દૂરદર્શી ન્યુઝ નેત્રંગ
હોળીના તહેવાર આવી રહ્યો છે. અને હોળીના તહેવારનું આદિવાસી સમાજમાં બીજા તહેવારો કરતા વિશેષ મહત્વ છે. આ સમયે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો રોજગારી માટે પોતાના વતનથી શહેરોમાં જાય છે તે તમામ લોકો હોળીના તહેવારની ઉજવણી માટે પોતાના માદરે વતન આવતા હોય છે. આ સમયે પૂરતી એસટી બસોના અભાવે એમણે પોતાના જીવના જોખમે ખાનગી વાહનોમાં વધારે રૂપીયા આપી મુસાફરી કરવી પડે છે. ગુજરાતના મોટા શહેરો જેવા, સુરત, વડોદરા, અમદાવાદ, વલસાડ રાજકોટ, જૂનાગઢ, જામનગર અને બીજા અન્ય શહેરોથી ગુજરાત રાજ્યના પૂર્વપટ્ટી વિસ્તારો જેમાં ડાંગ,તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ,બનાસકાંઠા અને અન્ય આદિવાસી વિસ્તારોનો સમાવેશ થાય છે તો આ વિસ્તારોના રૂટની બસોની સંખ્યા વધારવી જોઈએ. જેથી હોળીના તહેવારની ઉજવણી કરવા આવનાર આદિવાસી સમાજના લોકોને અવરજવર માટે સુવિધા મળી રહે. અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન આવ્યા હતા ત્યારે લોકોને ભેગા કરવા માટે ગુજરાત રાજ્યની તમામ એસટી બસો ફાળવી દેવામાં આવી હતી તો આ આદિવાસીઓ માટે શા માટે ફાળવવામાં નહિ આવે ? આ સાથે આ લોકોને બસના ભાડામાં પણ રાહત આપવામાં આવે. આમ હોળીના તહેવાર નિમિત્તે આદિવાસી વિસ્તારના રૂટોની બસની સંખ્યા વધારવામાં આવે અને એમને બસના ભાડામાં રાહત આપવામાં આવે એવી ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.