November 21, 2024

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૦ મી જુલાઇ સુધી કેટલાંક નિયંત્રણો લાદતુ જાહેરનામું પ્રસિધ્ધ

Share to



રાજપીપલા, સોમવાર :- નોવેલ કોરોના વાયરસ (COVID-19)ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૯.૦૪.૨૦૨૧ના હુકમ ક્રમાંક 40-3/2020-DM-I(A)થી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સૂચનાઓ આપવામાં આવેલ છે.

રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી, ગૃહ વિભાગના તા.૨૫.૦૬.૨૦૨૧ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B થી સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને નીચે મુજબના કેટલાક નિયંત્રણો તા.૧૦.૦૭.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી તા.૨૦.૦૭.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી અમલમાં મુકવામાં આવેલ છે. જે સૂચનાઓનું નર્મદા જિલ્લામાં પાલન કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇ નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૩૭(૩), ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાંક નિયંત્રણો લાદયાં છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૦.૦૭.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી તા.૨૦.૦૭.૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુધી કરવાની રહેશે.

તદ્દઅનુસાર, ઉક્ત જાહેરનામામાં જણાવ્યાં મુજબ તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહી. જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S . O . P. ને આધિન ચાલુ રાખી શકશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનેશનના પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.) જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S. O . P. ને આધિન ખુલ્લા રાખી શકાશે.
આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦(એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.)
ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ ચાલુ રાખી શકાશે નહી.) શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.સાથે યોજી શકાશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને કર્ક્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટરએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.) પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. (રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.) શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે. ઉપરોકત A, B, G, H, J, K, L માં જણાવેલ બાબતો સંદર્ભમાં જે વ્યકિતઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલનો Discharge-Summary ની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.
અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામાના ભંગ બદલ ‘THE EPIDEMIC DISEASES ACT 1897’ અન્‍વયે ‘THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020’ની જોગવાઇઓ, ‘THE INDIAN PENAL CODE’ની કલમ 188 તથા ‘THE DISASTER MANAGEMENT ACT’ ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.


Share to

You may have missed