રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-૧ ઓલરાઉન્ડર બન્યો

Share to(ડી,એન.એસ)દુબઈ,તા.૦૯
ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં બોલ અને બેટથી કમાલ કર્યો હતો. તેણે પહેલાં બેટિંગ કરતા અણનમ ૧૭૫ રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલિંગમાં પ્રથમ ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનનો ફાયદો તેને આઈસીસી રેન્કિંગમાં મળ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-૧ ઓલરાઉન્ડર બની ગયો છે. આઈસીસીના નવા રેન્કિંગમાં તેના ૪૦૬ રેટિંગ પોઈન્ટ છે. ૩૮૨ પોઈન્ટની સાથે જેસન હોલ્ડર બીજા અને ૩૪૭ પોઈન્ટ સાથે આર અશ્વિન ત્રીજા સ્થાને છે. બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી અને રિષભ પંતને ફાયદો થયો છે. મોહાલીમાં ૯૬ રનની ઈનિંગ રમનાર પંતની ટોપ-૧૦માં એન્ટ્રી થઈ છે. ૭૨૩ રેટિંગ પોઈન્ટ સાથે પંત ૧૦માં સ્થાને છે. તો કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડીને વિરાટ કોહલી ટેસ્ટમાં ભારતનો નંબર એક બેટર બની ગયો છે. ૭૬૩ રેટિંગ પોઈન્ટ સાથે વિરાટ કોહલી અને ૭૬૧ રેટિંગ પોઈન્ટ સાથે રોહિત છઠ્ઠા સ્થાને છે. સિરીઝ શરૂ થતાં પહેલા વિરાટ ૭માં ક્રમે હતો. બેટિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન વિરુદ્ધ રાવલપિંડી ટેસ્ટમાં લાબુશેને ૯૦ રન બનાવ્યા હતા. તેના રેટિંગ પોઈન્ટ કરિયર બેસ્ટ ૯૩૬ પર પહોંચી ગયા છે. ઈંગ્લેન્ડનો જાે રૂટ બીજા અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ ત્રીજા સ્થાને છે. જાડેજાને બેટરોના રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. તે હવે ૩૭માં નંબરે છે. રવિન્દ્ર જાડેજાને બોલિંગ રેન્કિંગમાં પણ ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે ૧૭માં સ્થાને પહોંચી ગયો છે. ટોપ-૧૦માં કોઈ નવા નામની એન્ટ્રી થઈ નથી. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પ્રથમ સ્થાને છે. ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિન બીજા સ્થાને છે. ભારતીય વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ ૧૦માં સ્થાને છે.


Share to

You may have missed