November 21, 2024

રાજપીપલામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો

Share to



જિલ્લાની ૧૨૯ જેટલી સ્કૂલોને આવરી લઇ બાળકોના રસીકરણ માટે ૨૫૫ મેડીકલ ટીમો તૈનાત

તા.૭ મી સુધી જિલ્લામાં તમામ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે : બાકી રહેલા બાળકો માટે તા.૮ અને ૯ મી એ ખાસ ઝુંબેશ થકી કામગીરી પૂર્ણ કરાશે

નર્મદા જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સીનેશન આપવાની કામગીરીનો પ્રારંભ : બપોરે ૨:૩૦ કલાક સુધીમાં ૨,૬૫૨ બાળકોનું રસીકરણ

રાજપીપલા, સોમવાર :- કોરોના સામે રક્ષણ આપવા માટે ગુજરાતમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસીકરણના આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ ૧૫ થી ૧૮ વર્ષની વયના ૨૭,૬૩૨ બાળકોને કોવિડ વેક્સિનેશનની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આજે બપોરે ૨:૩૦ કલાક સુધીમાં જિલ્લામાં ૨,૬૫૨ બાળકોનું રસીકરણ કરાયું હોવાનો અહેવાલ જિલ્લા આરોગ્યતંત્ર તરફથી પ્રાપ્ત થયો છે.
નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા શહેરની નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના નવા વાઘપુરાની હાઇસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાએ કોવિડ વેક્સિનેશનના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
રાજપીપલા શહેરમાં નવદુર્ગા હાઇસ્કુલ ખાતે યોજાયેલા કોવિડ વેક્સિનેશનના કાર્યક્રમને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, આજથી સમગ્ર જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વિરોધી વેક્સીન આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જિલ્લાના ૨૭,૬૩૨ જેટલા બાળકોને આવરી લેવાના આ મહાઅભિયાનમાં જિલ્લાની બધી શાળાઓમાં તાલુકા મથકે અને ગામડાઓમાં કેમ્પ શરૂ કરીને રસી આપવામાં આવી રહી છે.
નવદુર્ગા હાઇસ્કૂલના ૪૫૦ જેટલા બાળકોને પણ આ રસીકરણ હેઠળ આવરી લેવાયાં છે. તા. ૭ મી સુધીમાં જિલ્લાના તમામ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે, ત્યારબાદ તા. ૮ અને ૯ મી જાન્યુઆરીના રોજ બાકી રહેલા બાળકોની ખાસ ઝુંબેશ કરીને આ બાળકોની રસીકરણની કામગીરી પણ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે. નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે યોજાયેલા રસીકરણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની સાથે શાળાના સંચાલકશ્રી નીમેષભાઈ પંડ્યા અને શાળાના આચાર્ય શ્રીમતી રીનાબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
નવા વાઘપુરા ગામની શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીત, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરશ્રી ડૉ.એ.કે.સુમન, શાળાના આચાર્યશ્રી પ્રદીપસિંહ સિંધા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં શાળાના બાળકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ તકે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, અહીંની શાળામાં લગભગ ૧૯૮ બાળકોનું વેક્સિનેશન થઈ રહ્યું છે. બાળકો અને તેમના વાલીઓને જણાવવાનું કે, બાળકોનું ૧૦ મું અને ૧૨ મું ધોરણ તેમના કેરિયરનું અતિ મહત્વનું રહે છે. આ વેક્સિનેશનમાં કો-વેકસીનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, જે બાળકોને કોરોના સામે રક્ષણ આપશે. તેનાથી બાળકો સુરક્ષિત થાય છે. તેની સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું, સેંનીટાઇઝ કરવું વગેરે જેવા નિયમોનું પાલન કરવાની પણ તેમણે ભારપૂર્વક હિમાયત કરી હતી.
ડૉ.ગામીતે વધુમાં જાણકારી આપતાં ઉમેર્યું હતું કે, આ બાળકોના રસીકરણ અભિયાન દરમિયાન જિલ્લાની ૧૨૯ જેટલી સ્કૂલોને આવરી લઇ ૨૭,૬૩૨ બાળકોને રસીકરણ આપવાનું આયોજન છે અને તે માટે ૨૫૫ જેટલી મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના તમામ શિક્ષકો સીઆરસી, બીઆરસી, આરોગ્ય વિભાગના તમામ આરોગ્ય-યોદ્ધાઓ સાથે જરૂરી સંકલન થકી આ મહાઅભિયાનને સુપેરે પાડ પાડવાની કામગીરી કરી રહ્યા છે. આ વેક્સિન સુરક્ષિત છે અને કોરોના સામે રક્ષણ આપે છે. તેવો સંદેશો સ્કૂલે જતા કે ન જતા તમામ બાળકોને સંદેશો પહોંચે તે ખૂબ જ જરૂરી છે અને તેવા પ્રયાસો પણ રહેલ છે.
આજે વેકસીનેશનનો લાભ લેનાર નવા વાઘપુરાની શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ધોરણ-૧૨ની વિદ્યાર્થીની તેજસ્વીનીબેન દેવેનભાઇ વસાવા જણાવે છે કે, મેં આજે કોરોનાની વેક્સિન લીધી છે. હું વેક્સીન લીધા બાદ અડધો કલાક ઓબ્ઝર્વેશન રૂમમાં બેઠી છું મને કોઈ આડઅસર થઇ નથી. એટલે મેં બધા વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે, આ રસી બધાએ લેવી જોઈએ આ રસીથી કોઈપણ આડઅસર થતી નથી. ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોએ આ રસી લેવી જોઈએ. આ રસી આપણાં માટે સુરક્ષિત છે. આ રસી લેવાથી કોરોના સામે રક્ષણ મળે છે. તેવી જ રીતે અન્ય વિદ્યાર્થીની વિમિષાબેન કંચનભાઈ વસાવા જણાવે છે કે, મેં પણ આજે કોવિડની રસી લીધી છે. હું આજે બહુ જ ખુશ છું. કારણ કે મને વેક્સિન મુકાઇ છે. આ રસીની કોઈ આડઅસર નથી. આ રસીથી કોરોના સામે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોને રસી મુકાવવા હું અપીલ કરું છું.
૦૦૦૦


Share to

You may have missed