(ડી.એન.એસ) , રોમ , તા.૩૦
વડાપ્રધાન મોદીએ ૧૬મી જી-૨૦ સમીટ દરમિયાન ઈયુ નેતાઓ સાથેની વાટાઘાટોને ઉત્પાદક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, યુરોપીયન યુનિયનના નેતાઓ સાથે વેપાર, વાણિજ્ય, સાંસ્કૃતિક અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર ભારત-ઈયુના સંબંધોને મજબૂત કરવા વાટાઘાટો થઈ હતી, જે ઘણી જ ઉત્પાદક રહી. એક ટ્વીટમાં યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ મિશેલ ચાર્લ્સે જણાવ્યું કે, પૃથ્વીમાં હરીત પરિવર્તનમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અમે પૃથ્વીના સ્વાસ્થ્ય અને કોરોના મહામારી સામે લડવાના ઉપાયો, ભારત-ઈયુની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા, અફઘાનિસ્તાન અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં પ્રવર્તતી સ્થિતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. યુરોપીયન પંચના અધ્યક્ષ વૉન ડેરે પણ વડાપ્રધાન સાથેની બેઠકને સકારાત્મક ગણાવી હતી. તેમણે રસીકરણ પર ‘અસાધારણ સિદ્ધિ’ હાંસલ કરવા અને વિશ્વમાં કોરોના રસીની નિકાસ ફરીથી શરૂ કરવા બદલ ભારતનો આભાર માન્યો હતો. અગાઉ જી-૨૦ સમિટમાં ભાગ લેવા રોમ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાનિક ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ‘પિયાજા ગાંધી’માં મહાત્મા ગાંધીેને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. રોમમાં ભારતીયોએ સંસ્કૃતમાં મંત્રોચ્ચાર સાથે મોદીનું સ્વાગત કર્યું હતું. વધુમાં અનેક ભારતીયોએ ‘મોદી-મોદી’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. એક વ્યક્તિએ પીએમને ‘કેમ છો નરેન્દ્ર ભાઈ’ કહેતા મોદીએ સ્મીત સાથે ‘મઝામાં છું’ કહી જવાબ આપ્યો હતો.પૃથ્વીને વધુ સારી બનાવવાના આશયથી આર્થિક અને લોકો સાથે પારસ્પરિક સંબંધો મજબૂત બનાવવા વેપાર, કોરોના સહિત વૈશ્વિક મુદ્દાઓ પર યુરોપના નેતાઓ સાથેની બેઠક ઘણી જ ઉત્પાદક રહી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. જી-૨૦ શિખલ સંમેલનમાં ભાગ લેવા રોમ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાનિક ભારતીયો દ્વારા ‘નરેન્દ્રભાઈ કેમ છો’ કહી ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું હતું. રોમમાં પીએમ મોદીએ યુરોપીયન યુનિયનના નેતાઓ સાથે સૌપ્રથમ સત્તાવાર બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોમ પહોંચ્યા પછી યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને યુરોપીયન પંચના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લીયેન સાથે સંયુક્ત બેઠક કરી હતી. આ બેઠક પછી વડાપ્રધાન કચેરીએ ટ્વીટ કરી હતી કે, યુરોપીયન પરિષદના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને યુરોપીયન પંચના અધ્યક્ષ વૉન ડેર લેયેન સાથે સાર્થક વાટાઘાટો સાથે રોમમાં સત્તાવાર કાર્યક્રમ શરૂ થયો. આ બેઠકમાં તેમણે પૃથ્વીને વધુ સારી બનાવવાના આશયથી આર્થિક તથા લોકો વચ્ચે પારસ્પરિક સંબંધો મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.