કોરોના અને તાઉ તે જેવી આપત્તિઓમાં પણ ગુજરાતનો વિકાસ અટકયો નથીઃ
——-
• રૂ।.૮૯.૯૯ કરોડના ખર્ચે તાપી નદી પર નિર્મિત થયેલા ઉમરા-પાલને જોડતા બ્રિજને
ખુલ્લો મુકતા મુખ્યમંત્રીશ્રી
• પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા.૩૦૭.૪૦ કરોડના ખર્ચે સાકારિત
૪૩૧૧ આવાસોનું લોકાર્પણઃ
• રૂા.૬૭૫.૪૬ કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટોનું અપગ્રેડેશન, શુધ્ધિકરણ અને વિસ્તૃતિકરણના કામોનું લોકાર્પણઃ
———–
સુરતઃરવિવારઃ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ‘કોરોના’ અને ‘તાઉ તે’ ના તબાહી કાળમા પણ ગુજરાતે અડીખમ રહીને વિકાસની ગતિને અટકવા દીધી નથી, જેનો ઉત્તમ પુરાવો સુરતના આજના આ વિકાસકામો છે તેમ જણાવ્યુ હતુ.
સુરત મહાનગરપાલિકા અને સુડાને અવિરત વિકાસકામોની ભેટ ધરવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ ‘કોરોના કાળ’ ના દોઢ વર્ષ દરમિયાન પણ ગુજરાતની નિર્ણાયક સરકારે અંદાજીત રૂપિયા ૩૦ હજાર કરોડના વિકાસકામો કરીને, જ્યાં માનવી ત્યાં સુવિધાના સંકલ્પને ચરિતાર્થ કર્યો છે તેમ જણાવ્યુ હતુ.
‘કોરોના’ અને ‘તાઉ તે’ ની આપદાઓ વચ્ચે મક્કમતાપૂર્વક નિર્ણયો લઈને સંવેદનશીલ રાજ્ય સરકારે સતત પ્રજાજનોની વચમા રહીને કાર્ય કર્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ આ રાજય સરકાર ‘જે કહે છે તે કરે જ છે, અને જે કરે છે તે જ કહે છે’ તેમ જણાવી ભૂતકાળમાં રક્ષાબંધન નિમિત્તે આવાસના ફોર્મનુ વિતરણ કરીને બહેનોની ક્રૂર મજાક કરનારા તત્વોને પ્રજા ઓળખી ગઈ છે તેમ પણ જણાવ્યુ હતુ. તેમણે ફક્ત ફુલપેઇજ જાહેરાતો કરીને પ્રજાજનોને ગુમરાહ કરનારી આ સરકાર નથી તેમ પણ સ્પષ્ટપણે ઉમેર્યું હતુ.
કોરોના કાળમાં પ્રજાસુખાકારી માટેની સુવિધા વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, પાંચ હજાર કરોડના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ, એક લાખથી વધુ ઓકિસજન બેડ તૈયાર કરીને ૮.૨૫ લાખ લોકોને કોરોનામાંથી સ્વસ્થ કર્યા છે. કોરોના કાળમાં એક પણ વ્યકિતનું ઓકિસજનના અભાવે મૃત્યુ થયું નથી તેમ જણાવીને ૧૨૦૦ મેટ્રીક ટન સુધીનો ઓકિસજનનો પુરવઠો સતત પુરો પાડીને માનવ જિંદગી બચાવવાનું અમૂલ્ય કાર્ય કર્યુ હોવાનું તેમણે જણાવ્યું હતું.
સંવેદનશીલ રાજય સરકારે સંવેદનાસભર નિર્ણય લેતા કોરોનાને લીધે મૃત્યુ પામેલા માતા-પિતાના અનાથ બાળકોને ૨૧ વર્ષ સુધી રૂા.૪૦૦૦ પ્રતિમાસની રોકડ સહાય આપવાનો નિર્ણય કર્યો છે તેમ જણાવીને તાઉ તે વાવાઝોડાથી અસર પામેલા ખેડુતોના ખાતામાં રાહત પેકેજના નાણા સમયસર જમા કરાવી તેમની ચિંતા કરી છે.
પાણીરૂપી પારસમણિને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા રિસાયકલ કરીને આવક ઉભી કરનાર સુરત મહાનગરપાલિકાના આ પ્રોજેકટોમાંથી રાજયની અન્ય મહાનગરપાલિકાઓ પ્રેરણા મેળવે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ પ્રજાજનોની યાતાયાતને સરળ કરતા શહેરનો ૧૧૫મો અને તાપી પર ૧૪મો બ્રિજ શહેરીજનો માટે વિકાસ માર્ગ સાબિત થશે તેમ ઉમેર્યું હતું.
પ્રાસંગિક વક્તવ્ય કરતા આરોગ્ય રાજય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી, નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચન કરીને કોરોના સંક્રમણને અટકવવા માટે સુરત મહાનગરપાલિકાએ કરેલી કામગીરીની વિગતો આપી હતી. આ અવરસે મેયર શ્રીમતી હેમાલિબેન બોઘાવાલાએ સુરતની વિકાસયાત્રાની રૂપરેખા રજુ કરી હતી.
ડાયમંડ સિટી સુરતના શહેરીજનોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકાના કુલ રૂ.૧૦૭૨.૮૪ કરોડના જુદા જુદા એક ડઝન પ્રકલ્પો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે લોકાર્પિત કરાયા હતા. જેમા સ્લમ અપગ્રેડેશન વિભાગના કુલ રૂ.૩૦૭.૩૯ કરોડના ૮ પ્રોજેકટ, ડ્રેનેજ વિભાગના રૂ.૬૭૫.૪૬ કરોડના ત્રણ પ્રોજેકટ, અને બ્રિજ સેલના રૂ.૮૯.૯૯ કરોડના એક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુડા દ્વારા રૂ.૧૯૭.૩૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આવાસોનો ડ્રો પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાયો હતો. આમ, એક જ દિવસે સુરત શહેરને કુલ રૂ.૧૨૭૦.૨૧ કરોડના વિકાસકામોની ભેટ મળી છે.
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે વિકાસ પ્રકલ્પોના ઇ લોકાર્પણ સાથે, આવાસોનો વર્ચ્યુઅલ ડ્રો, અને તેના લાભાર્થીઓને તેમના પોતીકા ઘરની ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી.
આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ, મ્યુ.કમિશનર શ્રી બંછાનિધિ પાની, કલેકટર શ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, કોપોરેટરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે અને ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ ગોધાણીએ આભારવિધિ આટોપી હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.