November 22, 2024
Share to

પોલીસે કુલ રૂ.૧૬ લાખ ૯૦ હજારનો મુદ્દામાલ કબજે લઇને ચાર ઇસમો સામે ગુનો નોંધ્યો

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પોલીસે ૯ જેટલી ભેંસોને લઇ જતી એક ટ્રક પકડીને આ ગુના હેઠળ કુલ ચાર ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. રાજપારડી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતીકે ભાલોદ તરફથી એક ટ્રક ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને આવે છે. પોલીસે રાજપારડીથી ભાલોદ જવાના રસ્તા પર આવેલ માધુમતિ નદીના નાળા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને રોકીને તપાસ કરતા ટ્રકમાં ભેંસો ભરેલ જણાઇ હતી. ટ્રકમાં ભેંસોને હવા ઉજાશ ના મળે તેમ બાંધેલી હતી. તેમજ પશુઓ માટે ઘાસચારાની કે પાણીની કોઇ સગવડ રાખેલી નહતી. ટ્રક ડ્રાઇવરનું નામ પુછતા તેનું નામ મુસરાન ફકીરા મુલ્તાની હોવાનું જણાવ્યું હતું.

આ ભેંસો મહારાષ્ટ્ર ખાતે લઇ જવાની હતી. તપાસ દરમિયાન ભેંસો લઇ જવા માટેની કોઇ પાસ પરમીટ મળી નહતી. ગાડીના માલિક મહંમદભાઇ માનસાભાઇ મુલ્તાનીએ જણાવ્યું હતુંકે તરસાલી ખાતે રહેતા મકદુમભાઇ પાસેથી આ ભેંસો ભરીને નેત્રંગ થઇ મહારાષ્ટ્ર લઇ જવાની હતી. રાજ્યમાંથી ભેંસો તેમજ દુધાળા પશુઓની રાજ્ય બહાર નિકાસ બંધ હોવાથી રાજ્ય સરકારની મંજુરી મેળવીને રાજ્ય બહાર પશુઓ લઇ જવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરુરી હોવા છતાં તેવું કોઇ પ્રમાણપત્ર પણ મળ્યું નહતું. પોલીસે ટ્રકમાં લઇ જવાતી કુલ નવ નંગ ભેંસ જેની કિંમત રૂ.૧,૮૦,૦૦૦, ટ્રકની કિંમત રૂ.૧૫ લાખ તેમજ બે મોબાઇલ કિંમત રૂ.૧૦ હજાર મળીને કુલ રૂ.૧૬,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને મુસરાન ફકીરા મુલ્તાની રહે. ઝંખવાવ જિ. સુરત, અમનભાઇ અજીતભાઇ મુલ્તાની રહે. ઝંખવાવ જિ. સુરત, મહંમદભાઇ માનસાભાઇ મુલ્તાની રહે. ઝંખવાવ જિ.સુરત તેમજ મકદુમભાઇ રહે. તરસાલી તા. ઝઘડિયા જિ.ભરૂચના વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to