ટીબીના એક દર્દીના સારવાર માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧ લાખનો કરાતો ખર્ચ ટીબીના દર્દીઓને મોરલ સપોર્ટ આપશે ટીબી ચેમ્પિયન ટીબી મિત્ર તરીકે જોડાવવા આહવાન: જિલ્લામાં ટીબીના દર્દીઓના પોષણ માટે ૧૫૮ નીક્ષય મિત્ર આગળ આવ્યાં ટીબીને હરાવવામાં વહેલુ નિદાન કારગર, ડોક્ટર સલાહનુસાર નિયમિત દવા લેવાથી ટીબીને મ્હાત આપી શકાય છે
જૂનાગઢ તા.૨૩ એક સમયે અસાધ્ય ગણાતો ટીબી રોગ આજે આધુનિક સારવાર પદ્ધતિ અને દવાના લીધે સાધ્ય બન્યો છે. પરંતુ આજે પણ દુનિયાના ચાર ટીબીના દર્દીએ ભારતનો એક દર્દી છે ત્યારે આ સ્થિતિમાંથી દેશને બહાર લાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટીબી મુક્ત ભારતનું આહવાન કર્યું છે. સાથે જ ટીબીના રોગ વિશે એક વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે વિશ્વ ટીબી દિવસથી એક અભિયાન શરૂ કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં ૧૬૧૧ જેટલા ટીબીના કેસ નોંધાયા હતા. જેમાં યોગ્ય સારવાર પરિણામે ૧૪૦૦ જેટલા દર્દીઓને ટીબીને હરાવીને સંપૂર્ણ સ્વસ્થ્ય બન્યાં છે. આમ, જિલ્લામાં ૯૩ ટકા જેટલો સકસેસ રેટ જોવા મળી રહ્યો છે. આ ટીબીના એક દર્દીને સાજો કરવા માટે છ મહિનાના કોર્સ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર રૂ.૧ લાખનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વ ટીબી દિવસના પૂર્વ દિવસે માધ્યમ કર્મીઓ સાથેના પરિસંવાદમાં જિલ્લા ટીબી અધિકારી શ્રી ચંદ્રેશ વ્યાસે ટીબીના લક્ષણો, સારવાર, નિદાન વગેરેની વિગતવાર જાણકારી આપતા કહ્યું કે, જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા ટીબીના દર્દીની ઓળખ કરવા અને ટીબીગ્રસ્ત લોકોની સારવાર માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ અને આશા બહેનો દ્વારા સતત ટીબીના દર્દીઓનું મોનિટરિંગ-ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આમ, આ સઘન પ્રયાસોથી જિલ્લામાં અંદાજે 30 ટકા જેટલા દર્દીઓ ઘટ્યા છે.
ટીબી મુક્ત ભારતના નિર્માણ માટે વિશ્વ ટીવી દિવસ એટલે કે તા.૨૪ માર્ચથી જૂનાગઢ જિલ્લામાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં જિલ્લાના ૫૦૨ ગાંમડાઓને જોડવામાં આવશે. ગૂગલ મીટના માધ્યમથી ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને અન્ય આગેવાનોના માધ્યમથી એક વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે દિશામાં કામ કરવામાં આવશે.
કોઈ પણ રોગમાંથી બહાર આવવા માટે વહેલું નિદાન ખૂબ જરૂરી હોય છે. તેમ આ જાગૃતિ અભિયાનના માધ્યમથી શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ થાય અને તેના દર્દીઓનુ યોગ્ય નિદાન, તપાસ સારવારના આધારે ટીબી રોગમાંથી મુક્ત અપાવી શકાય. સાથે જ ટીબીની દર્દીએ ડોક્ટર સલાહ મુજબ નિયમિત દવા લેવી ખૂબ આવશ્યક છે. અન્યથા ટીબીમાંથી મુક્તિ મેળવવી મુશ્કેલરૂપ બની જાય છે.
આ પરિસંવાદમાં શહેર ટીબી અધિકારી શ્રી પાંડે, મેડિકલ ઓફિસર ડો. કૌશલ નિમાવત, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર શ્રી પીયુષ ચુડાસમા અને જૂનાગઢના પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોશ્રીઓ સહભાીગ થયા હતા.
ફ્લુ-ન્યુમોનીયાના દર્દી ટીબીના દર્દીમાં પરિવર્તિત થઈ શકે
જો, યોગ્ય કાળજી અને સારવાર ન લેવામાં આવે તો ફ્લુ-ન્યુમોનીયાના દર્દીઓ ટીબીના દર્દીમાં પરિવર્તિત થઈ શકે છે. દર્દીને ૫ થી ૭ દિવસ સુધી ફ્લુના લક્ષણો રહ્યા બાદ તે દર્દીને ન્યુમોનીયા સંભાવના રહે છે. આમ, આ સ્ટેજમાં યોગ્ય સારવાર ન લેવામાં આવે તો દર્દીને ટીબી થવાનુ જોખમ વધી જાય છે. તેમ ડો. ચંદ્રેશ વ્યાસે જણાવ્યું હતું.
