દક્ષિણ ગુજરાત ઝોનના મીડિયાકર્મીઓ તથા માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારી/કર્મચારીઓ જોડાયા :
તજજ્ઞોએ યોગ્ય જીવનશૈલી સાથે વહેલુ નિદાન અને યોગ્ય સારવારની કરી હિમાયત :
રાજપીપલા, મંગળવારઃ-કોરોના સામે જંગ લડી રહેલા સમાજમા વ્યાપ્ત ‘કેન્સર’ જેવી જીવલેણ અને ખર્ચાળ બીમારી સામે લોકોમાં વિશેષ જાગૃતિ કેળવવા માટે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને દક્ષિણ ગુજરાત ઝોનની પ્રાદેશિક માહિતી કચેરી, સુરત દ્વારા ‘કેન્સર સામે સતર્કતા’ વિશે માહિતી સભર પરિસંવાદ નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે યોજાયો હતો.
છેલ્લા દોઢ વર્ષથી ‘કોરોના’ સામે બાથ ભીડતા ભીડતા તેના વિશેની સંપૂર્ણ જાણકારી સમાજના પ્રત્યેક વર્ગના લોકોને થઈ ચૂકી છે. ત્યારે દેશમા પ્રતિ વર્ષ અંદાજીત ૧૧ લાખ જેટલા ‘કેન્સર’ના નવા કેસો સામે સાતેક લાખ જેટલા માનવ મૃત્યુ એ ચિંતાનો વિષય છે તેમ જણાવતા ‘નિરાલી હોસ્પિટલ પરિવાર’ના ડો.ચિંતન દ્વિવેદીએ દેશમાં પ્રત્યેક પાંચ મિનિટે ગર્ભાશયના મુખના કેન્સરને કારણે એક મહિલા મૃત્યુ પામે છે. જયારે મોઢાના કેન્સરને કારણે દરરોજ ૩૫૦૦ જેટલા પુરુષો પણ મોતને ભેટતા હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
કેન્સરની ઉપયોગી જાણકારી આપતા ડો.દ્વિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, માનવની આજની ઝડપી જીવનશૈલીને કારણે માનવીમાં શારિરિક પ્રવૃત્તિના અભાવને કારણે કેન્સરના રોગ તરફ ધકેલાઈ રહ્યા છે. આગામી પાંચ થી દસ વર્ષોમા દેશમા પ્રત્યેક દસ વ્યક્તિએ એક વ્યક્તિ કેન્સર ગ્રસ્ત હશે તેવી દહેશત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ વ્યક્ત કરી છે તેમ જણાવ્યુ હતુ. ડો.દ્વિવેદી એ ‘નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ’ ની વિગતો સાથે વહેલુ નિદાન-યોગ્ય સારવાર વ્યક્તિને ‘કેન્સર’થી બચાવી શકે છે તેમ પણ ઉમેર્યું હતુ. આ તકે તેમણે નિરાલી કેન્સર હોસ્પિટલ દ્વારા કેન્સર વિશે આપવામાં આવતી વિવિધ સારવારની વિગતો આપી હતી.
નિરાલી હોસ્પિટલના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો.હરીશ વર્માએ કેન્સર થવાના કારણો, અને તેની સારવાર પદ્ધતિ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, વિશ્વમાં ૨૦૧૨ના વર્ષમાં ૧૪૧ લાખ, ૨૦૧૮ના વર્ષમાં ૧૮૦ લાખ કેન્સરના દર્દીઓ હતા જે આગામી ૨૦૪૦ના વર્ષમાં વધીને ૨૯૫ લાખ થવાનો અંદાજ છે. જેથી તેની સામે સતર્કતા સાથે સાવધાની રાખવી જરૂરી છે. સામાન્ય રીતે કોમન કેન્સર, ઓરલ કેન્સર અને સર્વાઈકલ કેન્સર જેવા ત્રણ પ્રકારના કેન્સર વધુ જોવા મળે છે. કેન્સર થવાના કારણો વિશે જણાવ્યું કે, લાઈફ સ્ટાઈલમાં બદલાવ, તમાકુ, આલ્કોહોલ, ગુટખા, સ્મોકિંગ જેવા વ્યસનો જવાબદાર છે. કેન્સરથી કેવી રીતે બચી શકાય તે વિશે જણાવતા ડોકટર વર્માએ જણાવ્યું કે, નિયમિત ૩૦ મિનિટ એક્સાઈઝ, હેલ્થી ઓઈલ, ભોજનમાં પ્રોટીન તથા ફ્રુળનો વધુ ઉપયોગ કરવાની હિમાયત તેમણે કરી હતી. કેન્સરના લક્ષણો વિશેની વિગતો આપતા જણાવ્યું હતું કે, શરીરમાં કોઈ ભાગમાં ગાંઠ થવી, અચાનક વજનમાં ધટાડો થવો, મોઢામાં લાબા સમયથી ચાંદી સારી ન થવી, લાંબા સમયથી અવાજમાં બદલાવ આવવો, શરીરમાં કોઈ પણ ભાગમાંથી લોહી પડવુ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તેનુ નિદાન કરાવવા ડો. શર્માએ અનુરોધ કર્યો હતો.
આ અવસરે હોસ્પિટલના રેડિએશન ઓન્કોલોજીના ડો.એચ.એસ.સચીને કેન્સર રોગમાં આપવામાં આવતી રેડિએશન, કિમોથેરાપીની સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ તેની આડઅસરો નહિવત થાય તે રીતની સારવાર અંગેની જાણકારી આપી હતી.
નવસારીની નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે આયોજિત ‘કેન્સર સામે સતર્કતા’ વિષયક સેમિનારમા શાબ્દિક સ્વાગત કરતા શ્રી દક્ષિણ ગુજરાત ઝોના સંયુકત માહિતી નિયામકશ્રી રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જનજાગૃતિ કેળવવા માટેના પ્રેસ અકાદમી દ્વારા દર વર્ષે શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે ‘કેન્સર’ જેવા રોગ સામે કેવી રીતે સતર્કતા સાથે સાવધ રહીને માનવમૃત્યુ રોકવાના આ પ્રયાસમા સહયોગી બનવાની સૌને હિમાયત કરી હતી. વધુમા; તેમણે ‘કેન્સર’ જેવી બિમારીઓથી છુટકારો મેળવવા માટે યોગ્ય જીવનશૈલી કેળવવાની પણ અપીલ કરી હતી.
નિરાલી કેન્સર હોસ્પિટલના કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત સેમિનારમા ઉદઘોષક તરીકે જલાલપોર તાલુકાના તાલુકા પ્રાથમિક અધિકારી શ્રી મુકેશ ચૌધરીએ સેવા આપી હતી. કાર્યક્રમનુ આયોજન, વ્યવસ્થા જિલ્લા માહિતી કચેરી, નવસારીની ટિમ દ્વારા કરાયુ હતુ. સેમિનારમાં દક્ષિણ ગુજરાત ઝોનના માહિતી વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સહિત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આભારવિધિ નવસારી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી રાજ જેઠવાએ આટોપી હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો