November 21, 2024

ઝઘડિયાના સારસા ગામે પોસ્ટ માસ્તર દ્વારા રુ.૧.૨૦ લાખની ઉચાપત કરાઇ હોવાની પોલીસ ફરિયાદ

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

તત્કાલીન પોસ્ટ માસ્તરે ખાતેદારોની નકલી સહી કરીને રુપિયા ઉપાડી લીધાનો આક્ષેપ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ૨૦૨૦ -૨૧ ના વર્ષ દરમિયાન ફરજ બજાવનાર મહિલા બ્રાન્ચ પોસ્ટ માસ્તરે બચત ખાતા ધારકોની નકલી સહીથી રુ.૧ લાખ ૨૦ હજાર ઉપાડી લીધા હોવાની પોલીસ ફરિયાદ નંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પોસ્ટ ઓફિસની હિસાબી શાખા હેઠળની ગ્રામીણ પોસ્ટ ઓફિસની સારસા શાખામાં ગત તા.૬ – ૭- ૨૦૨૦ થી તા.૧૮ -૧૦ – ૨૦૨૧ સુધી બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે વૈશાલીબેન જવાનસિંહ સોલંકીએ ફરજ બજાવી હતી. આ સમયગાળા દરમિયાન આ મહિલા કર્મચારીએ પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ખોલાવેલ ગ્રાહકની જમા ઉપાડ વાઉચરમાં નકલી સહી કરીને નાણાંની ઉચાપત કરી હતી.

આ પોસ્ટ માસ્તરે પોસ્ટ ઓફિસના ખાતેદારો સારસા ગામના રાકેશભાઇ માછી તેમજ મણીબેન માછીની જાણ બહાર તેઓ બન્નેના સહી અંગુઠાના નિશાનો યેનકેન પ્રકારે મેળવીને તેમના ઉપાડ વાઉચરમાં નકલી સહીનો ઉપયોગ કરીને ખાતેદારોની જાણ બહાર કુલ રુ.૧ લાખ ૨૦ હજાર ઉપાડી લીધા હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે સારસા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના તત્કાલીન પોસ્ટ માસ્તર વૈશાલીબેન જવાનસિંહ સોલંકી હાલ રહે.ભાલોદ અને મુળ રહે.ગામ સરાડીયા, તા.વીરપુર, જિ.મહીસાગરના વિરુધ્ધ ઝઘડિયા ડિવિઝનના વિસ્તારની પોસ્ટ ઓફિસોમાં સુપરવિઝન તેમજ વાર્ષિક ઇન્સ્પેકશનની ફરજ બજાવનાર મીતેશભાઇ રમેશભાઇ વડાદીયાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. સારસા ગામે પોસ્ટ માસ્તર દ્વારા ખાતેદારોના નાણાંની થયેલ કથિત ઉચાપતને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

#DNS NEWS


Share to

You may have missed