November 21, 2024

ઝઘડિયા GIDC ની કંપનીઓ દ્વારા ફળવાતી સીએસઆર ની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર બાબતે કલેકટર ને રજુઆત..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

વિવિધ ગામોને ફળવાયેલ ગ્રાન્ટની તપાસ કરવા જીલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો દ્વારા સામાજિક જવાબદારી (સીએસઆર) અંતર્ગત વિવિધ ગામોએ જાહેર કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે. જીઆઇડીસીની કંપનીઓ દ્વારા ફળવાતી સીએસઆરની રકમ પૈકીની મોટાભાગની રકમ ચાઉ થઇ જતી હોવાની ચર્ચાઓ લાંબા સમયથી તાલુકામાં ઉઠી રહી છે, ત્યારે તાલુકાના તલોદરા ગામના ગણપતભાઇ પટેલ નામના એક જાગૃત નાગરીકે ભરૂચ જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને ઝઘડિયા જીઆઇડીસી દ્વારા જાહેર સાહસોની સામાજિક જવાબદારી (સીએસઆર) ના ભાગરૂપે વિવિધ ગામોને ફાળવેલ ગ્રાન્ટની તપાસ કરવા માંગ કરી હતી.

આ લેખિત રજુઆતમાં જણાવાયા મુજબ ઝઘડિયા જીઆઇડીસીની સ્થાપના માટે તાલુકાના તલોદરા, સેલોદ, ફુલવાડી, કપલસાડી, સરદારપુરા , દધેડા, લીમેટ, રંદેડી જેવા ગામોના ખેડૂતોએ પોતાની ખેતીની જમીનો આપી હતી. સ્થાનિકોને નોકરી આપવાની શરતે ખેડૂતોએ પોતાની આજીવિકા નું સાધન એવી ખેતીની જમીનો આપી હતી, એમ જણાવાયું હતું. પરંતુ તેનો હજુ કોઇ અમલ થયો નથી. ઉલ્લેખનીય છેકે સ્થાનિકોની તુલનાએ પરપ્રાંતિયોને નોકરીમાં લેવાની ઉધોગ માલિકોની નિતીને લઇને ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ થાય છે. વળી જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો દ્વારા સીએસઆર ફંડ હેઠળ આસપાસના ગામોએ વિવિધ સગવડો માટે અનુદાન અપાતા હોય છે, ખરેખર આવા ફંડની રકમ જેતે ગ્રામ પંચાયતને આપવાની હોય અને પંચાયતો દ્વારા તેને લગતો રકોર્ડ રાખવાનો હોય છે, પરંતું ઘણી ગ્રામ પંચાયતો દ્વારા સીએસઆર ની રકમ પંચાયત ભંડોળમાં લેવામાં આવી નથી તેમજ કેટલીક ગ્રામ પંચાયતોમાં જેતે કામને લગતી ભૌતિક સુવિધાઓ પુરી પણ પાડવામાં નથી આવી !

રજુઆતમાં આક્ષેપ કરાયો હતો કે કેટલાક કહેવાતા કામોની રકમ જેતે ગામો માટે ફાળવેલ હોવા છતાં આવા કામો કે રકમ ગ્રામ પંચાયતમાં જમા લેવામાં આવેલ નથી , જેથી આવી રકમ બારોબાર ચાઉ કરાઇ ગઇ હોવાનુ જણાવી તેને માટે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી હતી. આવા કથિત નાણાકીય કૌભાંડો સંદર્ભે વર્ષ ૧૯૯૩ થી અત્યારસુધી કઇ ગ્રામ પંચાયતોને કયા કામો માટે સીએસઆર ફંડ હેઠળ રકમ ફળવાઇ હતી તેની તપાસ કરી તેજ કામો ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા કામોની રેકર્ડ આધારિત ચકાસણી કરવા રજુઆતમાં માંગ કરવામાં આવી હતી. આ રજુઆત સાથે અરજીકર્તાએ વિવિધ સીએસઆર ગ્રાન્ટના કામોની યાદી તેમજ કેટલીક ગ્રામ પંચાયતો પાસે માંગેલ આરટીઆઇ બાબતે મળેલ જવાબોની નકલો પણ સામેલ કરીને આ બાબતે યોગ્ય તપાસની માંગ કરતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છેકે તાલુકાના ફુલવાડી ગામે સીએસઆર ફંડ હેઠળ બનાવેલ સંરક્ષણ દિવાલની કામગીરીમાં ગેરરીતિ થઇ હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. જે કંપનીઓ જેતે વિસ્તારના લોકકલ્યાણના કામો માટે સીએસઆર ફંડની રકમ આપતી હોય ત્યારે તવ કંપનીઓની પણ ફરજ બને છેકે તેમના નાણાં યોગ્ય રીતે વપરાયા છેકે પછી લોલમલોલ થયું છે, તેની તકેદારી રાખે, પરંતું આમ ખરેખર થતું નથી ત્યારે કોનાકોના પર શક કરવો, એ બાબતજ ખુદ શંકાસ્પદ બની જતી હોય છે. ત્યારે હવે ઝઘડિયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓ દ્વારા વિતેલા વર્ષો દરમિયાન ફળવાયેલ સીએસઆર ફંડની રકમ પૈકી કેટલી રકમનો સદઉપયોગ થયો છે અને કેટલી ચવાઇ ગઇ છે તેની તપાસ થશે ત્યારે દુધનું દુધ અને પાણીનું પાણી અલગ થઇ જાય તો પણ નવાઇ નહી..

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed