિનની ઉજવણી ૬થી ૧૪ એપ્રિલ સુધીના સમયગાળામાં ચાલશે

Share to


(ડી.એન.એસ)ગાંધીનગર,તા.૦૪
ભારતીય જનતા પાર્ટીએ તેના ૪૩માં સ્થાપના દિનની ગુજરાત સહિત દેશભરમાં ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ખાસ કરીને આગામી લોસભા ચૂંટણી ૨૦૨૪ને અનુલક્ષીને ચાલી રહેલી તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ૧૪ એપ્રિલે આંબેડકર જયંતી સુધી ઉજવણીના વિવિધ કાર્યક્રમો તૈયાર કર્યા છે. આ વખતે ગરીબો, વંચિતો, દલિત અને આદિવાસી સમાજ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને પહોંચાડવા માટેના વિશેષ કાર્યક્રમો સામેલ કરાયા છે. સ્થાપના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી મુખ્યાલયથી દેશભરના કાર્યકરોને સંબોધન કરશે. ભાજપ દ્વારા બૂથસ્તરે વ્યાપક રીતે કાર્યકરો સાંભળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તે દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેઓ ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિનની ઉજવણી તેમજ સાળંગપુર ખાતે હનુમાનજીની પ્રતિમાના લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાષ્ટ્રીય સ્તરેથી તૈયાર થયેલા કાર્યક્રમો મુજબ ભાજપ હાલ દેશમાં સૌથી વધુ સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ધરાવતી પાર્ટી છે તથા સૌથી વધુ રાજ્યોમાં સત્તા ધરાવતી પાર્ટી છે. આ સંજાેગોમાં ૬ એપ્રિલે સ્થાપના દિને ભાજપ દ્વારા દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી લોકસંપર્ક, લોકભાગીદારીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એમાં પ્રત્યેક બૂથ પ્રમુખના ઘરે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવશે. એક સપ્તાહથી વધુ સમય સુધી વિવિધ જનહિતના કાર્યક્રમો, રેલીઓના આયોજન વિવિધ મોરચા દ્વારા થશે. ૧૪ એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંડેકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા, રેલીઓના કાર્યક્રમ પણ યોજાશે. એટલું જ નહીં, આ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજવા ઉપરાંત કેન્દ્ર અને રાજ્યની દલિત ઉત્થાન માટેની યોજનાઓ પર ચર્ચાઓ, લાભો પહોંચાડવા માટે જનસંપર્ક અભિયાન વગેરે યોજાશે. આ દરમિયાન ૧૧ એપ્રિલના રોજ દલિત સમાજ સુધારક અને શિક્ષણ માટે પ્રયાસો કરનાર જ્યોતિબા ફુલે જયંતી નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. મહાનગરો અને જિલ્લા, તાલુકાઓમાં યોજાનારા કાર્યક્રમોમાં જનપ્રતિનિધિઓને ખાસ ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી હનુમાન જયંતી નિમિત્તે જગ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન દાદાના મંદિર પરિસરમાં રૂ.૫૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી પંચધાતુની ૫૪ ફૂટ ઊંચી હનુમાન દાદાની પ્રતિમાનું ૬ એપ્રિલે લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે થશે. સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે તૈયાર કરાયેલા હાઇટેક ભોજનાલયનું પણ આ દિવસે લોકાર્પણ થવાનું છે. ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાને તેના બેઝ ઉપર ઊભી કરવાની કામગીરી હરિયાણાના માનેસરથી સાળંગપુર લાવીને પૂર્ણ કરી દેવાઇ છે.


Share to