ભરૂચ:મંગળવાર: રાજ્ય સરકાર દ્વારા ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટેનું રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં યુવાનો અને વૃદ્ધો બાદ હવે કિશોર વયના બાળકોને કોરોના સામે સુરક્ષિત કરવા આ મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઉઠાવ્યું છે, ત્યારે બાળકોમાં કોરોના રસી અંગે જાગૃતતા ફેલાય અને આ વયજૂથના તમામ બાળકો રસી મૂકાવે તે માટે વિવિધ શાળાઓ વિવિધ અભિયાનો હાથ ધરી રહી છે.
વહીવટીતંત્ર સાથે બાળકોના માતા-પિતા પણ રસીકરણ માટે જાગૃત થાય તે પણ જરૂરી છે, એવા સંજોગોમાં ભરૂચના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક અધિકારી ડૉ. દિવ્યેશભાઈ પરમારે ક્વીન ઓફ એંજલ કોન્વેન્ટ સ્કુલ, વડદલા ખાતે ધોરણ-૬ માં અભ્યાસ કરતી પોતાની દિકરી શ્રેયા પરમારને તથા શિક્ષણ નિરીક્ષકશ્રી નિશાંતભાઈ દવેએ નારાયણ વિદ્યાવિહારમાં ધોરણ-૭ માં અભ્યાસ કરતાં પોતાના પૂત્ર દેવવ્રત દવેને રસીકરણ માટે પ્રોત્સાહન આપ્યું હતું.
શિક્ષણ નિરીક્ષક ડૉ. દિવ્યેશ પરમારે જણાવે છે કે, મારી ઈચ્છા હતી કે મારી હાજરીમાં મારી દીકરી કોઈ પણ ડર વિના હસતાંહસતાં રસી મૂકાવે. ખાસ કરીને માતાપિતાની હાજરીમાં બાળકને ભય લાગતો નથી અને પ્રોત્સાહન પણ મળી રહે છે. શિક્ષણ નિરીક્ષકશ્રીએ અન્ય વાલીઓ માટે એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આ સાથે તેમણે બાળકો રસી બાબતે જાગૃત થાય અને વહેલી તકે રસી મુકાવી કોરોના સામે રક્ષણ મેળવે તે અંગે મૂક સંદેશ પણ આપ્યો છે.