ટીબીના દર્દીઓને મોરલ સપોર્ટ આપશે ટીબી ચેમ્પિયન
ટીબીના દર્દીઓ નિયમિત દવા લે તે ખૂબ આવશ્ય છે સાથે જ તેમને એક મોરલ સપોર્ટની ખૂબ જરૂર હોય છે. જેથી ભૂતકાળમાં જે ટીબીને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોય તે લોકો ટીબીના દર્દીઓને એક મોરલ સપોર્ટ આપવાનુ કામ કરશે. જેને ટીબી ચેમ્પિયન તરીકેની ઓળખ આપવામાં આવી છે. આમ, આ ટીબી ચેમ્પિયન એક રીતે ટીબીથી સ્વસ્થ થવાનુ માટેનુ પ્રેરકબળ પૂરુ પાડશે.
ટીબીગ્રસ્તના પરિવારને ચેપથી બચાવવા ટીપીટી થેરાપી
ટીબી હવામાં ફેલાતો રોગ છે એટલે સ્વભાવિક ટીબીના દર્દીના સંપર્કમાં આવેલા દર્દીઓને ટીબી થવાની સંભાવના રહેલી હોય છે. જેમાં ખાસ કરીને ટીબીના દર્દીના ઘર-પરિવારના લોકોને ટીબીનો ચેપ ન લાગે તે માટે ટીબી પ્રેવેન્ટીવ થેરાપી આપવામાં આવે છે. જેમાં દર અઠવાડિયે દવાનો એક ડોઝ આપવામાં આવે છે. જેવા કુલ-૧૨ ડોઝ આપવામાં આવે છે. જેથી ટીબી થવાની સંભાવના નહિવત રહે છે. આ દવાના ડોઝ વિનામૂલ્યે આપવામાં આવે છે.
રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય ત્યારે ટીબી થવાની શક્યાતા વધી જાય છે
ટીબી કઈ પણ વ્યકિતને થઈ શકે છે. પણ ખાસ કરીને જ્યારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે ટીબી થવાની શક્યાતા વધી જાય છે. કુપોષણતા, ડાયાબીટીસ, એચઆઈવી ચેપ ધરાવતા, વ્યસન, ધુમ્રપાન, તમાકુ અને દારૂનુ સેવન કરતાં લોકોને ટીબી થવાનુ જોખમ વધી જાય છે. સાથે જ પૌષ્ટિક આહાર ન લેતા હોય તેવા લોકોને થવાની શક્યતા વધી જાય છે.
મલ્ટીડ્રગ રેસીસ્ટન્ટ ટીબી-વણસેલો ટીબીરોગ શું છે ?
ટીબીનાં દર્દી કે જેઓ પ્રથમ લાઈનની દવાઓ જેવી કે, રીફામપીસીન અને આઈસોનીએઝાઈડ પ્રકારની દવાઓની દર્દી પર જ્યારે બિનઅસરકારકતા જણાય તેવા દર્દીને મલ્ટી ડ્રગ રેસીસ્ટન્ટ ટીબી એટલે કે, વણસેલો ટીબી કહેવામાં આવે છે અને તેની સારવાર પણ દરેક જિલ્લામાં ઉપલબ્ધ છે.
નીક્ષય પોષણ યોજના
ભારત સરકાર દ્વારા ટીબીના તમામ દર્દીઓને સારવાર ચાલુ હોય ત્યાં સુધી નીક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર માસે રૂ. ૫૦૦ ચૂકવવામાં આવે છે. જૂનાગઢમાં વર્ષ-૨૦૨૨માં ૯૦૮ જેટલા દર્દીઓને નિક્ષય સહાય યોજના અંતર્ગત માસિક રૂ. ૫૦૦ નો લાભ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે. તેમજ વૈદકીય સહાય યોજના અંતર્ગત પણ માસિક રૂ. ૫૦૦ તેમના બેંક ખાતામાં ચુકવવામાં આવે છે.
