*ગુજરાતની અનેક નવતર પહેલ રૂપ વિશેષતાઓમાં આ ડાયમંડ બુર્સ
વધુ એક નજરાણું બનશે*
*ખજોદ ખાતે નિર્માણાધીન સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેતાં
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી*
———–
*મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ પૂર્ણતાના આરે પહોંચેલા પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશનની કામગીરી નિહાળી*
——-
સુરતઃરવિવારઃ- મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ સુરતના ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ સાથે લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. તેમણે પૂર્ણતાના આરે પહોંચેલા પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશનની કામગીરી નિહાળી હતી. મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સહિત મહાનુભાવોએ ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે.
અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.
સુરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે રાજય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ થી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્ય સરકાર આ માટે હરહંમેશ મદદરૂપ થશે એવી ખાતરી ઉચ્ચારી હતી.
આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સના ડિરેકટરશ્રી મથુરભાઈ સવાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૩૬ એકરની વિશાળ જગ્યામાં આકાર લઈ રહેલાં ડાયમંડ બુર્સના નિર્માણથી દુનિયાના વ્યાપારીઓ સુરત આવીને પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરશે. ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે એમ જણાવી તેમણે ડાયમંડ બુર્સ કાર્યરત થતાં ડાયમંડ ટ્રેડિંગ ક્ષેત્રમાં સુરત મોખરે રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ સર્વશ્રી સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય સર્વશ્રી ઝંખનાબેન પટેલ, હર્ષ સંઘવી, સંગીતાબેન પાટીલ, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, પોલિસ કમિશનરશ્રી અજય તોમર, ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી દિનેશભાઈ નાવડિયા,બુર્સ કમિટીના સભ્યશ્રીઓ તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.