November 21, 2024

આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે સુરતની સુમન શાળાઓમાંધોરણ ૧૧ના આર્ટસ, કોમર્સ અને સાયન્સના ૨૪ વર્ગોનો શુભારંભ

Share to


—–
પ્રવેશ પામેલા ૧૫૬૨ વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણપ્રાપ્તિની શરૂઆત કરી
——–
સુરત:મંગળવાર: સુરત શહેરના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણની સુવિધા માટે વરાછા, કતારગામ, લિંબાયત તેમજ ઉધના ઝોન વિસ્તારમાં આવેલી સુમન શાળાઓમાં ધો.૧૧ના આર્ટસ, કોમર્સ અને સાયન્સના ૨૪ વર્ગોનો શુભારંભ મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સાથે ગુજરાતી, મરાઠી અને હિન્દી એમ ત્રણ ભાષાઓમાં ઉચ્ચત્તર શિક્ષણ આપતી સુરત મનપા દેશની પ્રથમ મહાનગરપાલિકા બની છે.
આ પ્રસંગે મ્યુ.કમિશનરશ્રી બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, દેશભરમાં એકમાત્ર સુરત મહાનગરપાલિકા તેના સંચાલન હેઠળની શાળાઓમાં વિવિધ ૦૭ જેટલી ભાષાઓમાં શિક્ષણ પૂરૂ પાડે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી રોજગારી માટે લાખો લોકો સુરત આવીને વસ્યા હોવાથી તેમના બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ મળી રહે એ માટે વિશેષ પહેલ કરીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિમાં વધુ એક યશકલગીરૂપે હવે સુમન શાળાઓમાં ધો.૧૧ના આર્ટસ, કોમર્સ અને સાયન્સના ૨૪ વર્ગોનો શુભારંભ થઈ રહ્યો છે. જેમાં પ્રવેશ પામેલા ૧૫૬૨ વિદ્યાર્થીઓએ શિક્ષણપ્રાપ્તિની શરૂઆત કરી છે, જે સરાહનીય છે. તેમણે વર્ચ્યુઅલી જોડાયેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી સામાજિક અને શૈક્ષણિક રીતે પ્રગતિના શિખરો સર કરી દેશના સર્વાંગી વિકાસમાં સહભાગી બને તેવી અપેક્ષા આ પ્રસંગે વ્યક્ત કરી હતી.
મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે, ધો.૧૧ના ૨૪ વર્ગોમાં ગુજરાતીના ૧૦, હિન્દીના ૦૩ અને મરાઠીના ૧૧ વર્ગોનો સમાવેશ થાય છે. સુરતના સેવાભાવી ઉદ્યોગકારો અને સામાજિક અગ્રણીઓના સહયોગથી આ નવું સોપાન શરૂ કરાયું છે. સાથે સુરતના સી.એ.ની સંસ્થા ICAI પણ શિક્ષણ આપવામાં સહયોગી થશે.
મુગલીસરા સ્થિત સુરત મહાનગરપાલિકાના સ્મેક સેન્ટર ખાતે આ વર્ગોના વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં ડે.મેયરશ્રી દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશભાઈ પટેલ, , દંડકશ્રી વિનોદભાઈ પટેલ અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સાંસદશ્રી સી. આર. પાટીલ, વિવિધ સ્કૂલો પરથી ધારાસભ્યો, કોરપોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, અધિકારીઓ, સુમન શાળાના શિક્ષકો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ વર્ચ્યુઅલ હાજરી આપી હતી.


Share to

You may have missed