દેડિયાપાડા તાલુકામાં ૭ દિવસમાં ફાયર ટેન્ડર ન ફળવાય તો MLA ઉપવાસ કરશે એ વિષેના પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલ અંગે જિલ્લા આયોજન વિભાગની જરૂરી સ્પષ્ટતા

Share toરાજપીપલા,સોમવાર :- તાજેતરમાં કેટલાંક સ્થાનિક વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલ “દેડિયાપાડા તાલુકામાં ૭ દિવસમાં ફાયર ટેન્ડર ન ફળવાય તો MLA શ્રી ઉપવાસ કરશે એ વિષેના” અખબારી અહેવાલ અંગે જિલ્લા આયોજન અધિકારીશ્રી દ્વારા જરૂરી સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી દ્વારા વિકાસશીલ યોજનાની વર્ષ-૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ની બચત ગ્રાન્ટમાંથી દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓ માટે રૂા.૩૦-૩૦ લાખની ફાયર બ્રિગેડની ગાડીઓ મંજુર કરવા માટે ભલામણ કરવામાં આવેલ છે. પરંતુ સામાન્ય વહીવટ વિભાગનાં ઠરાવ ક્રમાંક: વજઅ/૧૫૨૦૧૯-૨૮૨-ય, તા-૧૮/૧૦/૨૦૨૧ માં સૂચવ્યા મુજબ વર્ષ-૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ની જોગવાઈની રકમ હેઠળનાં કામો તા-૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં શરુ કરી દેવા અને તા-૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં ચૂકવણી કરવાની મર્યાદા આપેલ છે. પરંતુ ધારાસભ્યશ્રીની રજૂઆત ઉક્ત ઠરાવમાં દર્શાવેલ સમય મર્યાદા બાદ મળેલ હોઈ તેને મંજુર કરવા બાબતે કોઈ કાર્યવાહી કરી શકાશે નહિ તે અંગે જિલ્લા આયોજન કચેરીનાં પત્ર ક્રમાંક જઅમ/બચત રકમ/૬૨૮/૨૦૨૨ તા-૧૬/૦૩/૨૦૨૨ થી આ બાબતે ધારાસભ્યશ્રીને વાકેફ કરવામાં આવેલ છે. ધારાસભ્યશ્રીની સદર રજૂઆત બાબતે જરૂરી નિયમોનુસારની દરખાસ્ત તૈયાર કરી ટૂંક સમયમાં થનાર વર્ષ-૨૦૨૨-૨૩ નાં આયોજનમાં ધ્યાને લેવામાં આવશે તે અંગેની જાણ પણ જિલ્લા આયોજન અધિકારીશ્રી દ્વારા ધારાસભ્યશ્રીને કરવામાં આવેલ છે.
વધુમાં વિકાસશીલ તાલુકા યોજના વર્ષ-૨૦૨૧-૨૨ નું રૂા.૪.૦૦ કરોડનું આયોજન કોવીડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેડિયાપાડા અને સાગબારા તાલુકાની સ્થાનિક આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા માટે કરવામાં આવેલ હતું. જેને પ્રભારી સચિવશ્રી તથા પ્રભારી મંત્રીશ્રી દ્વારા મંજુર કરવામાં આવેલ હતું. જેની રાજ્યકક્ષાએથી નોંધ લઈ સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં નર્મદા જિલ્લાની રાહે આયોજન કરવા ઉચ્ચકક્ષાએથી ભલામણો કરવામાં આવેલ હતી. સદર આયોજનની ૧૦૦ % વહીવટી મંજુરી અને ગ્રાન્ટ ફાળવણી જિલ્લા આયોજન કચેરી દ્વારા કરવામાં આવેલ છે. સદર બાબતે અમલીકરણ અધિકારીશ્રી દ્વારા રાજ્યકક્ષાની ખરીદ સમિતિ સમક્ષ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી ખરીદી કરવા માટે મંજુરી અર્થે દરખાસ્ત કરવામાં આવેલ છે. તેમ પણ ઉક્ત સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે.


Share to