November 21, 2024

નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા

Share to

DNS NEWS અમદાવાદ

શ્રાદ્ધમાં બજારોમાં રહેલી ભારે મંદી બાદ નવરાત્રિની શરૂઆતથી જ બજારમાં તેજી આવી ગઇ છે. તમામ ક્ષેત્રે ખરીદી થઇ રહી છે. નવરાત્રિ ઓટોમોબાઇલ સેક્ટરને ફળી છે. કેમ કે નવરાત્રિ દરમિયાન ગુજરાતભરમાં કુલ ૩ હજાર કરોડના વાહનો વેચાયા છે. જેમાં ૯૦૦ કરોડના ટુ વ્હીલર અને ૨૧૦૦ કરોડની કારનું વેચાણ થયું છે. આ વેચાણ થયું છે તૈ પેકી ૪૦ ટકા વાહનોની ડિલિવરી દશેરાએ લેવામાં આવશે.
પહેલી નવરાત્રિથી જ શહેરના તમામ ઓટોમોબાઇલ ડિલરોને ત્યાં ગ્રાહકોની લાઇનો લાગી હતી. વાહનોની મોટાપાયે ખરીદી થઇ રહી છે. તેથી ઓટોમોબાઇલ સેક્ટરમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઘણી કાર માટે તો છ મહિનાથી લઇને આઠ મહિનાનું વેઇટિંગ પણ ચાલી રહ્યું હોવા છતાં લોકો બુકીંગ કરાવી રહ્યા છે. આખા વર્ષમાં નવરાત્રિ દરમિયાન સૌથી વધુ વાહનોના બુકિંગ થતા હોય છે.

નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં થયેલા બુકિંગ અંગે માહિતી આપતાં ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિયેશન (ફાડા)ના ગુજરાતના ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવરાત્રિ (દશેરાએ ડિલવરી સહિત)માં ટુ વ્હીલરના ૮૫થી ૯૦ હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું. જેમાં માત્ર અમદાવાદમાં જ ૧૨થી ૧૩ હજાર ટુ વ્હિલર વેચાયા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ૨૦થી ૨૧ હજાર કારના વેચાણ થયા છે. માત્ર અમદાવાદમાં જ ૪૫૦૦-૫૦૦૦થી કારના વેચાણ થયા છે. જેમાં બેઝિક કારથી લઇને હાઇએન્ડ કારનો સમાવેશ થાય છે. આમ ૧૦ દિવસ દરમિયાન ૯૦૦ કરોડના ટુ વ્હીલર અને ૨૧૦૦ કરોડની કારના વેચાણ થયા છે. જે ગત વર્ષની સરખામણીમાં ઘણું સારુ બુકિંગ છે. આંકડાકીય માહિતી મુજબ ગત વર્ષ કરતાં ટુ વ્હીલરના વેચાણમાં ૮થી ૧૦ ટકાનો વધારો છે. કારના વેચાણમાં ૬થી ૮ ટકાના વધારો જોવા મળી રહયો છે. છેલ્લા બે ત્રણ વર્ષમાં યુવાનોમાં મોંઘી બાઇક ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને પગલે એક કાર કરતાં પણ મોંઘી બાઇક લઇને યુવાનો શહેરમાં ફરતા નજરે પડી રહ્યા છે.
માસ ડિલિવરી માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઇ, કસ્ટમરને વિજય મુહૂર્તમાં જ ડિલિવરી

દશેરા એટલે ભગવાન શ્રીરામનો રાવણ પરનો વિજય. દશેરાને વિજયા દશમી પણ કહેવામાં આવતી હોવાથી આ દિવસે લોકો નવા વાહન કે ઓફિસ કે ઘર લેવાનું પસંદ કરતા હોય છે. દશેરાએ લોકો વાહનોની ડિલિવરી લેવાનો આગ્રહ રાખતા હોય છે. દશેરામાં પણ વિજય મુહૂર્તમાં ડિલિવરી લેવાનો કસ્ટમરની માગને પહોંચી વળવા માટે ડિલરો માસ ડિલિવરી કરતા હોય છે. વાહનની પૂજા કરીને વિજય મુહૂર્તમાંજ ડિલિવરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બેઝિક ગાડી સામે લક્ઝુરીયસ કારનું વેચાણ વધ્યું

કોરોના બાદ ગુજરાત સહિત દેશભરમાં કારનું વેચાણ વધ્યું છે. એક તરફ લોકો બજેટમાં કારની ખરીદી કરવા માટે સેકન્ડ હેન્ડ કારની ખરીદી કરી રહ્યા છે. તેથી આ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. બીજી તરફ હવે જે લોકો નવી કાર ખરીદી રહ્યા છે તેઓ બેઝિક કારને બદલી લક્ઝુરીયસ કાર ખરીદી રહ્યા છે. જેને લઇને અમદાવાદ સહિત ગુજરાતભરમાં લકઝુરીયસ કારનું વેચાણ વધી રહ્યું છે.
ટ્રક, બસ, ડમ્પર તથા મૂવર્સ વાહનો પણ સારા પ્રમાણમાં વેચાયા

ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી ધમધમી રહી છે માટે માલ-સામાનના વહન માટે ભારે વાહનોની પણ ઘણી જરૂરીયાત રહેતી હોય છે. જેને પગલે આ નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ટ્રક, ટ્રેકટર, મીની બસ અને બસ ઉપરાંત મૂવર્સ જેવા ભારે વાહનોની પણ ખાસ્સી ખરીદી થઇ છે. ડમ્પર અને જેસીબી મશીનની પણ મોટા પ્રમાણમાં ખરીદી થઇ હોય તેવું ઓટોમોબાઇલ્સ એજન્સીના ડિલરો જણાવી રહ્યા છે.


Share to

You may have missed