DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

2022માં ગુજરાતની જનતાના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે અને ચહેરો પણ ગુજરાતનો જ હશેઃ કેજરીવાલ

Share to

નવી દિલ્હી, તા. 14 જૂન, 2021, સોમવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વિસ્તાર આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવેલા છે. અરવિંદ કેજરીવાલે સોમવારે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.



સોમવારે અમદાવાદ ખાતે ગુજરાતના પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. ઈસુદાન ગઢવી ખેડૂતોની વાત રાખવા માટે પ્રખ્યાત છે. અમદાવાદ ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2022માં ગુજરાતની તમામ 182 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતારવાનું વચન આપ્યું હતું. કેજરીવાલે ગુજરાતના એક નવા મૉડલનું વચન આપ્યું હતું અને તેમના કહેવા પ્રમાણે દિલ્હીનું મૉડલ અલગ છે અને ગુજરાતનું એક અલગ મૉડલ હશે. કેજરીવાલના કહેવા પ્રમાણે આપ ગુજરાતના લોકોના મુદ્દાઓ પર રાજકારણ કરશે. વધુમાં જણાવ્યું કે, 2022માં અહીંની જનતાના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે અને ચહેરો પણ અહીંનો જ હશે.

કેજરીવાલે ગુજરાતની વર્તમાન સ્થિતિ માટે ભાજપ, કોંગ્રેસ સરકારનું કારસ્તાન જવાબદાર હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીની સરકાર છે, આ 27 વર્ષ કોંગ્રેસ-ભાજપની મિત્રતાની વાર્તા છે. એવું કહેવાય છે કે, કોંગ્રેસ ભાજપના ખીસ્સામાં જ છે અને ભાજપને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમને કોંગ્રેસ સપ્લાય કરે છે.

કેજરીવાલે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં કોરોના કાળ દરમિયાન ગુજરાતને અનાથ છોડી દેવામાં આવ્યું, કોરોના કાળમાં ગુજરાતની ખબર પુછવાવાળું કોઈ નહોતું.

ઉલ્લેખનીય છે કે, 2022ના અંતમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 182 સદસ્યો ધરાવતી ગુજરાત વિધાનસભા પર છેલ્લા 20 વર્ષથી ભાજપનો કબજો છે. ભાજપ અને કોંગ્રેસના દ્વિપક્ષીય રાજકારણના સાક્ષી રહી ચુકેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવવા ઈચ્છે છે. આ માટે જ પાર્ટી આકરી મહેનત કરી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં પણ અરવિંદ કેજરીવાલે સુરત ખાતે રોડ શો કર્યો હતો.


Share to

You may have missed