એક આગવી પહેલ: નીક્ષય મિત્ર
ટીબી રોગમાંથી બહાર આવવા માટે ન્યુટ્રીશન એટલે કે, પોષણ ખૂબ જરૂરી છે. ટીબીના દર્દીઓને પુરતુ પોષણ મળી રહે તે માટે સમાજના સેવાભાવી લોકો, સંસ્થાઓ, રાજકીય હોદેદારો, આરોગ્ય કર્મચારી વગેરેનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” (PMTBMBA) અંતર્ગત જૂનાગઢ જીલ્લામાં કુલ ૧૫૮ નીક્ષય મિત્ર નોંધાયેલા છે. આ તમામ ૧૫૮ નીક્ષય મિત્ર દ્વારા અત્યાર સુધીમાં ટીબી ના દર્દીઓને ૧૧૩૧ જેવી પોષણ આહારની કીટ (અંદાજીત રૂ. ૬૦૦/-) આપવામાં આવી છે. જેથી ટીબીની સારવાર દરમ્યાન દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને દર્દી સંપૂર્ણ સાજો થાય શકે. નજીકનાં આરોગ્ય કેન્દ્ર –કર્મચારી અથવા જીલ્લા ક્ષય કેન્દ્ર (મો. ૭૫૯૭૮૮૪૯૯૯) નો સંપર્ક કરી નીક્ષય મિત્ર તરીકે જોડાઈ શકાય છે.
ક્ષયરોગ અટકાવવાનાં ઉપાય
ક્ષય રોગ અટકાવવાનાં માટેનાં ઉપાયમાં દરેક બાળકને જન્મ સાથે બીસીજીની રસી અચુકપણે મુકાવી જોઈએ. જે ગંભીર પ્રકારના બાળ ટીબીને અટકાવે છે. જે લોકોને ટીબીનાં શંકાસ્પદ ચિન્હો જણાય તો બે ગળફાની તપાસ અને જરૂર પડે એકસરે તપાસ કરી નિદાન કરાવવું જોઈએ. ટીબી જણાય તો નિયત સમયની ટીબીની સારવારપુરી કરવી. જનભાગીદારી અને શિક્ષણ દ્વારા લોકોનો સાથ-સહકાર મેળવી લોકોને આરોગ્ય શિક્ષણ દ્વારા ટીબીના લક્ષણો જણાય તો વહેલું નિદાન કરાવે અને ટીબી જણાયે નિયત સારવાર પુરી કરવી આવશ્યક છે. ડૉકટરની સલાહ મુજબની સંપૂણ અને પુરી સારવારથી ટીબી ચોક્કસ મટી શકે છે. સાથે પૌષ્ટિક આહાર લેવા અને તમાકુ, ધુમ્રપાન અને દારૂના વ્યસનથી દુર રેહવું.
ક્ષય રોગનો ફેલાવો અને લક્ષણો
ક્ષય (ટીબી) રોગ એ માઈક્રોબેકટેરીયમ ટ્યુબરક્યુલોસીસ નામના અતિ સૂક્ષ્મ જીવાણું (બેકટેરીયા) થી થતો અત્યંત ચેપીરોગ છે. ટીબીના બેક્ટેરિયા (ચેપ) ધરાવતો વ્યક્તિ જ્યારે બોલે, છીંક કે ઉધરસ ખાય છે ત્યારે બેક્ટેરિયા હવામાં આવે છે અને બિન ચેપી વ્યક્તિ જ્યારે શ્વાસ લે છે ત્યારે તેને ચેપ લાગે છે. આ રીતે હવાના માધ્યમ દ્વારા ફેલાતો રોગ છે ક્ષય (ટીબી) રોગ મુખ્યત્વે ફેફસાને અસર કરે છે તદઉપરાંત આ રોગ નખ અને વાળ સિવાય શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે.
ફેંફસાના ક્ષય રોગના શંકાસ્પદ ચિન્હોમાં બે અઠવાડિયા કે વધુ સમયથી ઉધરસ હોવી, અઠવાડિયાથી સાંજના સમયે જીણો તાવ આવવો, ગળફામાં લોહી આવવું, રાતના સમયે પરસેવો થવો, વજન ઘટવુ.અને ભૂખ ન લાગવી જોવા લક્ષણો જોવા મળે છે.
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ સુવિધા
જૂનાગઢ જિલ્લામાં એક જિલ્લા ક્ષય કેન્દ્ર અને દરેક તાલુકા હેલ્થ ઓફીસ ખાતે ટીબી યુનીટ બનાવવામાં આવ્યાં છે. જનરલ હોસ્પિટલ, તમામ સામુહીક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પર ગળફા નિદાન કેન્દ્ર (ડીએમસી) આવેલ છે. કુલ ૫0 ગળફા નિદાન કેન્દ્ર (ડીએમસી) જૂનાગઢ જિલ્લામાં કાર્યરત છે અને દરેક ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાંથી ટીબીનાં શંકાસ્પદ ઓળખી નિદાન માટે ઉક્ત કેન્દ્રો પર મોકલવામાં આવે છે. આમ, ટીબીનું નિદાન અને સારવાર વિનામુલ્યે કરવામાં આવે છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.